શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By મેહુલ મકવાણા|
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2019 (10:36 IST)

આ સરકાર તો અમારી ગરીબની કોઈ દરકાર કરતી નથી, કોઈ મારી વાત હાંભળતા નથી'

મેહુલ મકવાણા
 
''આ ચાર મહિના શિયાળાના ગયા અને ઉનાળાના આવી ગયા. ચાર-પાંચ દિવસ થાય ત્યારે એક દિવસ ચારો મળે છે. બે ભારા. આ સરકાર તો કોઈ અમારી ગરીબની ધાસ્તી-તાજી (દરકાર) કરતી નથી, કોઈ મારી વાત હાંભળતા નથી. આ પાણીની તંગી, માલ-ઢોર મરે છે. અમારી ખેતી સમજો, અમારી જિંદગી સમજો તો આ રોજી. આ મરી જાય તો અમને કોઈ મંગનો (સગુ) નઈ દે.''
 
આ શબ્દો છે બન્નીના મોટા સરાડા ગામનાં અમીબાઈ જતના. કચ્છ જિલ્લાનો બન્ની વિસ્તાર ગુજરાત પ્રવાસન નિગમની 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' જાહેરાત થકી લોકોની નજરમાં આવેલા સફેદ રણને અડીને આવેલો છે.  બન્નીમાં ગામો દેખાય છે પણ માણસ બહુ નથી દેખાતા.
 
જોકે, આ ગામો પણ સરકારી રેકર્ડ પર નથી. બન્નીમાં 42 જેટલાં ગામ-વાંઢ છે. મતદારો છે અને પંચાયતો પણ છે પરંતુ આ પ્રદેશની સરકારી રેવન્યુના ચોપડે નોંધણી નથી. આ અંગે બન્નીના માલધારીઓ સરકારે સામે અદાલતમાં પણ ગયા છે. લોકવાયકા મુજબ આ બન્ની પ્રદેશ એક જમાનામાં હાથી ન દેખાય એટલા ઊંચા ઘાસનો પ્રદેશ હતો.
 
'આ દેખાય એ પરિસ્થિતિ છે'
 
અમીબાઈની ચાર ભેંસો આ દુકાળમાં મરી ગઈ છે, અમીબાઈનો 25 લોકોના પરિવાર છે. તેમની પાસે જે ભંસો છે તે ખરીદેલી નથી અને એક જ પરિવારની છે. એવું તેઓ જણાવે છે. 
 
મેં એમને પૂછ્યું, કેવી છે પરિસ્થિતિ?
 
અમીબાઈ ભેંસો બતાવીને કહે છે પરિસ્થિતિ આ દેખાય એ છે. ચાર-પાંચ દિવસે એક વાર ચારો મળે છે. એમાં એમનું પેટ નથી ભરાતું. પાંચ-છ દિવસે પાણી મળે છે. અમીબાઈની ફરિયાદ છે કે સરકાર બીજે પાણી આપી દે છે. કલાક-બે કલાક પાણી આવે છે. એમાં છોકરાને પીવાનું કરું કે ઢોરાંનું કરું એવો સવાલ એ મને કરે છે.
 
અહીં 95 ટકા મુસ્લિમ અને બાકી દલિતોની વસતિ છે અને બધાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આ પરિવારો 500-700 વર્ષથી અહીં જીવે છે.
 
આજે પણ એમના વડવાઓએ રાજાને આપેલા વચન પ્રમાણે બન્ની ત્યાં વસતા તમામ પશુપાલકોનું સહિયારું ગણાય છે. ગમે તે ગામના ગમે તે પશુને ગમે ત્યાં ચરવાનો અબાધિત અધિકાર છે. મોટાભાગે નિરક્ષર એવા આ લોકો જમીન પર પાળ નહીં બાંધવાનું, જમીન નહીં ખેડવાનું પરંપરાગત વચન આજેય પાળે છે.
 
જો અમારો માલ મરી જાશે તો અમે ક્યાં જઈશું?'
 
