બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (11:34 IST)

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે હરિયાણા સ્ટિલર્સ સામેની મેચ 37-38થી ગુમાવી

છેલ્લી ઘડી સુધી ભારે રોમાંચકતા બાદ પંચકૂલાના તાઉ દેવિલાલ સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની એક મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનો હરિયાણા સ્ટિલર્સ સામે 37-38થી એટલે કે માત્ર એક પોઈન્ટથી પરાજય થયો હતો. હરિયાણા માટે વિકાસ ખંડોલા અને સુનિલે સારી રમત બતાવી હતી. વિકાસે 20 રેઈડમાં 10 પોઈન્ટ જ્યારે સુનિલે છ ટેકલમાં ચાર પોઈન્ટ મેળવ્યા હતા. 
આજે ટોસ જીતીને હરિયાણા સ્ટિલર્સે કોર્ટની પસંદગી કર્યા બાદ ગુજરાતે મેચમાં સારી શરૂઆત કરી હતી. જોકે હરિયાણાએ પણ સારી લડત આપી હતી. દરમિયાન હરિયાણાના પ્રશાંત કુમાર રાયએ પ્રવર્તમાન સિઝનમાં 50મો રેઈડ પોઈન્ટ મેળવ્યો હતો જ્યારે ગુજરાતના સોનુએ પણ આ સત્રમાં તેના 50 પોઈન્ટ પુરા કર્યા હતા. આ ઉપરાંત પ્રશાંત રાયે સમગ્રતઃ 100 બોનસ પોઈન્ટ પુરા કરવાની સિધ્ધિ પણ હાંસલ કરી હતી. બન્ને ટીમો વચ્ચે હાફ ટાઈમ સુધી સારી એવી ટક્કર જોવા મળી હતી પણ અંતે ગુજરાતે 19-14થી પાતળી સરસાઈ મેળવી હતી.
આ મેચ અગાઉ હરિયાણા સ્ટિલર્સ ત્રીજા અને ગુજરાત આઠમા ક્રમે હતું. ગુજરાતે તેની છેલ્લી મેચમાં શાનદાર વિજય મેળવતા તે આઠમા ક્રમે પહોંચી શક્યું હતું. હરિયાણાના 18 મેચમાં 11 વિજય, છ પરાજય અને એક ટાઈ સાથે 60 પોઈન્ટ હતા જ્યારે ગુજરાતના 19 મેચમાં છ વિજય, 11 પરાજય અને બે ટાઈ સાથે 44 પોઈન્ટ હતા.