શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 ઑક્ટોબર 2019 (15:44 IST)

મુંબઈ આરે કૉલોનીમાં વૃક્ષો કાપવા પર સુપ્રીમ કોર્ટની રોક, જાણો શું છે વિવાદ

મુંબઈની આરે કૉલોનીમાં વૃક્ષો કાપવા માટે થયેલા વિવાદ બાદ હવે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને વધારે વૃક્ષો કાપવાની મનાઈ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે મહારાષ્ટ્ર સરકાર જણાવે કે જંગલોનું સ્ટેટ્સ શું છે. આ પહેલાં હાઈકોર્ટે આ અંગે થયેલી અરજીઓ ફગાવી દીધી હતી.
મુંબઈની આરે કૉલોનીમાં મેટ્રોના શૅડ બનાવવા માટે 2700 જેટલાં વૃક્ષો કાપવાને મંજૂરી આપવામાં આવી હતી. જેનો પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક લોકો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે.
શુક્રવારથી 24 કલાક દરમિયાન મુંબઈ મેટ્રો રેલ નિગમ લિમિટેડ દ્વારા આરે મિલ્ક કૉલોનીના 2000 કરતાં વધુ વૃક્ષો કાપી નાખ્યાં હોવાનું મીડિયાના અહેવાલો જણાવે છે, ત્યારે આરે કૉલોનીનો વિવાદ આખરે છે શું?
 
આરે કૉલોનીના વિવાદનું A ટૂ Z
'મુંબઈનાં ફેફસાં' તરીકે પ્રખ્યાત આરે કૉલોનીમાં આદિવાસીઓનાં 27થી વધુ ગામો પણ આવેલાં છે. 13,000 હેક્ટરમાં ફેલાયેલા આ વિસ્તાર કેટલાંય પશુપંખીઓનું ઘર છે.
આ મામલે વિવાદની શરૂઆત મ્યુનિસિપાલિટી દ્વારા મુંબઈ મેટ્રો રેલવે કૉર્પોરેશનને મેટ્રોના શૅડ બનાવવા આરે કૉલોનીના 2700 વૃક્ષો કાપવા અપાયેલી મંજૂરીથી થઈ.
આ મામલે શહેરસ્થિત 'વનશક્તિ' નામના એક બિનસરકારી સંગઠને બૉમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને આરે કૉલોનીના 1280 હેક્ટરના વિસ્તારને 'અનામત-જંગલ' કે 'સંરક્ષિત જંગલ' જાહેર કરવા માગ કરી.
જોકે, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને મુંબઈ મેટ્રો રેલવે કૉર્પોરેશન લિમિટેડ દ્વારા હાઈકોર્ટમાં આ મામલે તર્ક અપાયો કે સંબંધિત મામલે ઑક્ટોબર માસમાં અન્ય એક બેન્ચે આદેશ આપ્યો હતો, વળી આ અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં પણ કરાયેલી છે. જેથી હાઈકોર્ટ આ મામલે નિર્ણય ન લઈ શકે.
સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણકર્મીઓએ વૃક્ષો કાપવાના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો. સાથે જ મેટ્રો-3 પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થનારા બસ ડેપોના નિર્માણ સામે પણ વાંધો લીધો.
4 ઑક્ટોબરે બૉમ્બે હાઈકોર્ટે વૃક્ષો કાપવાનો વિરોધ કરતી તમામ અરજીઓ ફગાવી દીધી.
જે બાદ શુક્રવારની રાતે આરે જંગલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને વૃક્ષો કાપી રહેલા તંત્રનો વિરોધ કરવા લાગ્યા. લોકોની સંખ્યા જોતાં પોલીસ તહેનાત કરી દેવાઈ.
મુંબઈ પોલીસે મેટ્રોનિર્માણની આસપાસ સીઆરપીસીની કલમ 144 લાદી દીધી. આ કલમ જાહેરમાં લોકોને એકઠા થતાં અટકાવે છે.
કલમ 144 લાગુ કરાયા બાદ 29 લોકોની ધરપકડ કરાઈ હતી. ધરપકડ કરાયેલા લોકો વિરુદ્ધ સરકારી અધિકારીઓને ફરજ બજાવતાં અટકાવવા સંબંધિત અને અન્ય કલમો લગાવાઈ હતી. જોકે, હાલ તેમને હાલ જામીન મળી ગયા છે.
ધરપકડ કરાયેલા લોકોમાં શિવસેના અને કૉંગ્રેસના નેતાઓ પણ સામેલ હતા. વૃક્ષોને કાપવાના નિર્ણય સામે ફિલ્મસ્ટારો પણ સોશિયલ મીડિયામાં ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
 
સુપ્રીમનો કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે આરે કૉલોનીમાં વૃક્ષો કાપવા મામલે મહારાષ્ટ્ર સરકારને હવે વધારે વૃક્ષો ન કાપવાનો આદેશ આપ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા વડા ન્યાયાધીશને પત્ર લખાયા બાદ આ મામલે સુનાવણીનો નિર્ણય લેવાયો હતો.
વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળે રવિવારે સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશને પત્ર લખીને આ મામલે પગલું ભરવા વિનંતી કરી હતી.
આરે કૉલોનીમાં મેટ્રોના શૅડ માટે મુંબઈ પોલીસ, મેટ્રો રેલવે કૉર્પોરેશન તથા ગ્રૅટર મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન 2700 વૃક્ષો કાપી રહ્યાં છે.
મેટ્રોની યોજના માટે આ વિસ્તારમાં કારના શૅડ બનાવવાનો પહેલાંથી જ વિરોધ કરાઈ રહ્યો છે અને આ મામલે હાઈકોર્ટમાં કેટલીય અરજી પણ કરાઈ છે.
જોકે, શુક્રવારે કોર્ટે આ તમામ અરજીઓ ફગાવી દીધી હતી. જે બાદ સોમવારે સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
 
આરે જંગલ નથી?
આ પહેલાં બૉમ્બે હાઈકોર્ટે આરે કૉલોનીને જંગલ માનવાનો અને વૃક્ષોને કાપવાનો નિર્ણય રદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
વૃક્ષોને કાપવાનું કામ એ બાદ જ શરૂ થયું હતું. મીડિયા અહેવાલ અનુસાર શુક્રવાર બાદના 24 કલાક દરમિયાન 2000થી વધુ વૃક્ષો કાપી નખાયાં છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર પર્યાવરણકાર્યકરોએ શનિવારે હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે આ મામલે વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
કેન્દ્રીય પર્યાવણમંત્રી પ્રકાશ જાવડેકર આરે કૉલોનીના વિવાદ અંગે કહ્યું છે, "બૉમ્બે હાઈકોર્ટનો નિર્ણય છે કે આ જંગલ નથી."
તેમણે જણાવ્યું, "જ્યારે દિલ્હીમાં પહેલું મેટ્રોસ્ટેશન બન્યું ત્યારે 20-25 વૃક્ષો કાપવાની જરૂર હતી. ત્યારે પણ લોકોએ વિરોધ કર્યો હતો પણ કપાયેલા દરેક વૃક્ષની જગ્યાએ પાંચ વૃક્ષો વાવામાં આવ્યા હતા."
"દિલ્હીમાં કુલ 271 મેટ્રોસ્ટેશન છે અને સાથે જ જંગલ પણ વધ્યું છે."
આ બધા વચ્ચે રાજ્યમાં શાસક પક્ષ ભાજપને પોતાના જ સહયોગી દળ શિવસેના તરફથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ આરે કૉલોનીમાં વૃક્ષોને કાપવાના વિરોધમાં ઝંપલાવી દીધું છું.