ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2024 (18:29 IST)

દોઢ કરોડ રૂપિયા પગાર અને રહેવા માટે ટાપુ પર વૈભવી ઘર આપતી આ નોકરી કેવી રીતે મળે છે?

island
શું તમને કોઈ 1,50,000 પાઉન્ડ (અંદાજે દોઢ કરોડથી વધુની રકમ) આપે તો તમે વિદેશના રમણીય પ્રદેશમાં રહેવા જાઓ ખરા?
 
યુઇસ્ટ અને બૅનબેકુલાના હૅબ્રિડિયન ટાપુઓ સ્કોટલૅન્ડના અતિશય દૂરના વિસ્તારો ગણાય છે. યુનાઇટેડ કિંગડમમાં સૌથી દૂરના આ વિસ્તારોમાં ડૉક્ટરોને આકર્ષવા માટે આટલી મોટા પગારની ઑફર કરવામાં આવી રહી છે. જેથી કરીને ડૉક્ટરો ત્યાં રહે અને કામ પણ કરે.
 
નજીકના જ એક ટાપુ રમમાં ઘણા વાલીઓ પાંચ પ્રાથમિક શાળા અને બે બાલમંદિરમાં ભણતાં તેમનાં બાળકો માટે એક શિક્ષકની શોધમાં છે અને 68,000 પાઉન્ડ (અંદાજે 71 લાખથી વધુ) નો પગાર આપવા માટે તૈયાર છે.
 
સ્કોટલૅન્ડના ગ્રામીણ વિસ્તારોમાં અનેક સેવાઓમાં લોકો નોકરી લેવા માટે તૈયાર નથી. તેથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
 
ત્યાંના રહેવાસીઓ માટે આ માત્ર નોકરીનો સવાલ નથી, તેનાથી વધુ મોટી વાત છે. સ્કોટલૅન્ડના દ્વીપોમાં રહેવા અને કામ કરવા માટે નવા લોકો આવે તેના માટેનો આ પ્રયત્ન છે.
 
એનએચએલ વેસ્ટર્ન આઇલ્સના ચીફ ઍક્ઝિક્યૂટિવ ગૉર્ડોન જેમિસન કહે છે, “અમે માત્ર જે વ્યક્તિ આવી રહ્યા છે તેના વિશે જ નહીં, પરંતુ તેમના પરિવાર વિશે પણ વિચારી રહ્યા છીએ. આવી રહેલી વ્યક્તિઓના જીવનસાથી માટે પણ કેટલા પ્રકારની તકો રહેલી છે તેના વિશે પણ વિચારીએ છીએ.”
 
તેઓ કહે છે, “આ પ્રકારનાં દૂરસ્થ સ્થળોએ આવવું અને રહેવું એ દરેક વ્યક્તિની પસંદગી હોતી નથી. મેડિકલ પ્રૉફેશનલ માટે યુઇસ્ટ અને બેનબેકુલા જેવાં સ્થળો અતિશય દૂર આવેલાં છે.”
 
ગ્રામીણ વિસ્તારોમાં ભરતીની સમસ્યા
બૅનબેકુલા સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલ એનએચએલ વેસ્ટર્ન આઇલ્સ એ સામાન્ય પગાર કરતાં 40 ટકાથી વધુ પગાર આપીને નવા લોકોને આકર્ષી રહ્યા છે.
 
તેઓ ગ્રામીણ વિસ્તારોમાં સાહસિકતા અને ધીરજ બંને હોય તેવા ડૉક્ટરોને આકર્ષવાની તૈયારી કરી રહ્યા છે.
 
તેઓ આઉટર હેબ્રિડ્સમાં આવેલા છ ટાપુઓમાં કામ કરશે. આ ટાપુઓની કુલ વસ્તી 4700થી પણ વધુ છે.
 
યુકે હેલ્થ બોર્ડ અનુસાર આ પ્રકારની સુવિધા એ યુનાઇટેડ કિંગડમના સૌથી સુંદર અને અટૂલા સ્થળે કામ કરવાની તક છે.
 
