શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2023 (16:36 IST)

ક્રૅશ થયેલાં યુદ્ધ વિમાનો ભારતીય સૈનિકોની backbone તરીકે કેમ ઓળખાય છે ?

warplanes
મધ્યપ્રદેશના મુરેના ખાતે ભારતીય સેનાનાં બે યુદ્ધ વિમાનો, સુખોઈ 30 અને મિરાજ -2000 દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં.
 
આ બંને વિમાનોએ ગ્વાલિયર ઍરપૉર્ટ પરથી ઉડાણ ભરી હતી.
 
અધિકારો દ્વારા અપાઈ રહેલ માહિતી અનુસાર બે પાઇલટોએ પોતાની જાતને દુર્ઘટનાગ્રસ્ત વિમાનોથી અલગ કરી લીધા હતા જ્યારે ત્રીજા પાઇલટની જાણકારી નહોતી મળી શકી.
 
બે પાઇલટો સુરક્ષિત છે જ્યારે ત્રીજાની શોધખોળ ચાલી રહી છે.
 
બે ફાઇટર વિમાનો પૈકી એક સુખોઈ 30ને મીડિયા અહેવાલોમાં ભારતીય ઍરફોર્સની કરોડરજ્જુ ગણાવાઈ છે.
 
જ્યારે બીજું વિમાન એટલે કે મિરાજ -2000 ભારત-પાકિસ્તાનના કારગિલ યુદ્ધ સમયે નિર્ણાયક ભૂમિકા ભજવી પાકિસ્તાનને પીછેહઠ કરવા મજબૂર બનાવી ચૂક્યું છે.
 
તાજેતરમાં થયેલ દુર્ઘટનાથી આ વિમાનો ફરી એક વાર ચર્ચામાં આવ્યાં છે.
 
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર અત્યાર સુધી આ અકસ્માતોમાં લગભગ 13 જેટલાં Su-30 ફાઇટર જેટ ક્રૅશ થઈ ચૂક્યાં છે.
 
Su-30ની ખાસિયતો
 
ભારતીય ઍરફોર્સમાં પ્રથમ વખત Su-30 ફાઇટર જેટ પુણે ખાતે જૂન, 1997માં સામેલ કરાયાં હતાં.
 
ભારત પાસે હાલ 260 જેટલાં Su-30 ફાઇટર જેટ છે.
 
આ ઍરક્રાફ્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતે નવેમ્બર 2017માં વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસને ખાસ મોડિફાઇડ Su-30થી બંગાળની ખાડીમાંના ટાર્ગેટ પર છોડી હતી.
 
ભારતે રશિયા પાસેથી 50 Su-30 તૈયાર મેળવ્યાં હતાં, જ્યારે બાકીના જાહેરક્ષેત્રના સાહસ હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડે લાઇસન્સ મેળવીને બનાવ્યાં હતાં.
 
ધ ટ્રિબ્યૂન ઇન્ડિયાના એક અહેવાલમાં આ વિમાનની ખાસિયતો ગણાવાઈ છે.
 
Su-30 એક ટ્વીન ઇંજિન હેવી, મલ્ટિ રોલ ઍરક્રાફ્ટ છે. જેને હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઘરઆંગણે ઍસેમ્બલ કરવામાં આવે છે.
 
આ વિમાનના સૌથી મહત્ત્વપૂર્ણ મોડિફિકેશનમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને 500 કિમીની રૅન્જ સુધી ફાયર કરવાની ક્ષમતા છે.
 
તેમજ ભૂતકાળમાં આ વિમાનના અપગ્રેડમાં ઍર ટુ ઍર મિસાઇલ, ઍવિઓનિક્સ, મિશન સોફ્ટવૅર અને ભારત અને વિદેશની અન્ય સબ-સિસ્ટમોથી સજ્જ કરવામાં આવ્યાં છે.
 
