મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 મે 2018 (00:57 IST)

અમદાવાદમાં હવામાન ખાતાએ આપ્યું યલો એલર્ટ

રાજ્યમાં આજે પણ કાળઝાળ ગરમીના એંધાણ છે. અમદાવાદમાં આજે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે અને રવિવારે પણ અમદાવાદનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજ્યમાં ગાંધીનગર, કંડલા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના ગરમીના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી) તેમજ ગાંધીનગર અને રાજકોટમાં અનુક્રમે 42.5 અને 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે.

જ્યારે તાપમાનનો પારો 40 ડીગ્રીથી વધે અને 42 ડીગ્રી સુધી રહે તેને યલો એલર્ટ કહેવામાં આવે છે. જો તાપમાનનો પારો 42 ડીગ્રીથી 45 ડીગ્રીની વચ્ચે રહે તો તેને ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છો અને જો તાપમાનનો પારો 45 ડીગ્રીની વટાવી જાય તો તેને રેડ એલર્ટ કહેવામાં આવે છે.રાજ્યમાં ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે ત્યારે ગરમીના કારણે લૂથી બચવું પણ એટલું જ જરૂરી છે. લૂથી બચવા માટે બિનજરૂરી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું, શરીર અને માથું ઢંકાય તે રીતે સુતરાઉ કપડાં પહેરવા અને તાપથી બચવા ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો. આ સિવાય ભીના કપડાથી માથું ઢાંકીને રાખવાથી પણ ફાયદો થાય છે. થોડા સમયાંતરે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેરનું પાણી તેમજ વરિયાળી, કાચી કેરી, ગુલાબ અને કાળી દ્રાક્ષના સરબત પીવાથી પણ ફાયદો થાય છે.