ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ભાર્ગવ પરીખ|
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2019 (16:04 IST)

નારાયણ સાંઈ : આઠ વર્ષ જૂના કેસમાં તપાસ કેવી રીતે કરવામાં આવી

આસારામના પુત્ર નારાયણ સાંઈને દુષ્કર્મના એક મામલામાં આજે કોર્ટ સજા સંભળાવશે, 27મી એપ્રિલના રોજ કોર્ટે નારાયણ સાંઈ સહિત પાંચ વ્યક્તિને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા.
સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ વારંવાર બળાત્કાર કરવાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં નાની બહેને નારાયણ સાંઈ વિરુદ્ધ વર્ષ 2002થી લઈને 2005 સુધી દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ નોંધાવી હતી.
મહિલાના કહેવા પ્રમાણે આસારામના સુરતમાં આવેલા આશ્રમમાં તેઓ રહેતાં હતાં ત્યારે તેમની પર નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યા હતા.
મોટી બહેને ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે અમદાવાદના આશ્રમમાં આસારામે 1997થી 2006ની વચ્ચે તેના પર દુષ્કર્મ ગુજાર્યા હતા.
નાની બહેનની ફરિયાદ મામલે સુરતની સેશન્સ કોર્ટે 27 એપ્રિલના રોજ નારાયણ સાંઈને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં મહત્ત્વનો ભાગ ભજવનારા નિવૃત એસીપી રિયાઝ મુનશી સાથે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરી હતી.
રિયાઝ મુનશીએ નારાયણ સાંઈ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
 
પહેલાં સીઆઈડી ક્રાઈમ અને પછી સીબીઆઈમાં કામ કરી ચૂકેલા રિયાઝ મુનશીના પાસે નારાયણ સાંઈ સામેનો આ કેસ આવ્યો હતો.
નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાઈ તો તેઓ ફરાર થઈ ગયા હતા.
પોતાની સામે ફરિયાદ નોંધાઈ ત્યારબાદ નારાયણ સાંઈ ફરાર થઈ ગયા હતા.
રિયાઝ કહે છે, "હું જ્યારે પહેલી વખત પીડિતાને મળ્યો ત્યારે મને તેમની આંખોમાં સચ્ચાઈ દેખાઈ હતી."
"જોકે, મોટી મુશ્કેલી એ હતી કે ફરિયાદ આઠ વર્ષ બાદ થઈ હતી. પીડિતાનું લગ્ન થઈ ચૂક્યું હતું. અમારી પાસે કોઈ ફૉરેન્સિક પુરાવા ન હતા. કોઈ આઈ વિટનેસ ન હતા."
"અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ કેસમાં પુરાવા એકઠા કરવાની હતી."
"સૌ પ્રથમ અમે મૅજિસ્ટ્રેટ સમક્ષ મહિલાનું 164નું નિવેદ દાખલ કરાવ્યું અને આસારામના આશ્રમ સામે સર્ચ વૉરંટ કઢાવ્યું."
 
આશ્રમમાં પ્રવેશ સહેલો ન હતો'
રિયાઝ મુનશી કહે છે કે સર્ચ વૉરંટ કઢાવ્યા બાદ પણ આશ્રમમાં પ્રવેશવું અમારા માટે આસાન ન હતું. અમને કોઈ આશ્રમમાં પ્રવેશવા દેતું ન હતું.
તેઓ કહે છે, "અમે પીડિતા અને તેમના ભાઈને લઈને સુરતના જહાંગીરપુરામાં આવેલા આશ્રમમાં પહોંચ્યા."
"આખી ઘટનાનું વીડિયો રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું. મહિલાના વર્ણન પ્રમાણે જ આશ્રમમાં વસ્તુઓ હતી."
"અમારે નારાયણ સાંઈની કુટિરમાં જવાનું હતું, આ કુટિરમાં આશ્રમના સાધકોને પણ પ્રવેશ અપાતો ન હતો."
"અમે નારાયણ સાંઈની કુટિર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું, અંતે અમે નારાયણ સાંઈની કુટિરમાં દાખલ થયા."
રિયાઝ કહે છે કે પીડિતાએ જે વર્ણન કર્યું હતું તેવાં જ દૃશ્યો અમને કુટિરમાં જોવાં મળ્યાં હતાં.
તેઓ કહે છે, "અમારી સાથે ફૉરેન્સિક વિભાગની એક ટીમ પણ હતી. તેમણે તપાસ કરી કે નારાયણ સાંઈની કુટિરમાં કોઈ ફેરફાર થયા છે કે નહીં."
"2006માં સુરતમાં આવેલા પૂર બાદ કંઈ બદલાયું છે કે કેમ, દીવાલો જૂની છે કે તેમાં સમારકામ કરવામાં આવ્યું છે. વગેરે બાબતોના પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા."
 
