સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By દીપ્તિ બાથિની|
Last Modified: સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (16:38 IST)

માનસી જોશી : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

શનિવારની એક સવારે અમે માનસી ગિરીશચંદ્ર જોશીને તેમના હૈદરાબાદ ખાતેના ઘરે મળ્યાં હતાં. માનસી એ ફ્લેટમાં તેમનાં સાથીઓ જોડે રહે છે. તેમણે અમને આવકાર્યાં હતાં અને તેમનો કૃત્રિમ પગ (પ્રૉસ્થેટિક) પહેરવા માટે થોડો સમય માગ્યો હતો. માનસી મોબાઇલ ફોન પર ફિલ્મ નિહાળવાની સાથે લંચ કરી રહ્યાં હતાં.
 
લંચ પતાવ્યા બાદ અમારી સાથે વાત કરતાં માનસીએ જણાવ્યું હતું કે આખું અઠવાડિયું આકરી તાલીમ લીધા બાદ શનિવારે બપોર પછી તેમનો સાપ્તાહિક વિરામનો સમય શરૂ થાય છે. માનસી કહે છે, "હું રોજ સાતથી આઠ કલાક ટ્રેનિંગ કરું છું. સાંજે ફરીથી તાલીમ લઈ શકું એટલા માટે બપોરે હું ખુદને તથા મારા શરીરને આરામ આપું છું."
 
"દર શનિવારે હું માત્ર સવારે જ ટ્રેનિંગ કરું છું. શનિવારે બપોર પછી અને રવિવારે આખો દિવસ હું પુસ્તકો વાંચું છું અથવા ગાર્ડનિંગ કરું છું."
 
માનસી જોશી ઑગસ્ટ-2020માં ટોકિયો ખાતે યોજાનારી પૅરા-ઑલિમ્પિકમાં ભાગ લશે. માનસીએ અમારા માટે આદુંવાળી ચા બનાવી હતી. તેમના કિચનની ફર્શ પર પાણી પડ્યું હતું.
 
તેને કપડા વડે સાફ કરતાં માનસીએ કહ્યું, "આ મારા માટે ખતરનાક છે." એ પછી આદુવાળી ચાના કપ સાથે અમે વાતે વળગ્યાં હતાં.
 
30 વર્ષનાં માનસી ગિરીશચંદ્ર જોશી ભારતીય પૅરા બૅડમિન્ટન ઍથ્લીટ છે.
 
તેમણે પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપનો ગોલ્ડ ખિતાબ જીત્યો છે. તેઓ ઑગસ્ટ-2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીત્યાં હતાં. તેઓ 2015થી પૅરા બૅડમિન્ટન રમી રહ્યાં છે.
 
કોરોના વાઇરસ : ચીનથી પરત ફરેલી ગુજરાતી વિદ્યાર્થિનીએ જણાવી આપવીતી
 
2011માં એક અકસ્માતમાં માનસીએ તેમનો ડાબો પગ ગુમાવ્યો હતો. માનસી કહે છે, "બૅડમિન્ટને મને ફરી સ્વસ્થ થવામાં ઘણી મદદ કરી હતી."
 
માનસીને લોકોને હળવામળવા કરતાં પોતાના શરીરને આરામ આપવાનું વધારે ગમે છે.
 
માનસી છ વર્ષનાં હતાં ત્યારથી બૅડમિન્ટન રમે છે. તેઓ કહે છે, "અભ્યાસ કરતી હતી ત્યારે મેં નૃત્ય અને બૅડમિન્ટન સહિતની અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો."
 
કે. જે. સોમૈયા કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યા બાદ માનસીએ સોફ્ટવૅર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.
 
અકસ્માત બાદ માનસી તેમની ઑફિસની એક સ્પર્ધામાં એક મૅચ રમ્યાં હતાં. એ મૅચને સંભારતાં માનસી કહે છે, "ત્યારે મને સમજાયું હતું કે હું તો એક પગ સાથે પણ રમી શકું તેમ છું."
 
