શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (10:55 IST)

બીબીસી કેવી રીતે કામ કરે છે અને તેને નાણાં ક્યાંથી મળે છે

બીબીસીની સ્થાપના 18 ઑક્ટોબર 1922ના રોજ થઈ હતી. બીબીસીની સ્થાપના માર્કોની સહિતના અગ્રણી વાયરલેસ ઉત્પાદકોએ કરી હતી.
 
સ્થાપના સમયે તેનું નામ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કંપની હતું.
 
બીબીસી દ્વારા નિયમિત પ્રસારણ 19 નવેમ્બર 1922ના રોજ લંડન સ્ટુડિયોથી શરૂ થયું હતું.
 
33 વર્ષના સ્કૉટિશ એન્જિનિયર જૉન રીથને બીબીસીના જનરલ મૅનેજર બનાવવામાં આવ્યા હતા.
 
હાલની બીબીસી એટલે કે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશનની રચના 1927માં એક રૉયલ ચાર્ટર દ્વારા થઈ હતી એટલે કે બીબીસીની રચના સરકાર દ્વારા નહીં, પરંતુ મહારાણીના ફરમાનથી કરવામાં આવી અને આજે પણ એજ પરંપરા છે.
 
બીબીસી બ્રિટિશ સંસદને જવાબ આપવા બંધાયેલું છે, પરંતુ બીબીસી પર કોઈપણ પ્રકારનું સરકારી નિયંત્રણ નથી, તે પૂર્ણરૂપે સ્વાયત્ત છે અને તેની સ્વાયત્તતા સુનિશ્ચિત કરવા માટે ઘણા કડક નિયમો અને માપદંડો છે.
 
સર જૉન રીથને બીબીસીના પ્રથમ મહાનિદેશક (ડિરેક્ટર જનરલ) બનાવવામાં આવ્યા હતા.
 
ચાર્ટરમાં બીબીસીનો ઉદ્દેશ્ય, તેના અધિકારો અને તેની જવાબદારીઓનું વર્ણન હતું.
 
ચાર્ટરમાં નીતિઓનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, મહાનિદેશક અને વરિષ્ઠ કર્મચારીઓનું કામ એ નીતિઓને લાગૂ કરવાનું હતું.
 
સૌથી લોકપ્રિય આંતરરાષ્ટ્રીય બૉડકાસ્ટર
 
બીબીસી વિશ્વનું સૌથી લોકપ્રિય અને સૌથી મોટું પબ્લિક સર્વિસ ઇન્ટરનેશનલ બ્રૉડકાસ્ટર છે.
 
બીબીસીનું કામ બ્રિટન અને દુનિયાના બાકી ભાગોમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ, વૈશ્વિક સ્તરના વિશિષ્ટ કાર્યક્રમો અને કંટેન્ટ બનાવવાનું છે, લોકો સુધી માહિતી પહોંચાડવાનું છે, તેમને શિક્ષિત કરવાનું છે અને સાથે સાથે તેમનું મનોરંજન કરવાનું પણ છે.
 
બીબીસી દુનિયાભરમાં ટીવી, રેડિયો અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે. જેમાં બ્રિટનમાં સૌથી વધુ જોવાતી ચેનલ 'બીબીસી વન'નો પણ સમાવેશ થાય છે અને તે રાષ્ટ્રીય પ્રસારક છે.
 
બીબીસી ઇંગ્લૅન્ડ ઉપરાંત ઉત્તરીય આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સમાં પણ ટીવી ચેનલ ચલાવી રહ્યું છે.
 
આ ઉપરાંત બ્રિટનમાં બીબીસીના ઘણાં રેડિયો નેટવર્ક્સ પણ છે.
 
બીબીસી નાનાં બાળકો માટે સીબીબીઝ, થોડા મોટાં બાળકો માટે સીબીબીસી અને કિશોરો માટે ચેનલ-3 પણ ચલાવે છે.
 
