બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 11 ઑગસ્ટ 2024 (12:05 IST)

ગુજરાતમાં 'શિક્ષિકા સરકારી ચોપડે હાજર, રહેવાનું અમેરિકા', ખુદ શાળાનાં આચાર્યે ખુલાસો કર્યો

બનાસકાંઠાના દાંતા તાલુકાની શ્રી પાંછા પ્રાથમિક શાળાનો એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
 
આ શાળાનાં શિક્ષિકા ભાવનાબહેન પટેલ હાલમાં અમેરિકા રહેતાં હોવાની વાત સામે આવી છે અને તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી 'ગેરકાયદેસર રીતે શાળામાં ગેરહાજર' છે.
 
ખુદ શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ જ આ બાબતનો મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે.
 
શિક્ષિકા અમેરિકામાં રહેતાં હોવાની વાત બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે.
 
વિવાદ વધતાં જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આ મામલે ખુલાસો કર્યો છે.
 
કઈ રીતે આ મામલો પ્રકાશમાં આવ્યો અને શિક્ષિકા ખરેખર કેટલા સમયથી શાળામાં ગેરહાજર હતાં? શું તેમને પગાર પણ મળતો હતો?
 
શાળાનાં ઇન્ચાર્જ આચાર્યે શું આરોપો લગાવ્યા?
દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં ભાવનાબહેન પટેલ અંગે મીડિયા સમક્ષ વાત રજૂ કરી હતી.
 
તેમણે કહ્યું હતું કે, “શ્રી પાંછા પ્રાથમિક શાળા એ આદિવાસી પટ્ટાની એક શાળા છે. હું આ શાળામાં આવી તેને નવ મહિના જેટલો સમય થયો છે. આ શાળામાં ભાવનાબહેન પટેલ નામના એક શિક્ષિકા છે જેઓ પોતે અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે."
 
"તેઓ વર્ષમાં એક મહિનો અહીં આવે છે. એક મહિનો આવીને તેઓ શિક્ષક તરીકે નોકરીમાં ચાલુ છે એવી ગણતરી કરાવીને જતા રહે છે. આવું કેટલાંય વર્ષોથી ચાલી રહ્યું છે."
 
શિક્ષક, બનાસકાંઠા, અમેરિકા, 
ઇમેજ કૅપ્શન,શાળાનું પગાર બિલ કે જેમાં શિક્ષિકાને કેટલો પગાર આપવામાં આવે છે તેની માહિતી છે. આ બિલમાં ભાવનાબહેનને મહિને ચૂકવવાપાત્ર પગાર 1,11,450 રૂપિયા લખેલો છે
તેમણે કહ્યું હતું કે, “બાળકોનું હિત શું છે? બાળકોને એક શિક્ષકની જરૂર છે, અને ભાવનાબહેન બીજા દેશમાં છે. ”
 
ઇન્ચાર્જ આચાર્યા પારુલબહેને માગ કરી હતી કે શિક્ષકે હાજર થવું જોઈએ અથવા તો જગ્યા ખાલી કરી દેવી જોઈએ.
 
તેમણે આપેલી માહિતી અનુસાર ભાવનાબહેન 2027માં નિવૃત્ત પણ થવાનાં છે.
 
અમદાવાદની આ ઉર્દૂ સ્કૂલમાં બાળકોને પ્રવેશ કેમ નથી મળી રહ્યો?
'આઠ વર્ષથી વિદેશમાં સ્થાયી'
ઇમેજ કૅપ્શન,ઇન્ચાર્જ આચાર્યે લખેલો પત્ર અને શાળાના બોર્ડ પર શિક્ષિકાનું નામ
બીબીસી સહયોગી પત્રકાર પરેશ પઢિયારે આ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે હકીકત શી છે.
 
આ મુલાકાતમાં પાંચમા ધોરણમાં ભણી રહેલાં બાળકોએ કહ્યું હતું કે તેમનાં વર્ગશિક્ષક ભાવનાબહેન પટેલ છે.
 
પરંતુ બાળકોએ જણાવ્યું હતું કે છેલ્લે તેમણે ભાવનાબહેનને ત્રીજા ધોરણમાં હતાં ત્યારે જોયાં હતાં. ત્યાર પછી તેમને ક્યારેય જોયાં નથી. પછી તેઓ ક્યારેય ભણાવવા આવ્યાં નથી.
 