માનસીને નાની-નાની બાબતો બહુ આનંદ આપે છે. પોતાની બહેન સાથે માનસી હૈદરાબાદના ગોલકોન્ડા ફોર્ટની મુલાકાતે ગયાં હતાં.
 
એ ઘટનાની વાત કરતાં માનસી કહે છે, "અમે અગાઉ પણ ફોર્ટની મુલાકાતે ગયાં હતાં, પરંતુ એ દિવસે મને ફોર્ટની છેક ઉપર સુધી જવાની ઇચ્છા થઈ હતી. એ માટે 300 પગથિયાં ચડવાં પડે. મેં અને મારી બહેને આરોહણ શરૂ કર્યું."
 
"હું ધીમેધીમે આગળ વધી હતી. તેમાં સૌથી સારી વાત હતી મારા પરિવારનો નિઃસ્વાર્થ ટેકો અને પ્રેમ. અમે આખરે ફોર્ટની ટોચે પહોંચ્યાં હતા. હું બહુ જ રાજી થઈ હતી."
 
"અગાઉ હાંસલ કરી શકી ન હોઉં એવું કશુંક હાંસલ કરું ત્યારે હું બહુ જ રાજી થાઉં છું અને આશા બંધાય છે કે હું ઘણુંબધું કરી શકું છું."
 
તેમને નડેલા અકસ્માતનો ઉલ્લેખ મેં વાતચીત દરમિયાન કર્યો ત્યારે માનસીએ કહ્યું કે તેઓ એ ભૂલીને સિદ્ધિ મેળવવા આગળ નીકળી ગયાં છે.
 
માનસી કહે છે, "મીડિયા મને મારા અકસ્માત વિશે એકનો એક સવાલ પૂછ્યા કરે છે ત્યારે હું કંટાળી જાઉં છું. હું માનું છું કે એ પછી મેં ઘણું હાંસલ કર્યું છે."
 
"લોકો મને મારી તાલીમ વિશે, હું કઈ-કઈ ટેકનિક્સ શીખી એ વિશે સવાલ કરે તો મને બહુ ગમે, પણ લોકો મને હંમેશાં એ અકસ્માત વિશે જ સવાલ કરે છે. હું જીવતી રહી એ વાતનો મને બહુ આનંદ છે, બીજું શું હોય?"
 
અલબત્ત, માનસી ઉમેરે છે કે લોકો અકસ્માત વિશે સવાલ કરે ત્યારે તેના સ્પષ્ટ જવાબ આપવા તૈયાર રહેવું જોઈએ, એવી સલાહ તેમનાં બહેને આપે છે.
 
માનસી ચાની ચૂસકી લેતાં કહે છે, "એ વિશેની વાત લાગણીસભર જરૂર છે, પણ મને લોકો મારી ગેમ માટે, મારા આદર્શો માટે અને જે સખાવતી કાર્યો સાથે હું સંકળાયેલી છું એ વિશે વાત કરે તો વધારે ગમે."
 
માનસીએ પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં 2015માં સૌપ્રથમ વાર ભાગ લીધો હતો. ઇંગ્લૅન્ડમાં યોજાયેલી એ ચૅમ્પિયનશિપમાં તેમણે મિક્સ્ડ ડબલ્સ શ્રેણીમાં ભાગ લીધો હતો.
 
તેમાં તેમને સિલ્વર મેડલ મળ્યો હતો. ત્યાંથી શરૂ થયેલી તેમની યાત્રા ચાલુ છે અને એ દરમિયાન વિવિધ ચૅમ્પિયનશિપ્સમાં તેમણે અનેક મેડલ્સ જીત્યાં છે.
 
2016ની એશિયન પૅરા બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં વીમેન સિંગલ્સ શ્રેણીમાં તેમણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.
 
