સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 જાન્યુઆરી 2020 (14:36 IST)

ભારતમાં CCI તપાસની વચ્ચે ઍમેઝોનના માલિક જેફ બેઝોસ ભારતમાં, એક અબજ ડૉલરનું રોકાણ કરશે

ઍૅમેઝોન ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ડિજિટાઇઝેશનમાં એક અબજ ડૉલરનું રોકાણ કરશે.
ટોચની ઇ-કોમર્સ કંપની ઍૅમેઝોનના સીઈઓ જેફ બેઝોસે તેમની ભારતયાત્રા દરમિયાન આ જાહેરાત કરી હતી.
જેફ બેઝોસે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ 21મી સદીમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે.
બેઝોસ ઑનલાઇન રિટેલના બે દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે.
 
બેઝોસે જાહેરાત કરી કે ઍૅમેઝોન ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ડિજિટાઇઝેશનમાં એક અબજ ડૉલરનું રોકાણ કરશે.
જેફ બેઝોઝે કહ્યું કે 2025 સુધી ઍૅમેઝોન પોતાના વૈશ્વિક પ્લૅટફૉર્મ પરથી 10 અબજ ડૉલરની કિંમતના ભારતમાં બનેલા ઉત્પાદનોના દુનિયાભરમાં નિકાસમાં મદદ કરશે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ મુજબ, કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ ઍમેઝોન તથા વૉલમાર્ટની માલિકીની ઑનલાઇન વેચાણ કંપની ફ્લિપકાર્ટ સામે તપાસ હાથ ધરી છે.
ઑનલાઇન કંપનીઓ દ્વારા તેમની પેટા કંપની અથવા તેમના સાથે સંકળાયેલી કંપનીઓને 'વિશેષ પ્રાથમિકતા' અપાતી હોવાના આરોપ મૂક્યા છે.
આ સિવાય ભારે ડિસ્કાઉન્ટ મુદ્દે પણ છૂટક વેપારીઓએ ઈ-કૉમર્સ કંપનીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. જોકે, કંપનીઓ આ આરોપોને નકારે છે.
 
પતંગ ચગાવી
જેફ બેઝોસે ભારત પ્રવાસમાં મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટની મુલાકાત લીધી હતી.
એમણે ટ્વીટ કરતા કહ્યું કે, "તેઓએ વાસ્તવમાં દુનિયાને બદલી, તેઓને મારા નમન. મહાત્મા ગાંધી કહેતા હતા કે જીવન એવું જીવો કે કાલે અંતિમ દિવસ છે અને એ રીતે શીખો કે જાણે કાયમ અહીં જ રહેવાનું છે."
આ સિવાય તેમણે મકરસંક્રાંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો અને બાળકો સાથે પતંગ ચગાવી હતી