બ્રિટનની અંદર બીબીસીના તમામ પ્રસારણો (રેડિયો, ટીવી, ડિજિટલ) પૂર્ણરૂપે જાહેરાત મુક્ત છે, કારણકે ત્યાં રહેનારા લોકો બીબીસીને ચલાવવા માટે લાઇસન્સ ફી ચૂકવે છે.
 
બીબીસી વર્લ્ડ સર્વિસ પણ ટેલિવિઝન, રેડિયો અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર 40 થી વધુ ભાષાઓમાં કાર્યરત છે.
 
રૉયલ ચાર્ટરની જોગવાઈઓ અનુસાર લાઇસન્સ ફીના નાણાં બીબીસીને મળે છે, જેનાથી તે પોતાના તમામ કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કરે છે. બીબીસીને રૉયલ ચાર્ટરની જોગવાઈઓ મુજબ જ દર વર્ષનો પોતાનો નાણાકીય અહેવાલ સાર્વજનિક કરવાનો હોય છે. બીબીસીના કામકાજ પર લાઇસન્સ ફી જમા કરાવતા દરેક વ્યક્તિની ઝીણી નજર રહે છે.
 
હાલમાં ટીવી ધરાવતા તમામ ઘરોએ લાઇસન્સ ફી ચૂકવવાની રહે છે, લાઇસન્સ ફી ન આપવાની બાબતને એક અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવી છે, જેને હવે બદલવાની માંગણી થઈ રહી છે.
 
બીબીસી વર્લ્ડ સર્વિસનું એક કાર્યકારી બોર્ડ પણ હોય છે જેની જવાબદારી તમામ આઉટપૂટ અને સેવાઓનું સંચાલન કરવાની છે.
 
બીબીસી વર્લ્ડ સર્વિસનું બોર્ડ ગ્લોબલ ન્યૂઝ ડાયરેક્શન ગ્રૂપને રિપોર્ટ કરે છે.
 
બીબીસી વર્લ્ડ સર્વિસ
 
બીબીસીએ પોતાની એમ્પાયર સર્વિસ (એ સમયે વર્લ્ડ સર્વિસને એમ્પાયર સર્વિસ કહેવામાં આવતી હતી) 19 ડિસેમ્બર 1932માં શરૂ કરી હતી.
 
એ સમયે આ સર્વિસને શૉર્ટ વેવ ટેકનિકથી ઘણી મદદ મળી, જેનાથી દૂર-દૂર સુધી પ્રસારણ કરવું સંભવ બન્યું.
 
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એમ્પાયર સર્વિસનો વધુ પ્રસાર થયો. એ સમયે તેનું નામ ઓવરસીઝ સર્વિસ કરી દેવામાં આવ્યું.
 
બીજા વિશ્વ યુદ્ધના અંત સુધી આ સેવા 40 ભાષાઓ સુધી પહોંચી ગઈ હતી.
 
1965માં તેનું નામ બીબીસી વર્લ્ડ સર્વિસ કરી દેવામાં આવ્યું.
 
શીત યુદ્ધનો સમય બીબીસી વર્લ્ડ સર્વિસ માટે ઘણો પડકારજનક હતો.
 
ઘણા દેશોમાં સેવાઓને રોકી દેવામાં આવી અને ઘણા દેશોમાં તો બીબીસીના પત્રકારોને વ્યક્તિગતરૂપે પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
 
તેમાં સૌથી વધુ ચર્ચા બીબીસીના બલ્ગેરિયા સંવાદદાતા જ્યૉર્જી માર્કોવની થાય છે, જેમની વર્ષ 1978માં લંડનમાં એક ઝેરી છત્રીના ઉપયોગથી હત્યા કરી દેવામાં આવી હતી.
 
શીત યુદ્ધની સમાપ્તિ બાદ રાજકીય પરિવર્તનો વચ્ચે કેટલીક યુરોપિયન ભાષાઓની સેવાઓ બંધ કરવી પડી. સાથે જ બીબીસી સર્વિસે પોતાની પ્રાથમિકતાઓ પણ બદલી.
 