મેં અમીબાઈને પૂછ્યું કે ઢોરાંને ખુલ્લામાં ચરવાં કેમ નથી મૂકી દેતાં?
 
અમીબાઈ કહે છે કે જંગલની ઝાડીમાં જાય તો સીમાડામાં ખડ નથી. બિચારા માટીમાં મોં મારીમારીને આવે છે. રાતે અમને સુવાય ન દે. રાતે બે વાગે ઘરે આવી જાય, બાર વાગે આવી જાય. ચોપા (ભેંસ)ના પેટમાં ન ખડ હોય ન ભૂંસું. બાવળની પાપડીય નથી. એ હોય તો એમને આપું. પાપડી પણ મોંઘી થઈ ગઈ છે.
 
અમીબાઈની વાત વાજબી છે, કેમ કે ગત વર્ષે સરેરાશના પણ 26 ટકા વરસાદ કચ્છમાં થયો હતો. વગડામાં બાવળિયા સિવાય કંઈ નથી.
 
અમીબાઈ પશુઓને પોષણ નથી મળી રહ્યું એનાથી પરેશાન છે. દુકાળની અસર એમની વાત પર વર્તાય છે.
 
તેઓ કહે છે, આ માલ અમને બીમારી દઈ જાશે. રાતદિવસ અમને ખાવાનું ભાવતું નથી. એના પેટમાં હોય તો અમને સુખશાંતિ થાય. આખો દિવસ ઘરે આવે, ખાણ કે ચરો હોય તો એના પેટમાં દઉં ને... આ અમારી હાલત છે ભાઈ... જો અમારો માલ મરી જાશે તો અમે ક્યાં જઈશું?
 
પશુઓ મરી જશે તો ક્યાં જઈશું એ સવાલ અમીબાઈનો જ નહીં દરેકનો હોય છે કેમ કે પશુપાલન બન્નીના માલધારીઓનાં જીવનનું કેન્દ્રબિંદુ છે.
 
અમીબાઈ કહે છે અમારું જીવન માલ પર, એ બીમાર થાય તો અમને ખબર પડી જાય, એના પેટમાં ઘાસ ન હોય તો પણ અમને ખબર પડી જાય, એને પાણી ન પીવું હોય તોય અમને ખબર પડી જાય. આ માલ અમારો પરિવાર એનું અમે જોઈ લઈએ... એ સિવાય અમને કંઈ ન આવડે.
 
અમીબાઈ કહે છે બાળકોને એક દિવસ ભૂખ્યાં સૂવડાવી દઈએ તો ચાલે, આ માલ ભૂખ્યો પડી જાય તો અમારું પેટ બળે. અમને બીજું કાંઈ ખપતું નથી. સરકાર અમારાં બચ્ચાંને ન દે, ખાલી ચોપાને ઘાસ દે.
 
અમીબાઈ ઉમેરે છે, અમારે ખેતીવાડી કાંઈ નથી, નથી કાંઈ નોકરી. અમે અંગૂઠાછાપ છીએ. આ વરસાદ પડે ને ઝાડી જેટલું ઘાસ થાય તો સીમાડામાં બાયુ ચારી આવે. આ અમારો માલ અને અમારો દૂધનો ધંધો. બીજું અમારું કાંઈ નહીં.
 
'ગુજરાતવાળા અમારા ગરીબનો કોઈ આધાર નથીકરતાં'
 
સરાડા એ બન્નીનું મોટું ગામ ગણાય છે. અમીબાઈના ગામમાં મોટા સરાડામાંથી અનેક પરિવારો સ્થળાંતર કરી ગયા છે. એ સિવાય નાના સરોડા, રભુવાંઢ, વાગુરા એવાં અનેક ગામોમાં બાવળના કોલસાની મજૂરી પર ટકી રહેનારા કે ઘર સાચવવા રહેલા થોડાક જ પરિવારો જોવા મળે છે.
 