અરજી કર્યા બાદ જે લોકો સફળ થશે તેમને આ ટાપુઓમાં સ્થળાંતર માટે દસ હજાર પાઉન્ડ (દસ લાખથી વધુ)નો ખર્ચ અને એ સિવાય ‘ગોલ્ડન હૅલો’ પેમેન્ટ પણ આપવામાં આવશે.
 
જેમિસને બીબીસી રેડિયોના ગુડ મોર્નિંગ સ્કોટલૅન્ડ પ્રોગ્રામમાં કહ્યું હતું કે, “ આ પ્રકારની નોકરી અને જવાબદારી માટે એક ચોક્ક્સ પ્રકારની આવડત હોવી પણ જરૂરી છે. એ દેખીતી વાત છે કે તેના માટે અમે એટલું વળતર પણ આપી રહ્યા છીએ. જોકે, આ તક મળવી એ સૌ કોઈના હાથની વાત નથી.”
 
“પરંતુ રીમોટ હેલ્થકેરનો અનુભવ લેવા માટે વિશ્વભરમાંથી ઘણા લોકો ઇચ્છુક છે.”
 
જેમિસનના જણાવ્યા અનુસાર એનએચએસ વેસ્ટર્ન આઇલ્સે ગ્રામીણ ભરતીની બાબતમાં વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં કન્સલ્ટન્ટ્સ, જીપીએસ અને નર્સો બધી જ પ્રકારની નોકરીઓનો સમાવેશ થાય છે.
 
પરંતુ તેઓ માને છે કે આ પ્રકારનો પગાર અહીં રહેવા અને કામ કરવા માટેનું એક પ્રકારનું પ્રોત્સાહન જ છે.
 
તેઓ કહે છે, “અમારે લાંબા ગાળાની ટકાઉ સેવા પૂરી પાડવી છે અને અમે ઇચ્છીએ છીએ કે લોકો આ વસાહતમાં લાંબા સમય સુધી રહે અને કામ કરે.”
 
માત્ર એક જ શેરી અને તેમાં પણ 6000 લોકોની વસતી, કેવું છે આ ગામ?
ટાપુઓની વિવિધતા
 
રમ ટાપુ કે જ્યાં માત્ર 40 લોકોની વસ્તી છે
ઇનર હેબ્રિડ્સના રમ ટાપુ પર માત્ર 40 લોકોની વસ્તી છે. આ બધા લોકો કિનલોક ગામની આસપાસ રહે છે.
 
રમમાં આવેલી પ્રાથમિક શાળામાં પાંચથી 11 વર્ષની વયના માત્ર પાંચ વિદ્યાર્થીઓ અને ત્રણ અને ચાર વર્ષની વયનાં બે બાળકો છે.
 
હાઇલૅન્ડ કાઉન્સિલ તેમના નવા મુખ્ય શિક્ષક માટે 62,000 પાઉન્ડ (65 લાખ રૂપિયા)નો વાર્ષિક પગાર ઑફર કરી રહી છે. જેમાં 5500 પાઉન્ડ (5.80 લાખ રૂપિયા) કરતાં વધુ મૂલ્યના રિમોટ વર્કિંગ ઍલાઉન્સનો સમાવેશ છે.
 
કાઉન્સિલે કહ્યું છે કે તેમને આ પોસ્ટમાં લોકોનો રસ દેખાયો છે, પરંતુ ભરતીપ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
 
સ્કોટલૅન્ડના મૂળ ભૂભાગથી 90 મિનિટની ફેરીમાં બેસીને રમ ટાપુ સુધી પહોંચી શકાય છે. અહીંના ટાપુજીવનને ‘ઑફ-ગ્રીડ’ તરીકે વર્ણવવામાં આવે છે. અહીં નાની હાઇડ્રો-ઇલેક્ટ્રિક યોજનાઓ વીજળીનું ઉત્પાદન કરે છે.
 