2017ની પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. 2018માં યોજાયેલી થાઇલૅન્ડ પૅરા બૅડમિન્ટન ઇન્ટરનેશનલમાં તેમણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.
 
2018ની એશિયન પૅરા ગેમ્સમાં તેઓ બ્રૉન્ઝ મેડલ જીત્યાં હતાં, જ્યારે 2019માં સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
 
માનસી જોશી હાલ ટોક્યો પૅરાલિમ્પિક્સની તૈયારી કરી રહ્યાં છે એ સ્પર્ધા આ વર્ષે ઑગસ્ટમાં યોજાવાની છે.
 
આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં મહિલા ખેલાડીઓ પર આશાઓ કેમ વધી ગઈ?
 
એ સ્પર્ધામાં સિંગલ્સ કૅટેગરી ન હોવાથી માનસી મિક્સ્ડ ડબલ્સની તાલીમ લઈ રહ્યાં છે.
 
તેઓ હૈદરાબાદની ગોપીચંદ એકૅડમીમાં જૂન-2018થી તાલીમ લઈ રહ્યાં છે.
 
તેમના કોચ તરીકે કાર્યરત પી. ગોપીચંદ અનેક વખત કહી ચૂક્યા છે કે માનસીએ અનેક લોકો માટે નવી દિશા ઉઘાડી આપી છે.
 
અમે માનસી સાથે તેમની એકૅડમીમાં પણ ગયાં હતાં. તેમણે તેમનો કૃત્રિમ પગ બદલીને ટ્રેનિંગની શરૂઆત કરી હતી.
 
માનસી કહે છે, "મેં મારો પ્રૉસ્થેટિક બદલાવ્યો, કારણ કે નવા પ્રૉસ્થેટિકથી મને બૅડમિન્ટન કોર્ટમાં હલનચલનમાં વધારે અનુકૂળતા રહે છે. હું રોજિંદા વપરાશ અને ટ્રેનિંગ તથા ગેમ માટે અલગઅલગ પ્રૉસ્થેટિકનો ઉપયોગ કરું છું."
 
"મારાં પગનાં હાડકાં પરના ટાંકામાં પ્રૉસ્થેટિકને કારણે કેટલાક દિવસોમાં પીડા જરૂર થાય છે, પણ ક્યારે વિરામ લેવો અને ક્યારે વધારે મહેનત કરવી એ હું જાણું છું."
 
આટલું કહીને માનસી હળવી કસરત કરે છે અને પછી દૃઢ નિર્ધાર સાથે બૅડમિન્ટન કોર્ટમાં ચાલ્યાં જાય છે.
 
ટ્રેનિંગ દરમિયાન માનસી આકરા પ્રયાસો અને મહેનત કરતાં દેખાય છે. તેઓ તેમના કોચને નવી ટિપ્સ બાબતે પણ પૂછતાં રહે છે.
 
બૅડમિન્ટન કોર્ટ પર માનસી તેમની મર્યાદાને લાંઘવાની સાથે ફોકસ્ડ રહે છે. કોર્ટ પર તેઓ વિશ્વવિજેતા નહીં, પણ કશુંક વધારે શીખવા ઉત્સુક વિદ્યાર્થી હોય છે.
 
માનસી કહે છે, "મારા માટે ટ્રેનિંગ સેશન્સ બહુ મહત્ત્વની હોય છે. હું નવી ટેકનિક્સ શીખવા અને તેનો અમલ કરવા ઉત્સુક રહું છું. પરિવાર અને દોસ્તો પછી આ એકૅડમીએ, આજે હું જે છું તે બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મારા સ્પૉન્સર્સે પણ ઘણો ટેકો આપ્યો છે."
 
અમે એકૅડમીમાં હતાં ત્યારે એક છોકરો માનસીનો ઑટોગ્રાફ લેવા આવ્યો હતો.
 