અમીબાઈ કહે છે, આ બન્ની સૂકો મુલક. ગુજરાત લીલો મુલક. આ ગુજરાત લીલું છે પણ ગુજરાતવાળા કોઈ અમારા ગરીબનો આધાર કરતા નથી. હું ગુજરાતનો છું. કચ્છ ગુજરાતમાં છે અને અમીબાઈ સહજ રીતે 'ગુજરાતવાળા' આધાર કરતાં નથી એમ કહે છે એ સ્થિતિ અને સંદર્ભ સમજવા જેવો છે. આજે પણ કચ્છમાંથી બહાર જતો માણસ 'ગુજરાત જાઉં છું' કે 'સૌરાષ્ટ્ર જાઉં છે' એમ બોલતો હોય છે.
 
કચ્છની અને એના લોકોની ભાતીગળ ઓળખ એવી દૃઢ છે કે એ ગુજરાતનો હિસ્સો હોવા છતાં લોકમાનસમાં ગુજરાત એ એક અલગ પ્રદેશ બની રહે છે. અમીબાઈ 'ગુજરાતવાળા' કહે છે ત્યારે એમાં અભિપ્રેત અર્થ ગુજરાતના લોકો નહીં પંરતુ સરકારને લાગુ પડે છે, કેમ કે તેઓ આગળ કહે છે. આ ગામના માલધારીઓ ત્યાં બિચારા પશુઓ લઈને જાય. કોઈ વીરમગામમાં બેઠા છે, તો કોઈ સચાણામાં. એમને થોડું ઘણું સંસ્થાવાળાઓ દે છે. એમનાં દિલમાં રહેમ પડે પણ સરકારે કોઈ કેન્દ્ર નથી કર્યું. સરકાર કેન્દ્ર કરે તો માલધારીઓ બચે ને!
 
અમીબાઈની ફરિયાદ છે કે પહેલાં અહીં ઘાસડેપો હતો એ સરકારે બંધ કરી દીધો છે અને એને 15 કિલોમિટર દૂર લઈ ગયા છે. વાતવાતમાં અમીબાઈ મને સરકારમાંથી આવેલો માણસ પણ ધારે છે. જોકે, એમના ફરિયાદના સૂરમાં પણ કડવાશ નથી વર્તાતી. એ મને કહે છે તમે અમારા બારામાં સરકારમાં કે જો તો તમારો આભાર, માલિક તમને ઘણી રોજી દે.
 
પછી તરત ઉમેરે છે... જો તમે નઈ કહો તોય આ આટલા દિવસ સરકારે દરકાર નથી કરી તોય અમે બેઠા છીએ માલિકને ભરોસે.કપરા દુકાળના સમયમાં પણ અમીબાઈ મને 'માણસને મારે માલિક, બચાવે માલિક' એવું સરળ ગામઠી તત્ત્વજ્ઞાન આપે છે.
 
65 વર્ષમાં આવો દુકાળ નથી જોયો'
 
મોટા સરાડા ગામના સોઢા હાજી સાઉ જત કહે છે કે ગામની વસતિ 4000 છે અને 15,000 જાનવરો છે. હાલ ગામના માલધારીઓ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં અને અંજારમાં ગયા છે. ગત વર્ષે ઑક્ટોબર મહિનાની 16 તારીખથી માલધારીઓ હિજરત કરીને ગયા છે એમ તેઓ જણાવે છે. સોઢા હાજી સાઉ પોતે પણ હિજરત કરીને ગયા હતા અને મહિના પહેલાં જ પાછા કચ્છ આવ્યા છે. તેઓ કહે છે મને કચ્છના મંત્રીએ કહ્યું કે તમે કચ્છ જાવ, કચ્છમાં બધી સહાય મળશે. જોકે, એમણે કરેલી સહાયની અરજી હજી પ્રક્રિયામાં છે.
 