શાળાનાં ઇન્ચાર્જ આચાર્યે જિલ્લા શિક્ષણાધિકારીને લખેલા પત્રમાં લખ્યું છે કે "આ શિક્ષિકા 2016થી વિદેશમાં સ્થાયી થયેલ છે."
 
તેમનું કહેવું છે કે "શાળાના રેકૉર્ડ પ્રમાણે છેલ્લા આઠ વર્ષથી તેઓ આ રીતે વિદેશ સ્થાયી થયેલાં હોવાથી શાળામાં વર્ષે એક મહિનો માત્ર હાજરી પૂરાવવા માટે આવે છે."
 
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, "તેઓ દિવાળી વેકેશન અને રજાઓની ગોઠવણ કરી બે મહિનાનો પગાર પણ લે છે."
 
શાળાના રજિસ્ટરમાં ભાવનાબહેન પટેલના નામની આગળ "કપાત પગારે રજા" લખેલું પણ જોવા મળે છે.
 
 
જિલ્લા શિક્ષણાધિકારીએ શું કહ્યું?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વીનુ પટેલે આ અંગે માહિતી આપતાં એ વાતને નકારી હતી કે ભાવનાબહેન અનેક વર્ષોથી આ રીતે રજા પર છે.
 
તેમણે કહ્યું હતું કે, "શિક્ષિકા ભાવનાબહેન પટેલ છેલ્લા આઠ મહિનાથી આ રીતે બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જ્યારે મે મહિનામાં શાળાની મુલાકાત લીધી ત્યારે તેમના ધ્યાનમાં આ વાત આવી હતી. તેમણે જૂન મહિનામાં જ આ શિક્ષિકાને નોટિસ આપી હતી."
 
"નોટિસનો ખુલાસો પણ શિક્ષિકાએ આપ્યો હતો જેને ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી અને તાલુકા શિક્ષણ અધિકારીએ આગળની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. કાર્યવાહી ચાલુ છે."
 
એક તરફ શાળાનાં આચાર્યા આઠ વર્ષથી ભાવનાબહેન આ રીતે ગેરહાજર હોવાનો દાવો કરી રહ્યાં છે જ્યારે શિક્ષણાધિકારીનું કહેવું છે કે તેઓ માત્ર આઠ મહિનાથી જ આ પ્રકારે ગેરહાજર છે.
 
વીનુ પટેલ કહે છે, "શાળાનાં ઇન્ચાર્જ આચાર્યે મીડિયાને ગેરમાર્ગે દોર્યું છે. આ શિક્ષિકાને આ બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈ પગાર ચૂકવવામાં આવ્યો નથી. શાળાનાં આચાર્ય કે ઉપઆચાર્ય કોઈએ પણ આ બાબતની તાલુકા કક્ષાએ જાણ કરી નથી. પણ તેમણે મીડિયાને જાણ કરી છે અને બે દિવસ પહેલાં જિલ્લા કક્ષાએ જાણ કરી છે."
 
શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે વહીવટી વિભાગના 2005ના ઠરાવ હેઠળ શિક્ષિકા સામે બરતરફીની કાર્યવાહી કરવામાં આવશે.
 
"અગાઉનાં વર્ષોમાં પણ 10 કરતાં વધુ શિક્ષકોને પણ આ રીતે બરતરફ કરવામાં આવેલા છે. આ જ રીતે ભાવનાબહેનની તપાસ થશે અને ફરીથી નોટિસ આપી તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે."
 
બનાસકાંઠાની ઘટના સામે આવ્યા બાદ ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ નિવેદન આપ્યું છે.
 
મીડિયા સાથેની વાતચીતમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે "વિદેશમાં રહીને નોકરી ચાલુ રાખે એ બહુ ગંભીર બાબત છે. હાલમાં મારા ધ્યાને એક શિક્ષકની વાત ધ્યાને આવી છે. જે કોઈ આવા શિક્ષકોને મદદ કરે છે, જે હાજરી પૂરે છે એની સામે પણ કાર્યવાહી કરીશું. અમે હાલ રિપોર્ટ મંગાવ્યો છે અને આગામી દિવસોમાં પગલાં લેશું."
 
તેમણે વધુમાં કહ્યું કે હવે આખા ગુજરાતમાં ઝુંબેશ ચલાવીને કાર્યવાહી કરીશું અને આવા શિક્ષકોને ઘરભેગા કરીશું.