સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : મંગળવાર, 2 જૂન 2020 (09:43 IST)

નિર્જલા એકાદશી વ્રત કથા - Nirjala ekadashi Vrat katha

વેદવ્‍યાસજી નિર્જલા એકાદશીનું મહત્વ બતાવતા કહેવા લાગ્‍યાઃ “એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્‍નાન વગેરે કરીને, પવિત્ર થઇને, પુષ્‍પોથીભગવાન કેશવની પૂજા કરવી. ત્‍યારબાદ નિત્‍યક્રમ સમાપ્‍ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. જનનાશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું.”
 
આ સાંભળીને ભીમસેન બોલ્‍યાઃ “પરમ પિતામહ ! મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુન્‍તી, દ્રોપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે કયારેય ભોજન નથી કરતા. અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે, “ભીમસેન ! તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો.” પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છુ કે મારાથી ભૂખ સહન થતી નથી.”
 
ભીમસેનની વાત સાંભળીને વ્‍યાસજી બોલ્‍યાઃ “જો તમે સ્‍વર્ગલોકની પ્રાપ્‍તી ઇચ્‍છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું.”
 
ભીમસેન બોલ્યાઃ “પણ પિતામહ ! હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું ?” મારા ઉદરમાં “વૃક” નામનો અગ્નિ સદાય પ્રજવોિત રહે છે. આથી જયારે હું ખૂબ વધારે ખાઉ છું ત્‍યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુને ! હુ બહું બહું તો વર્ષ ભરમાં ફકત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્‍વર્ગની પ્રાપ્‍તી થાય અને જે વ્રત કરવાથી મારું કલ્‍યાણ  થાય એવું કોઇ એક વ્રત મને કહો. હું એનું પાલન જરુર કરીશ.”
 
વ્‍યાસજીએ કહ્યું : “ભીમ ! જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્‍નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફકત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઇ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું. અન્‍યથા વ્રતનો ભંગ થઇ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્‍ય જળનો ત્‍યાગ કરે તો આ વ્રત પર્ણ થાય છે. ત્‍યાર બાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્‍નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સૂવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જિતેન્‍દ્રીય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે, એ બધી નું ફળ મનુષ્‍ય નિર્જલા એકાદશીના વ્રતથી પ્રાપ્‍ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે “જો માનવ બધુ છોડીને એક માત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પોપોથી છૂટી જાય છે.”
 
એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાફ, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ-પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્‍ય સૌભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનસમાન વેગવાન વિષ્‍ણુ દૂતો આખરે આ વૈષ્‍ણવ પુરુષને વિષ્‍ણુના ધામમાં લઇ જાય છે. માટે નિર્જલા એકાદશીના દિવસે યત્‍નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્‍ત્રી કોય કે પુરુષ ! જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્‍ટ થઇ જાય છે. જે મનુષ્‍ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પૂણ્યનો ભાગી બને છે.”
 
આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરુ કરી દીધું ત્‍યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારશ નામથી વિખ્‍યાત થઇ.