રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 8 જૂન 2019 (17:03 IST)

World Cup 2019: ભારત કે ઑસ્ટ્રેલિયામાંથી કોની ટીમ વધારે મજબૂત?

અભિજિત શ્રીવાસ્તવ
9 જૂનના રોજ વર્લ્ડ કપ 2019માં ભારત અને ઑસ્ટ્રેલિયા સામસામે આવશે. ICC ક્રિકેટ વિશ્વ કપ 2019 માટે પાંચ વખત સુધી વર્તમાન વિશ્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પરત ફર્યા છે. World Cup 2019: ભારત કે ઑસ્ટ્રેલિયામાંથી કોની ટીમ વધારે મજબૂત?  જોકે, ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચ જ છે જેમણે હાલ ભારત અને પાકિસ્તાન વિરુદ્ધની સિરીઝમાં પોતાની ટીમને જીત અપાવી હતી.
 
પ્રતિબંધ બાદ પરત ફર્યા ત્યારથી સ્ટીવ સ્મિથ કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. IPLમાં રાજસ્થાન રૉયલ્સ માટે રમ્યા ત્યારે સાત મૅચોમાં 37.20ની સરેરાશથી માત્ર 186 રન જ કરી શક્યા. આ તરફ ડેવિડ વૉર્નર પોતાના ચિર પરિચિત અંદાજમાં જોવા મળી રહ્યા છે અને IPL 2019માં સૌથી વધારે રન બનાવનારા બૅટ્સમૅન રહ્યા છે.
 
ફિંચની આઠ કમાલ
 
ફિન્ચની કપ્તાનીમાં ઑસ્ટ્રેલિયન ટીમ 18માંથી 10 મૅચ જીતી ચૂકી છે ઇંગ્લૅન્ડ વિરુદ્ધ વન ડે સિરીઝમાં ટીમ પેનની કપ્તાનીમાં 0-5થી મળેલી હાર બાદ ફેબ્રુઆરી 2017 બાદ ઍરોન ફિન્ચને કપ્તાની આપવામાં આવી હતી. ફિન્ચની કપ્તાનીમાં ઑસ્ટ્રેલિયન ટીમ પોતાની જ ધરતી પર પહેલાં દક્ષિણ આફ્રિકાથી અને પછી ભારત સામે વન ડે સિરીઝમાં 1-2થી હારી ગઈ. પરંતુ ટીમના પસંદગીકારોએ તેમની કપ્તાની પર વિશ્વાસ વ્યક્ત કરતા ભારતના પ્રવાસ દરમિયાન પણ કપ્તાન બનાવીને રાખ્યા અને અહીં ફિન્ચે એ કમાલ કરી જેના કારણે તેઓ વિશ્વ કપ ટીમના કપ્તાન તરીકે પસંદગી પામ્યા છે.
 
ભારતમાં ઑસ્ટ્રેલિયન ટીમે પહેલી બે મૅચ હાર્યા બાદ પાંચ મૅચની સિરીઝ પર કબજો કર્યો અને પછી પાકિસ્તાનને 5-0થી વન ડે સિરીઝમાં પછાડીને જણાવ્યું કે આખરે વર્લ્ડ ચૅમ્પિયન કેવી રીતે રમે છે.
ફિંચની કપ્તાનીમાં ટીમ ઑસ્ટ્રેલિયા છેલ્લી 18માંથી 10 મૅચ જીતી ચૂકી છે અને એ પણ ત્યારે, જ્યારે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર જેવા ખેલાડીઓ એ ટીમમાં સામેલ નહોતા. હવે જ્યારે વિશ્વ કપની ટીમમાં તેઓ પરત ફર્યા છે ત્યારે IPLમાં સ્મિથ સરેરાશ તો વૉર્નર સારું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે, તો ભારતીય ટીમ માટે ઑસ્ટ્રેલિયાને હરાવી શકવું કેટલું અઘરું બનશે?
 
ઑસ્ટ્રેલિયન ટીમ સ્મિથ અને વૉર્નર વગર જ છેલ્લી આઠ મૅચથી અપરાજિત છે. આ જીતના નાયબ કૅપ્ટન ઍરોન ફિન્ચ રહ્યા છે અને તેમનો સાથ આપ્યો છે બૅટ્સમૅન ઉસ્માન ખ્વાજાએ. આ આઠ જીતમાં ફિંચે 81.5ની સરેરાશથી 571 રન કર્યા જ્યારે 30 વન ડેનો અનુભવ ધરાવતા ખ્વાજાએ 70.87ની સરેરાશથી 567 રન બનાવ્યા છે. ટીમના મજબૂત ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ છેલ્લી 7 મૅચમાં 329 રન બનાવી ચૂક્યા છે, તો શૉન માર્શે 91 અને 61 રનની ઇનિંગ રમી છે. તેમણે 2018થી અત્યાર સુધી 18 મૅચમાં ચાર સદી પણ ફટકારી છે.
 
આ એ બે ખેલાડીઓ છે જેમનું ઇંગ્લૅન્ડની ધરતી પર પ્રદર્શન ગેમ ચૅન્જર બની શકે છે. આ તરફ ભારતે શિખર ધવન અને રોહિત શર્મા પર પોતપોતાની ઇનિંગ શરૂ કરાવવામાં ભરોસો વ્યક્ત કર્યો છે. રોહિત શર્માએ છેલ્લાં બે વર્ષોમાં 53 મૅચમાં 12 સદી સાથે 2879 રન તો તેમના જોડીદાર શિખર ધવને આ દરમિયાન 54 મૅચ રમી છે અને 7 સદી સાથે 2277 રન બનાવ્યા છે. આ બન્નેએ જ્યારે-જ્યારે ભારતને સારી શરૂઆત આપી છે, ત્યારે-ત્યારે ભારતીય ટીમે વિપક્ષી ટીમ વિરુદ્ધ મજબૂત લક્ષ્ય ઊભું કર્યું છે.
 