સોઢા હાજી સાઉ જત કહે છે કે મને 65 વર્ષ થયાં છે. પણ 65માં મેં આવો દુકાળ કદી જોયો નથી. મોટા સરાડાથી નીકળી મેં રભુવાંઢ અને વાગુરા ગામની મુલાકાત લીધી. બેઉ ગામમાં એકાદ-બે પરિવાર સિવાય માણસ મળવો મુશ્કેલ છે. વાગુરાના સુમરા સાઉ સુલેમાન અને રભુવાંઢના ગુલામભાઈની દાસ્તાન પણ અમીબાઈ જેવી જ છે.
 
રભુવાંઢમાં જે મજૂરી કરનારા છે એવા બે-ત્રણ પરિવારો જ છે અને બાકીના માલધારીઓ હિજરત કરી ગયા છે.
 
સૂની પડેલી શાળાઓ
 
મોટા સરાડા ગામની શાળામાં હું ગયો તો શિક્ષકો મને અચાનક જોઈને ગભરાઈ ગયા. શાળાનો સમય ચાલુ હતો પણ કોઈ વર્ગ ચાલતો હોય એવું દેખાયું નહીં. શાળામાં શિક્ષકો હતા પણ આચાર્ય ચૂંટણી ફરજમાં બહાર ગયા હતા. મેં શિક્ષકોને વિદ્યાર્થીઓની સંખ્યા વિશે પૂછ્યું. જોકે, તેમણે મુલાકાત આપવાની ના પાડી અને આચાર્ય સાથે વાત કરવા કહ્યું. 
 
આચાર્યે ફોન પર માહિતી આપી કે 190 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. પણ મને શાળામાં ફકત સાત જ વિદ્યાર્થી દેખાયા. મેં એમને પરિવાર સાથે હિજરત કરી ગયેલાં બાળકોને આપવામાં આવતાં માઇગ્રેશન-કાર્ડ અંગે પૂછ્યું. જો માઇગ્રેશન-કાર્ડ હોય તો હિજરતી બાળકો જે તે વિસ્તારની શાળામાં અભ્યાસ કરી શકે છે. એમનો જવાબ હતો કે પરિવારો જાણ કર્યા વગર જ નીકળી જાય છે એટલે માઇગ્રેશન-કાર્ડ આપી શકાતાં નથી.
 
રભુવાંઢની શાળામાં મને તાળું વાસેલું જોવા મળ્યું. હાજર ગુલામભાઈએ કહ્યું કે શિક્ષક રોજ આવે છે પણ આજે નથી આવ્યા.
 
શાળાના શિક્ષક સલીમભાઈ ચૂંટણીની કામગીરી સંદર્ભે બહાર હતા. એમની સાથે ફોન પર વાત થયા મુજબ રભુવાંઢની શાળામાં 35 બાળકો નોંધાયેલાં છે પરંતુ દુકાળને કારણે મોટાભાગનાએ પરિવારો સાથે હિજરત કરી છે. હાલ સરેરાશ રોજના 8 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે. બાળકોને માઇગ્રેશન-કાર્ડ અંગે સલીમભાઈ કહે છે કે આ અંગે ડિસેમ્બર મહિનામાં તાલુકામાં જાણ કરી છે.
 
સરકારનો પક્ષ
ગત વર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડતાં કચ્છમાં દુકાળની સ્થિતિ ખૂબ વહેલી સ્પષ્ટ થઈ ગઈ હતી. થોડા દિવસ અગાઉ લોકસભાની ચૂંટણી સંદર્ભે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કચ્છની મુલાકાત લીધી હતી.  તેઓ કચ્છ બેઠક પર વિનોદ ચાવડાના ઉમેદવારીપત્ર દાખલ કરવાના સમયે હાજર રહ્યા હતા. એ સમયે તેમણે સ્થાનિક મીડિયાને સરકાર કચ્છની પડખે છે એવું નિવેદન આપ્યું હતું.
 
સરકારી તંત્ર દ્વારા લેવામાં આવેલાં પગલાંઓ અંગે મેં કચ્છથી પરત ફરીને અછત રાહતની કામગીરી સંભાળતા મામલતદાર બી. એચ. ઝાલા સાથે ફોન પર વાત કરી.
 
