ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: બુધવાર, 15 નવેમ્બર 2023 (23:19 IST)

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં મારી એન્ટ્રી, 12 વર્ષ બાદ ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર

Mohammed Shami
IND vs NZ: વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ 12 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે. જ્યાં ભારત બીજી સેમીફાઈનલ જીતનારી ટીમ સામે રમશે. ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. છેલ્લા બે વનડે વર્લ્ડ કપમાં સેમીફાઈનલની મેચ ન જીતી શકનાર ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશી છે અને ભારત ઈતિહાસ રચવાથી માત્ર એક પગલું દૂર છે.

 
કેવી હતી આજની મેચ 
 
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ બનાવ્યા. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સદીની ઇનિંગ્સના કારણે ભારત આટલો મોટો સ્કોર ઉભો કરી શક્યું હતું. આ દરમિયાન વિરાટ કોહલીએ 117 રન અને શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રોહિત શર્માએ 47 રન, શુભમન ગિલે 80 રન અને કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. આ પછી ભારતે મેચની બીજી ઇનિંગમાં કિવી ટીમને 327 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ દરમિયાન મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. વનડેમાં ભારત તરફથી આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.
 
ટીમ ઈન્ડિયાએ ધોનીના રન આઉટનો બદલો લીધો હતો
 
સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયાએ 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલનો બદલો લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે  ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. એ મેચમાં એમએસ ધોનીના રનઆઉટે ભારતના કરોડો દિલ તોડી નાખ્યા હતા. તે રનઆઉટ બાદ મેચનું પાસું જ પલટાઈ ગયુ હતું અને ભારતીય ટીમ સેમીફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારથી, ભારતીય ફેન્સ ન્યુઝીલેન્ડ સામે બીજી તક શોધી રહ્યા હતા અને તેમને આ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આ તક મળી અને ભારતે તેનો બદલો લીધો.