વાયુસેનાના એક અધિકારીએ ઑક્ટોબર 2022માં જણાવ્યું હતું હતું કે ભારત Su-30નાં કેટલાંક વિમાનોને ઘરઆંગણે જ આવનારાં પાંચ-છ વર્ષમાં અપગ્રેડ કરશે. આ અપગ્રેડમાં નવા ફાયર કંટ્રોલ રડાર, ટચ ઍન્ડ વૉઇસ કંટ્રોલ્ડ ઍવિઓનિક્સ અને નેવિગેશન સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક વૉરફેર સુઇટ અને સેલ્ફ પ્રૉટેક્શન સિસ્ટમ હશે.
 
આ વિમાનમાં અવારનવાર ઇંજિનની લગતી તકલીફો પણ પેદા થતી રહેવાના અહેવાલ આવતા રહ્યા છે. ભૂતકાળમાં ઘણી વખત આ વિમાનોમાં ઇંજિન નિષ્ફળ જવાના અને ઇંજિનને લગતી તકલીફો પેદા થતી રહી છે.
 
તેમજ સર્વિસનો પ્રશ્ન પણ આ વિમાનોમાં અવારનવાર ઊભો થતો રહ્યો છે. એટલે ગમે તે સમયે ઉપલબ્ધ વિમાનો પૈકી માત્ર 60 ટકા જ મિશન માટે તૈયાર હોવાનું કહેવાય છે.
 
નિષ્ણાતોના મતે Su-30MKI જે ભારતીય ઍરફોર્સમાં વર્ષ 2002માં સામેલ કરાયાં, તેમણે ભારતની વ્યૂહાત્મક તાકત વધારી દીધી છે.
 
ભારતના તામિલનાડુના થંજાવુર ખાતે 222 વિમાનની સ્ક્વૉડ્રન મૂકવામાં આવી છે, જેમાં છ Su-30 સામેલ કરાયાં હતાં.
 
આ ક્ષેત્રમાં મુકાયેલાં ફાઇટર જેટનો ભારતીય સમુદ્રી વિસ્તારમાં ચીનની દખલ પર અંકુશ લાદવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
 
મિરાજ-2000ની ખાસિયતો
 
મિરાજ-2000 યુદ્ધવિમાન પ્રથમ વખત 1982માં ભારતે ફ્રાન્સની દસો ઍવિએશન પાસેથી ખરીદ્યાં હતાં.
 
1999ના ભારત-પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધ વખતે ‘પાકિસ્તાની સેના માટે મોતનાં હથિયાર’ સાબિત થયાં હતાં. અને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
આ વિમાનને પણ અપગ્રેડ હિન્દુસ્તાન ઍરોનોટિક્સ દ્વારા કરવામાં આવે છે.
 
મિરાજ 2000 Iમાં યુદ્ધમાં મદદરૂપ થતી ઘણી આધુનિક સિસ્ટમો લગાવાઈ છે.
 
એનડીટીવીના એક અહેવાલ અનુસાર તેના અપગ્રેડેડ વર્ઝનમાં નવા થેલ્સ RDY 2 રડાર, જે હવામાં લાંબા અંતરના ટાર્ગેટ પર નિશાન સાધવામાં મદદરૂપ બને છે સામેલ છે.
 
આ સિવાય જમીન પરનાં લક્ષ્યોનું ડોપલર બીમ-શાર્પનિંગ ટેકનિકની મદદથી મૅપિંગ માટે ઑટોમૅટિક ટાર્ગેટ ટ્રૅકિંગ, આ સિવાય ફરતાં લક્ષ્યોને ટ્રૅક કરી ખતમ કરવાની ખાસિયત પણ તેમાં છે.
 
નવા વિમાનમાં પાઇલટના હેલમેટમાં ડિસપ્લે હશે, જેનાથી તેઓ રડારનો ડેટા સરળતાથી જોઈ શકશે.
 
આની મદદથી યુદ્ધ સમયે પાઇલટે કોઈ પણ લક્ષ્ય ઉડાડવા માટે માત્ર તેની તરફ માત્ર જોવાનું હશે. આ સિવાય મિરાજ 2000 Iમાં MICA ઍર ટુ ઍર મિસાઇલ જોડવામાં આવી છે જે વિમાનને જોઈ ન શકાય તેટલા અંતરે તેમજ નજીકના અંતરે પણે એકદમ ચોકસાઈ સાથે પ્રહાર કરવાની ક્ષમતા આપે છે.