તેમણે કહ્યું કે 1 ઑક્ટોબરે કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 71 ગુડ્સ ટ્રેન મારફતે 6 કરોડ 86 લાખ કિલો ઘાસ મંગાવવામાં આવ્યું છે અને તે પૈકી 6 કરોડ 50 લાખ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે.
 
સરકારે કચ્છ જિલ્લામાં 443 ઢોરવાડા શરૂ કર્યા છે, જેમાં 2,63,000 પશુઓ છે.
 
માલધારીઓને પ્રતિદિન પશુ દીઠ 35 રૂપિયા રાહત વળતર ચૂકવવામાં આવે છે.  આ ઉપરાંત 154 ગૌરક્ષા-પાંજરાપોળમાં 1,30,000 પશુઓ છે, જેમને પણ પશુ દીઠ પ્રતિદિન 35 રૂપિયા રાહત વળતર ચૂકવવામાં આવે છે. બી. એચ. ઝાલાના મતે આ વખતે ઢોરવાડાઓની સંખ્યા રેકૉર્ડબ્રેક છે. આટલી મોટી સંખ્યામાં ઢોરવાડા અગાઉ કદી નથી શરૂ કરવામાં આવ્યા.
 
જે ગામની મેં મુલાકાત લીધી તે મોટા સરાડા ગામમાં ઘાસડેપો બંધ થવાનું કારણ માલધારીઓએ કરેલું સ્થળાંતર હોવાનું બી. એચ. ઝાલા જણાવે છે.  તેઓ કહે છે કે સ્થાનિક અહેવાલને આધારે જ્યાં વધારે જરૂર હોય તે મુજબ ઘાસડેપો મર્જ કરવામાં આવે છે. એમના મતે સરકારે આ વખતે હિજરત કરી ગયેલા માલધારીઓ અન્ય જિલ્લામાં પણ સહાય લઈ શકે તે માટે જીઆર બહાર પાડ્યો છે. જો કોઈ ટ્રસ્ટ અછતગ્રસ્ત વિસ્તારમાંથી હિજરત કરી ગયેલા માલધારીઓ માટે ઢોરવાડો શરૂ કરે તો તેમને 35 રૂપિયા મુજબ સહાય આપવામાં આવે છે.
 
માલધારીઓની સાથે હિજરત કરતાં બાળકોનાં શિક્ષણ અંગે તેઓ કહે છે કે એવી કોઈ અરજી આવી નથી. માલધારીઓ પોતાની મેળે નીકળી જાય એટલે તંત્રને સીધી જાણ થતી નથી. 
 
'હવે જો હામુ દુકાળ પડી જાસે તો…'
 
પાણીની તંગી અને અછત કે દુકાળ એ આમ જુઓ તો કચ્છનું એક અભિન્ન અંગ જ બની ગયું છે. ગત વર્ષે નજીવો વરસાદ થયો હતો અને ચોમાસાને હજી ઘણી વાર છે. એક તરફ મોટા રસ્તા, બંદરો અને પ્રવાસનની રણોત્સવ જેવી યોજનાઓ અને વિકાસની વાત છે તો બીજી તરફ અછતગ્રસ્ત કચ્છની અલગ જ સ્થિતિ છે. અમીબાઈ ભણેલાં નથી પરંતુ તેઓ કહે છે 'છોકરાએ વાત કીધી કે સરકારે પેપરમાં દઈ દીધો ક હામુ વરહ ખોરો-મોરો થાશે, આ વરસાદ ન પડે તો તો ઢોર તો મરી જાસે. દુકાળમાં અમે જે દાગીના હતા, જે ઘરમાં મૂડી હતી એ બધી ખવડાઈ દીધી. હવે જો હામુ દુકાળ પડી જાસે તો તો જીવતા રહે નહીં, કોઈ હિસાબે જીવતા ન રે.'