આ ક્રમમાં વર્ષ 2008માં અરેબિક ભાષામાં અને વર્ષ 2009માં ફારસી ભાષામાં ટીવીનું પ્રસારણ શરૂ થયું.
 
આ દરમિયાન 1991માં બીબીસી વર્લ્ડ સર્વિસે પોતાની ટીવી ન્યૂઝ ચેનલ પણ શરૂ કરી. તેની શરૂઆત યુરોપથી થઈ હતી, પરંતુ ત્યારબાદ તેનો વિસ્તાર એશિયા અને મધ્ય-પૂર્વમાં પણ થયો.
 
બીબીસી વર્લ્ડ સર્વિસ ટીવી ન્યૂઝની રચના બીબીસીની સહાયક કંપની તરીકે થઈ હતી. તેના માટે નાણા સબસ્ક્રિપ્શન અને જાહેરાતમાંથી મળે છે.
 
વર્લ્ડ સર્વિસ ટેલિવિઝન ન્યૂઝનું નામ પહેલાં બીબીસી વર્લ્ડ કરવામાં આવ્યું અને પછી 1998માં તેનું નામ બીબીસી વર્લ્ડ ન્યૂઝ કરી દેવામાં આવ્યું.
 
હાલ બીબીસી વર્લ્ડ ન્યૂઝ 200થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે અને તેના સાપ્તાહિક ઑડિયન્સની સંખ્યા 7.6 કરોડ છે.
 
1941માં લંડનનું બુશ હાઉસ બીબીસી વર્લ્ડ સર્વિસનું મુખ્ય મથક હતું પરંતુ વર્ષ 2012માં વર્લ્ડ સર્વિસે બુશ હાઉસ ખાલી કર્યું અને સમગ્ર ટીમ બ્રૉડકાસ્ટિંગ હાઉસથી કામ કરવા લાગી, જ્યાં બીબીસીના અન્ય પત્રકારો પણ કામ કરતા હતા.
 
બીબીસી વર્લ્ડ સર્વિસ એક આંતરરાષ્ટ્રીય મલ્ટીમીડિયા બ્રૉડકાસ્ટર છે. તે રેડિયો, ટીવી અને ડિજિટલ પર ઘણી ભાષાઓ અને પ્રાદેશિક સેવાઓમાં ઉપલબ્ધ છે.
 
દુનિયાભરમાં તેના દર્શકો અને શ્રોતાઓની સંખ્યા કરોડોમાં છે.
 
બીબીસી વર્લ્ડ સર્વિસના સાપ્તાહિક ઑડિયન્સના એક તૃત્યાંશ ભાગની ઉમર 15થી 24 વચ્ચે છે.
 
વર્લ્ડ સર્વિસનો અન્ય એક ભાગ છે બીબીસી લર્નિંગ ઇંગ્લિશ. બીબીસી લર્નિંગ ઇંગ્લિશનું કામ છે આંતરરાષ્ટ્રીય ઑડિયન્સને અંગ્રેજી શીખવવાનું.
 
અંગ્રેજી શીખવવા માટે બીબીસી લર્નિંગ ઇંગ્લિશ પોતાના ઑડિયન્સને મફતમાં ઑડિયો, વીડિયો અને ટેક્સ્ટ મટિરિયલ ઉપલબ્ધ કરાવે છે.
 
તાજેતરનાં વર્ષોમાં 1940 પછી બીબીસી વર્લ્ડ સર્વિસનો સૌથી મોટો વિસ્તાર થયો છે.
 
હવે બીબીસી વર્લ્ડ સર્વિસ 40થી વધુ ભાષાઓમાં દુનિયાના ઘણા ભાગોમાં છે. તેની સેવાઓ હવે કાહિરા અને સિઓલમાં પણ છે અને બેલગ્રેડ અને બેંગકોકમાં પણ.
 
બ્રિટનની બહાર બીબીસી વર્લ્ડ સર્વિસનું સૌથી મોટું ઓપરેશન દિલ્હી અને નૈરોબીમાં છે.
 