આ ટાપુ લાલ હરણની મોટી વસ્તી માટે પણ જાણીતો છે. અહીંની મોટા ભાગની જમીન સ્કોટિશ સરકારી એજન્સી ‘નેચરસ્કોટ’ની માલિકીની છે.
 
ચાર વર્ષ પહેલાં કિનલોકમાં ચાર નવાં ઘરો બનાવવામાં આવ્યાં હતાં.
 
આઇલ ઓફ રમ કૉમ્યુનિટી ટ્રસ્ટે જણાવ્યું હતું કે, “તેઓ આશા રાખે છે કે આ સ્કીમને કારણે તેઓ યુવાન લોકો અને તેમના પરિવારોને આકર્ષી શકશે ટાપુ જીવનને યોગ્ય બનાવી શકશે."
 
એ બીચ જ્યાં લોકો નગ્ન થઈને ફરે છે, સૂર્યસ્નાન કરે છે
દુનિયામાં હરવાફરવાની સાથે પૈસા કેવી રીતે કમાવી શકાય?
 
એ જ રીતે વેસ્ટ હાઇલૅન્ડ્સમાં આવેલ અર્ડનામર્કન દ્વીપકલ્પ પર આવેલી કિલ્કોઅન પ્રાઇમરી સ્કૂલે ગત મહિને તેમના 15 વિદ્યાર્થીઓ માટે 53,000 (55 લાખ રૂપિયાથી વધુ) પાઉન્ડની નોકરીની જાહેરાત કરી છે.
 
2022માં શેટલૅન્ડથી 16 માઇલ દૂર આવેલી ચાર વિદ્યાર્થીઓની ફોલા પ્રાથમિક શાળાએ 28 લોકોના ટાપુ પર 62,000 પાઉન્ડનો વાર્ષિક પગાર (65 લાખ રૂપિયાથી વધુ) અને ત્રણ બેડરૂમનું મકાન ભાડે આપવાની ઑફર આપી હતી.
 
હાઇલૅન્ડ કાઉન્સિલે જણાવ્યું હતું કે તેમના માટે ભરતીના પડકારો શાળાના સ્થાનને આધારે બદલાતા રહે છે. કેટલીક ગ્રામીણ ભરતીઓમાં લોકોનો વધુ રસ દેખાય છે.
 
સ્થાનિક સત્તાધીશે જણાવ્યું હતું કે, “તેમણે કાયમી પોસ્ટ માટે હાઇલૅન્ડ વિસ્તારમાં જતા શિક્ષકો માટે ખૂબ સારું રિલોકેશન ઍન્ડ રીમૂવલ પૅકેજ પ્રદાન કર્યું છે. તેમાં ભાડા અને મુસાફરીમાં થતા ખર્ચનો પણ સમાવેશ થાય છે.”
 
કાઉન્સિલના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, "મુખ્ય શિક્ષકની આ જગ્યાઓ હાઇ રિમોટ ઍલાઉન્સ અને ડિસ્ટન્ટ આઇલૅન્ડ ઍલાઉન્સને પણ લાયક છે. આ શરતોનો રાષ્ટ્રીય સ્તરે નોકરીની સ્વીકાર્ય શરતોનો જ એક ભાગ છે.”
 
જ્યાં શક્ય હોય ત્યાં વધુ અરજીઓને પ્રોત્સાહિત કરવા માટે કાયમી ધોરણે પોસ્ટની જાહેરાત પણ કરવામાં આવે છે.
 
તેઓ કહે છે, “અમે હાલમાં અમારી શાળાઓમાં સ્ટાફ જળવાઈ રહે અને નવો સ્ટાફ આવે તેના માટે નવા નિયુક્ત મુખ્ય શિક્ષકો તથા અન્ય શિક્ષકો માટે એક વ્યાપક લીડરશિપ પ્રોગ્રામમાં પણ ઘણું રોકાણ કરી રહ્યા છીએ."