ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સબા નકવી|
Last Updated : શનિવાર, 30 માર્ચ 2019 (14:56 IST)

શું અમિત શાહ ભાજપના સૌથી શક્તિશાળી અધ્યક્ષ છે?

આવું સાહસ અને ઝનૂન જ અમિત શાહની ઓળખ છે જેની ધાક માત્ર વિપક્ષમાં જ નહીં પણ પક્ષના જૂના નેતાઓમાં પણ છે.
 
જોકે, શાહની કામ કરવાની રીત ભાજપના પહેલાંના 10 અધ્યક્ષ કરતાં અલગ છે. 1980માં બનેલી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી સહિત તમામ નેતાઓ સાથે મારી મુલાકાત થઈ છે.
 
પક્ષની રચના થઈ ત્યારથી માંડી 18 વર્ષ સુધી એટલે કે 1998 સુધી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીએ વારાફરતી પક્ષના અધ્યક્ષ પદને સંભાળ્યું.
જ્યારે પ્રથમ વખત એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે આરએસએસના ફુલટાઇમર જેવા કે કુશાભાઉ ઠાકરે, જન કૃષ્ણમૂર્તિ, બંગારુ લક્ષ્મણ આરએસએસના આશીર્વાદથી પક્ષના અધ્યક્ષ બન્યા. આની પાછળનો હેતુ એ હતો કે અગ્રણી લોકો સરકાર અને રાજકારણ સંભાળશે અને આ લોકો પાર્ટી અને સંગઠન વચ્ચે એક કડીરૂપ બનશે.
 
આરએસએસના આશીર્વાદ
 
નીતિન ગડકરી અને રાજનાથ સિંહ એવા બે અધ્યક્ષ રહ્યા જેમણે રાજકારણ અને સંગઠન બન્નેને સંભાળ્યાં. રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા.
 
જોકે, આ બન્નેને આરએસએસનું પીઠબળ હતું અને તેઓ નાગપુરની વાત માનતા પણ હતા.
 
જોકે, અમિત શાહ અલગ જ છે. તેઓ વડા પ્રધાનના આદેશને માન આપે છે અને તેમના પોતાના નિર્ણયોનું પણ ભારે વજન પડે છે.
 
સંઘ પણ એમની વાત માને છે કારણ કે શાહ-મોદીની સત્તાનો સૌથી મોટો લાભ સંઘને જ મળ્યો છે.
 
 
ભાજપના ઐતિહાસિક દ્રષ્ટિએ બે સૌથી મહત્ત્વના નેતા, વાજપેયી અને અડવાણીને પણ શાસનકાળ દરમિયાન સંઘ સાથે ઘણી વખત તણાવ અને મતભેદનો સામનો કરવો પડ્યો છે.
 
અત્યારે જો કોઈ અસંતોષ કે મતભેદ છે તો તે જાહેરમાં નથી. લોકો અમિત શાહથી ડરે છે અને આખાબોલી મનાતી ભાજપ પાર્ટી આજે સંગઠિત છે અને પોતાના અધ્યક્ષના ચીંધેલા માર્ગે જ ચાલે છે.
 
વાજપેયી અને અડવાણીનું કાર્યકર્તાઓએ અલગ રીતે સન્માન કર્યું પણ કોઈને ક્યારેય પણ એમનાથી બીક રહી નથી.
 
નંબર બેનું મહત્ત્વ
 
ભાજપની હાલની રાષ્ટ્રીય કાર્યકારિણીએ એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે શાહ ભાજપના સૌથી શક્તિશાળી અધ્યક્ષ છે. 
 
તેઓ વ્યૂહરચના ઘડવાની સાથે-સાથે રાજ્યમાં પ્રચાર પણ કરે છે. તેમને હોદ્દાની દ્રષ્ટિએ વડા પ્રધાન બાદ બીજા નંબરે મૂકી શકાય. જોકે, જે રીતે તેઓ જાહેર રેલીઓ કરે છે તે પરથી તો એવું લાગે છે કે તેઓ પોતાની જાતને એક વ્યૂહરચના ઘડનાર કરતાં કંઈક વધારે માને છે.
 
તેઓ જનનેતા હોવાની મહત્વાકાંક્ષા તો ધરાવે છે પણ એમની તાકાત છે નરેન્દ્ર મોદીની એમના પરની નિર્ભરતા. 
 
આ બન્નેનું ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલું છે. એકબીજા વગર તેઓ અધૂરા છે.
 
