રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 જૂન 2022 (13:21 IST)

શિવસેના નવો ખેલ ના પાડે એ માટે ભાજપના 105 ધારાસભ્યોને અમદાવાદ લાવવાની તૈયારી

મહારાષ્ટ્રમાં ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. ખાસ કરીને અમદાવાદની આસપાસના કોઈ રિસોર્ટ અથવા હાઈ-પ્રોફાઈલ ક્લબમાં તેમના રોકાણની વ્યવસ્થા કરાઈ હોવાનું મનાય છે. આ માટે ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોએ કહ્યું છે.એક તરફ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં મુકાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપે સરકાર બનાવવી હોય તો શિવસેનાને તોડવા ઉપરાંત પોતાના 105 ધારાસભ્યમાંથી કોઈ તૂટે નહીં એ ધ્યાન રાખવું જરુરી બન્યું છે. આ કારણથી જ હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી સીધા રિસોર્ટ અથવા ક્લબમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાત ભાજપનાં જ ઉચ્ચ-સ્તરીય સૂત્રોની વાત માનીએ તો મહારાષ્ટ્રમાંથી ભાજપના જે ધારાસભ્યોને લાવવામાં આવી રહ્યા છે તેઓ આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. આ ધારાસભ્યોને એરપોર્ટ પરથી જ સર્વોચ્ચ સ્તરની સુરક્ષા સાથે પૂર્વનિર્ધારિત સ્થળે લઈ જવામાં આવશે. આ માટે એવો રિસોર્ટ જ પસંદ કરાયો છે, જ્યાં 105 ધારાસભ્યોને એકસાથે સાચવવા માટેની વ્યવસ્થા થઈ શકે.મહારાષ્ટ્રમાંથી ભાજપના ધારાસભ્યોને લઈ આવ્યા પછી ક્યાં રાખવા એ માટે આજે સવારથી ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ વચ્ચે સતત ટેલિફોનિક વાતચીત ચાલી હતી. આમાં અંતે અમદાવાદના સાણંદ પાસેની એક હાઈપ્રોફાઈલ ક્લબ પર પસંદગી ઉતારવામાં આવી હોવાનું મનાય છે. આ ક્લબના માલિક ભાજપના અત્યંત વિશ્વાસુ છે અને અગાઉ પણ ભાજપના ઘણા કાર્યક્રમો તથા સિક્રેટ ઓપરેશનો આ સ્થળે પાર પાડવામાં આવી ચૂક્યાં હોવાનું મનાય છે.