ભારત પાસે ટ્રમ્પ કાર્ડ સ્વરૂપે કૅપ્ટન વિરાટ કોહલી પોતે છે, જેમણે રનનો વરસાદ કર્યો એટલું જ નહીં, સાથોસાથ વન ડેમાં 12 વખત 200 રન કરતાં વધારે રનની પાર્ટનરશીપને રેકર્ડ તેઓ ધરાવે છે.
વિરાટે પોતાના સલામી બૅટ્સમૅન રોહિત શર્મા સાથે પાંચ વખત બમણી સદી સાથે પાર્ટનરશીપ નિભાવી છે. વિરાટે છેલ્લાં બે વર્ષ દરમિયાન 51 વન ડેમાં 15 સદી સાથે 3273 રન બનાવ્યા છે તો આ તરફ 10 વખત 'મૅન ઑફ ધ મૅચ' પણ બન્યા છે.
 
ધોની- બસ નામ હી કાફી હૈ...
 
ધોનીએ વિકેટની પાછળથી અત્યાર સુધી 443 ખેલાડીઓને આઉટ કર્યા છે એ સાથે જ ટીમ પાસે મહેન્દ્ર ધોની જેવા ખૂબ જ અનુભવી ક્રિકેટર છે, જેઓ વન ડેના બેસ્ટ ફિનિશર તરીકે ઓળખાય છે. જોકે વધતી ઉંમર સાથે તેમની આ સ્કિલ્સની ધાર થોડી ઓછી થઈ છે, પરંતુ આ દરમિયાન તેમણે વિકેટ પાછળ કીપર તરીકે દાખવેલી ચપળતાથી ઘણી મૅચ પલટાઈ ગઈ છે. ધોનીએ વિકેટની પાછળથી 443 ખેલાડીઓને આઉટ કર્યા છે એટલું જ નહીં, તેમના ખાતામાં 50ની સરેરાશથી 10 હજાર કરતાં વધારે રન પણ છે. સાથે જ તેમની પાસે કપ્તાન તરીકેનો અનુભવ છે જેને કારણે તેમને વિરાટના ડીઆરએસ એટલે કે 'ધોની રિવ્યૂ સિસ્ટમ'ની સંજ્ઞા લોકોએ આપી છે.
 
બૉલિંગમાં નંબર 1 ભારત
 
બૉલિંગની વાત કરીએ તો તેમાં કોઈ શંકા નથી કે ભારતીય બૉલર્સની સ્પીડ બૉલિંગ દુનિયાની અન્ય ટીમોની સરખામણીએ વધારે મજબૂત જોવા મળે છે. નવા બૉલથી જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી ઇંગ્લૅન્ડની ધરતી પર વિપક્ષી ટીમને ખૂબ મુશ્કેલીમાં મૂકશે તેમાં કદાચ જ કોઈને શંકા હોય. ભુવનેશ્વર કુમાર પાસે વન ડેમાં 118 વિકેટ લેવાનો અનુભવ છે. તેઓ 135-140ની સ્પીડથી બૉલને જેટલો સારો ઇનસ્વિંગ કરે છે એટલી જ સહેલાઈથી આઉટસ્વિંગ પણ કરે છે અને આ વર્ષે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડ વિરુદ્ધ 10 મૅચમાં તેઓ 19 વિકેટ લઈ ચૂક્યા છે.
 
આ તરફ છેલ્લાં બે વર્ષ દરમિયાન 37 મૅચમાં 68 વિકેટ ઝડપી ચૂકેલા બુમરાહ પણ ખતરનાક છે. બીજી તરફ પૅટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઇનિસ જેવા ખેલાડીઓથી સુસજ્જિત ઑસ્ટ્રેલિયન ટીમ કોઈથી ઓછી જોવા મળી રહી નથી. મિશેલ સ્ટાર્ક 2015 વિશ્વ કપના પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા. પરંતુ ત્યારથી ફિટનેસના કારણે તેઓ ઘણી વખત ટીમની બહાર પણ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયાને સ્ટાર્કની ફિટનેસનો જેટલો સાથ મળશે, ટીમની જીતનો રથ એટલી જ ઝડપથી આગળ વધશે.
 
વાત જો વિશ્વ કપમાં બન્ને ટીમ વચ્ચે રમાયેલી મૅચની કરવામાં આવે તો ઑસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત છે. વિશ્વ કપમાં બન્ને ટીમ 11 વખત એકબીજાની સામે આવી છે અને તેમાંથી માત્ર ત્રણમાં ભારતને જીત મળી છે, જ્યારે ઑસ્ટ્રેલિયાનો 8 વખત વિજય થાય છે. અત્યાર સુધી બન્ને દેશો વચ્ચે 98 મૅચ થઈ છે અને અહીં પણ ઑસ્ટ્રેલિયાના હિસ્સે 42 જ્યારે ભારતના ભાગે 28 જીત આવી છે. 27 મૅચ ડ્રૉ રહી જ્યારે એક મૅચ ટાઈ થઈ હતી.