આવું પ્રથમ વખત છે કે સત્તાનું કેન્દ્ર અધ્યક્ષ પાસે છે. એમને પડકાર ફેંકનાર બીજું કોઈ પાવર સેન્ટર નથી.
 
અમિત શાહને એ વાતનું શ્રેય આપી શકાય કે તેઓ દરેક વખતે કામ કરે છે અને વિપક્ષને સંભાળવાની દરેક વ્યૂહરચના તેઓ જાણે છે.
 
ગુજરાતમાં પણ તેમના સમયમાં જ એ વાત સામે આવી કે તે એક ઉમદા ચૂંટણી પ્રબંધક છે જેમની ખાસિયત એ હતી કે ભાજપના વિરોધીઓની સામે નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોને ઊભા કરવા જેના પરિણામે વિપક્ષના મત ઘટી જતા હતા.
 
પૈસાનું જોર
 
ગુજરાતની વ્યૂહરચનાને ભારતના બીજા ભાગોમાં પણ સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી અને મોદી-શાહના રાજમાં ભાજપ ઐતિહાસિક રીતે દેશની સૌથી અમીર પાર્ટી (ચૂંટણી પંચનાં આંકડા અનુસાર) તરીકે ઊભરી છે. સાથી પાર્ટીઓને જરૂરિયાત અનુસાર ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને સાથે-સાથે કાર્યકર્તા અને રાજકારણના ફેલાવા માટે પણ નાણાંની અછત વર્તાતી નથી. રાજકારણના આ ક્રૂર મૉડલને ભાજપમાં લાવવાનું શ્રેય શાહને ફાળે જાય છે.
 
વિપક્ષી દળોની હંમેશાં એ ફરિયાદ રહી છે કે જો તેઓ વિરોધ કરે છે તો તેમને ઇન્કમ ટૅક્સ અને ઈડીની ધમકી આપવામાં આવે છે. પણ તાકાત અને નાણાંની એક મર્યાદા હોય છે કારણ કે શાહની કર્ણાટકમાં સરકાર બનાવવાની યોજના નિષ્ફળ ગઈ. ત્યાં ભાજપને બહુમત ના મળ્યો અને કોંગ્રેસ અને જેડીએસે સાથે મળી સરકાર બનાવી લીધી.
 
વાસ્તવિક પરીક્ષા
 
શાહે ગયા વર્ષે એ માટે સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો કે સોનિયા ગાંધીના ભરોસાપાત્ર અહેમદ પટેલ રાજ્ય સભાની સીટ જીતી ના જાય કારણ કે પટેલ પણ આર્થિક રીતે આનો માર્ગ કાઢવામાં કાબેલ હતા. શાહ હિંદુ-મુસલમાનના મુદ્દા ઉઠાવવામાં એ રીતે ચાલાક છે કે જાતિને લગતા મતભેદો સમાપ્ત કરી વિરોધીઓ સામે એકતા કેળવી શકાય.
 
2014ની ચૂંટણી દરમિયાન એક ખાસ ચૂંટણી ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવ્યો જેનાથી ઉત્તર પ્રદેશની દરેક સીટનું મૂલ્યાંકન ત્યાંનાં 'લાગણીશીલ મુદ્દા'ને અનુરૂપ કરવામાં આવ્યું હતું. તે વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ જ હતા. ઉત્તર પ્રદેશના એ વખતે ભાજપની તરફેણમાં આવેલા ચોંકાવનારા પરિણામે સાબિત કરી દીધું હતું કે નરેન્દ્ર મોદીની સફળતાની ચાવી અમિત શાહના હાથમાં છે.
 
અર્થવ્યવસ્થાની હાલત અને મોદી સરકારના અધૂરા વાયદાઓને જોતાં અમિત શાહની ઊર્જા હવે વિપક્ષને વિભાજીત રાખવામાં જ વપરાશે. આવનારાં વર્ષ 2019માં શાહની ક્ષમતાઓની ખરી પરીક્ષા તો હશે 'મોદી પ્રયોગ' ને આગલા સ્તર સુધી પહોંચાડી શકે છે કે નહીં. નાના પક્ષોને આ રીતે ધાકમાં રાખવા અને એનું એ રીતે સંચાલન કરવું કે વિપક્ષી એકતાનો માપદંડ 2014માં હતો તે મુજબ જ જળવાઈ રહે અને ભાજપ 31 ટકા વોટ સાથે બહુમત મેળવી શકે.