સુરતમાં હીરાના વેપારીની 9 વર્ષની દીકરીએ દીક્ષા ગ્રહણ કરી
સુરતમાં માત્ર 9 વર્ષની દીકરીએ જાહોજલાલી છોડીને સંયમનો માર્ગ પસંદ કર્યો છે. સુરતના હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી દીક્ષા લીધી છે. દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આજે એટલે કે બુધવારે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષા શરૂ થઈ ગઈ હતી. દેવાંશી 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી છે.
દેવાંશીના પરિવારના સ્વ. તારાચંદનું ધર્મક્ષેત્રે પણ વિશેષ સ્થાન હતું. તેમણે શ્રી સમ્મેત શિખરનો ભવ્ય સંઘ કાઢ્યો અને આબુની ટેકરીઓ નીચે બનેલું સંઘવી ભેરુતારક તીર્થનું નિર્માણ કરાવ્યું હતું.સુરતમાં જ ગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી.
દેવાંશી 5 ભાષામાં જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે. દેવાંશી પાસે વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થ પ્રકરણો જેવાં મહાન પુસ્તકો છે. તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ સંઘવી હીરા કંપનીના માલિક છે, તેમની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે. દેવાંશીની નાની બહેનનું નામ કાવ્યા છે. તેની ઉંમર પાંચ વર્ષ છે. હીરા વેપારી ધનેશ અને તેમનો પરિવાર ભલે ધનાઢ્યા હોય, પણ તેમની લાઈફસ્ટાઈલ ખૂબ જ સરળ અને સાદગીભરી છે. આ પરિવાર શરૂઆતથી જ ધાર્મિક રહ્યો છે.