બીબીસી વર્લ્ડ સર્વિસની ડિજિટલ પહોંચ - 14.8 કરોડ (પ્રતિ સપ્તાહ)
 
બીબીસી વર્લ્ડ સર્વિસની ટેલીવિઝ પહોંચ - 13 કરોડ (પ્રતિ સપ્તાહ)
 
બીબીસી વર્લ્ડ સર્વિસની રેડિયો પહોંચ - 15.9 કરોડ (પ્રતિ સપ્તાહ)
 
ફંડિંગ
 
બીબીસી વર્લ્ડ સર્વિસને બ્રિટનની લાઇસન્સ ફીમાંથી ફંડ મળે છે.
 
સાથે જ કેટલાક નાણા 'ફૉરેન, કૉમનવેલ્થ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑફિસ(એફસીડીઓ)માંથી પણ મળે છે.
 
બ્રિટનમાં ટીવી જોનારા દરેક ઘરને ટીવી લાઇસન્સ ફી ચૂકવવી પડે છે. આ સમયે સ્ટાન્ડર્ડ વાર્ષિક લાઇસન્સ ફી 159 પાઉન્ડ એટલેકે લગભગ 15 હજાર રૂપિયા છે.
 
પહેલાં બીબીસી વર્લ્ડ સર્વિસને બ્રિટનની સરકાર સંસદના માધ્યમથી ગ્રાન્ટ આપતી હતી.
 
સંસદ તરફથી મળતી મદદ ફૉરેન એન્ડ કૉમનવેલ્થ ઑફિસ એટલે કે એફસીઓ આપતી હતી.
 
વર્ષ 2010માં નક્કી કરવામાં આવ્યું કે વર્ષ 2014-15થી બીબીસી વર્લ્ડ સર્વિસને લાઇસન્સ ફીમાંથી જ ફંડિંગ આપવામાં આવશે.
 
જોકે, ગત વર્ષે બ્રિટનની સરકારે આગામી બે વર્ષ માટે લાઇસન્સ ફીને સ્થગિત કરી દીધી હતી, એટલે કે તેમાં વધારો અટકાવી દીધો હતો.
 
ગત વર્ષની સમીક્ષા બાદ બ્રિટન સરકારે ત્રણ વર્ષ માટે બીબીસી વર્લ્ડ સર્વિસને 28.3 કરોડ પાઉન્ડ આપવાની જાહેરાત કરી હતી. જે દર વર્ષે 9.44 કરોડ પાઉન્ડ થાય છે.
 
લાઇસન્સ ફી ઉપરાંત બીબીસી ને પોતાની ત્રણ કોમર્શિયલ કંપનીઓમાંથી પણ આવક થાય છે.
 
તેમાં બીબીસી સ્ટુડિયોઝ અને બીબીસી સ્ટુડિયોવર્ક્ઝનો સમાવેશ થાય છે.
 
કોમર્શિયલ કંપનીઓ દ્વારા થનારી આવક બીબીસી નવા કાર્યક્રમો અને કંટેન્ટમાં વાપરે છે.
 
બીબીસી વર્લ્ડ ન્યૂઝ બીબીસીની કોમર્શિયલ ન્યૂઝ અને ઇન્ફૉર્મેશન ટીવી ચેનલ છે. આ ચેનલ દુનિયાના ઘણા દેશોમાં ચોવીસ કલાક પ્રસારિત થાય છે.
 
બીબીસી વર્લ્ડ ન્યૂઝ 200થી પણ વધુ દેશોમાં જોઈ શકાય છે.
 
એ ચેનલ સમાચાર, બિઝનેસ, સ્પોર્ટ્સ, ઉપરાંત કરન્ટ અફેર્સ અને લાઇફ સ્ટાઇલ પર ડૉક્યુમૅન્ટરી પણ પ્રસારિત કરે છે.
 
જ્યારે BBC.com બીબીસીની કોમર્શિયલ ન્યૂઝ વેબસાઇટ છે. આ વેબસાઇટ આંતરરાષ્ટ્રીય ઑડિયન્સને ન્યૂઝ અને ફીચર પિરસે છે.