શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 જુલાઈ 2021 (13:07 IST)

Proud of Gujarat - ગુજરાતની જાણીતી સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

ગુજરાતની જાણીતી આંતરરાષ્ટ્રીય સ્વિમર 21 વર્ષીય માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેઓ આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. જ્યાં તે દેશનું નામ રોશન કરશે. માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યાર સુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે.
 
માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઇ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે.
 
કિરણ રિજિજુએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે. જેણે #Tokyo2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી ક્વોટા અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન…’
 
21 વર્ષની માનાને 2019માં ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને આ વર્ષે જ તેણે કમબેક કર્યું છે. માના પટેલની આ ઉપલબ્ધિ પર વિજય નેહરાએ પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું છે, ખૂબ જ સરસ માના પટેલ, તમને અને તમારા કોચ કમલેશ નાણાવટીને હૃદયથી શુભેચ્છાઓ. સાથે જ તમારા પેરેન્ટ્સ રવજીભાઈ અને આનલબેનને અભિનંદન જેમના સખત પરિશ્રમ અને ડેડિકેશને મેં છેલ્લા 10 વર્ષથી જોયા છે. તમને અમને બધાને ગર્વનો અનુભવ કરાવ્યો છે.
 
માના ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા અન્ય બે સ્વિમર શ્રહરી નટરાજ અને સજન પ્રકાશ છે. યુનિવર્સિટી ક્વોટા એક પુરુષ અને એક મહિલા પ્રતિસ્પર્ધીને ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. પોતાના સિલેક્શન વિશે ઓલિમ્પિક્સ.કોમ સાથે વાત કરતા માના જણાવે છે કે, હું ખૂબ જ આનંદ અનુભવી રહી છું. મેં મારા સાથી સ્વિમર્સ પાસેથી ઓલિમ્પિક્સ વિશે સાંભળ્યું છે અને ટીવી પર જોયું છે અને ઘણા ફોટો જોયા છે. પરંતુ આ વખતે ત્યાં રહીને દુનિયાના બેસ્ટ સ્વિમર્સ સાથે સ્પર્ધા કરવાની વાતથી મારા રૂંવાટા ઊભા થઈ જાય છે.