માનસીએ તેનું નામ તથા એ ક્યાં અભ્યાસ કરે છે તે પૂછ્યું હતું અને તેને ઑટોગ્રાફ આપ્યો હતો.
 
માનસી કહે છે, "યુવા લોકો આ રીતે મારી પાસે આવે છે તે સારું લાગે છે."
 
કોઈ સ્પર્ધામાં ભાગ લેવા પૂર્વેની તૈયારીની વાત કરતાં માનસી કહે છે, "શારીરિક તૈયારી ઉપરાંત મારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે છે. પ્રવાસમાં કેટલો સમય લાગશે તેની ગણતરી કરવી પડે છે."
 
"એ મુજબ પ્રવાસમાં હું કેટલો લાંબો સમય બેસી શકીશ તેના આધારે વિરામનું આયોજન કરવું પડે છે. મારી બેઠક વ્યવસ્થાની ગોઠવણ પણ મારે જ કરવાની હોય છે."
 
માનસી જણાવે છે કે ઍરપૉર્ટ સલામતીની ચકાસણી વખતે તેમને પ્રૉસ્થેટિક કાઢવાનું કહેવામાં આવે છે અને એ સંબંધે તેઓ મોટા ભાગનાં ઍરપૉર્ટ્સ પર લેખિત ફરિયાદ કરી ચૂક્યાં છે.
 
માનસી કહે છે, "મારા માટે પ્રૉસ્થેટિક કાઢવાનું અને તેઓ પ્રૉસ્થેટિકનું ચેકિંગ કરે એ દરમિયાન એક પગે ઊભી રહેવાનું હંમેશાં શક્ય હોતું નથી."
 
"લોકોનાં લેપટૉપ્સ અને હૅન્ડબૅગ્ઝની ચકાસણી થતી હોય છે ત્યારે મારા પ્રૉસ્થેટિકની ચકાસણી થતી જોવાનું ક્યારેક મૂંઝવણભર્યું હોય છે."
 
"રાષ્ટ્રીય રજાની આસપાસ મારે ઍરપૉર્ટ પર જવાના સંજોગો સર્જાય ત્યારે પરિસ્થિતિ વધારે મુશ્કેલ બને છે."
 
"ઘણી વખત સલામતી અધિકારીઓ મારી પાસે આવીને જણાવે છે કે તેઓ મારા વિશે જાણે છે, પણ સલામતીની પ્રક્રિયામાંથી તો મારે પસાર થવું જ પડશે. મને લાગે છે કે આ સંબંધે જાગૃતિ ફેલાવવાની જરૂર છે."
 
માનસી હૈદરાબાદમાંનાં તેમના ઘરેથી રોજ ટૅક્સી કે ઓટો મારફત એકૅડમી પહોંચે છે.
 
બૅડમિન્ટન કોર્ટ સુધી પહોંચવા માટે તેમણે કેટલાંક પગથિયાં ચડવાં પડે છે.
 
માનસી જણાવે છે કે સ્પૉર્ટ્સ માત્ર સ્પર્ધા માટે જ હોય છે એવી લોકમાન્યતા બદલવી જરૂરી છે.
 
માનસી કહે છે, "મને લાગે છે કે દરેક વ્યક્તિએ કોઈને કોઈ સ્પૉર્ટ રમવી જોઈએ. એ મહત્ત્વનું છે. એ પછી જ આપણે બહેતર સુવિધાની માગણી કરી શકીએ."
 
"બધા લોકો સ્પૉર્ટમાં ભાગ લેવા આતુર હશે ત્યારે જ સરકાર ખુલ્લી જગ્યાઓ અને રમતનાં મેદાનો વિશે વિચારશે."
 
માનસી અંતર્મુખી વ્યક્તિ છે. તેઓ કહે છે, "હું ગુસ્સે નથી થતી. લોકો મેં કરેલાં કાર્યો માટે, મારી ગેમ માટે મને યાદ રાખે એ વધારે ગમે."