'મોબાઇલ પર લોકેશન ટ્રેસ કર્યું'
રિયાઝ કહે છે આશ્રમમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યા બાદ અમે સાંયોગિક પુરાવા એકઠા કરવા માટે કવાયત આદરી હતી. નારાયણ સાંઈના સાધકો અમને ખોટી માહિતી આપતા હતા.
તેઓ કહે છે, "પીડિતાએ અમને નારાયણ સાંઈનો મોબાઇલ નંબર આપ્યો હતો જે અમને મદદરૂપ થયો."
"આ મોબાઇલ નંબર આધારે અમે નારાયણ સાંઈનું લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું, જેમાં અમને સફળતા મળવા લાગી."
"અમે નારાયણ સાંઈ અને તેમના સાધકોના ફોટોગ્રાફ્સ ઍરપોર્ટ પર આપી દીધા હતા, જેથી કરીને તેઓ દેશ છોડીને જાય નહીં."
"આ કેસમાં અમને કેટલીક અન્ય મહિલાઓની પણ મદદ મળી હતી, જેમણે પોતાનાં નામ જાહેર ન થાય તે શરતે સાંયોગિક પુરાવા આપ્યા હતા."
"પીડિતા મુંબઈના નાલાસોપારા અને બિહારમાં જ્યાં રહ્યાં હતાં ત્યાં પણ તપાસ કરાવી અને પુરાવા એકઠા કર્યા હતા."
રિયાઝ કહે છે કે આ ગાળામાં પીડિતાએ નારાયણ સાંઈને આશ્રમના હિસાબના જે ચેક આપ્યા હતા અને બૅંકમાં જે ઍન્ટ્રીઓ થઈ હતી તે પણ પુરાવાના રૂપે કામ લાગ્યાં હતાં.
 
'અમને ધમકીઓ પણ મળતી હતી'
2013માં પીડિતાએ કરેલા કેસ બાદ નારાયણ સાંઈ ફરાર થઈ ગયા હતા અને તેમને શોધવા માટે આસારામના કેટલાક આશ્રમોમાં તપાસ પણ કરવામાં આવી હતી.
જોકે, આખરે હરિયાણામાંથી નારાયણ સાંઈ અને તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને સુરત લાવવામાં આવ્યા હતા.
રિયાઝ કહે છે નારાયણ સાંઈ સામે અમે પુરાવા એકઠા કરતા હતા ત્યારે અમને મોટી રાજકીય વગની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.
તેઓ કહે છે, "નારાયણ સાંઈ સાથે કેટલાક લોકોને મિલકતને લઈને પણ ઝઘડા હતા. આ લોકોએ પણ અમને સાંયોગિક પુરાવા એકઠા કરવામાં મદદ કરી હતી."
"જે લોકોને નારાયણ સાંઈએ પૈસા નહોતા આપ્યા એ લોકોએ પણ અમારી મદદ કરી હતી. આ કેસમાં અમને લાંચ આપવાની પણ કોશિશો કરવામાં આવી હતી."
"અંતે એટલું કહીશ કે અમે મજબૂત પુરાવા એકઠા કરી શક્યા અને એના કારણે નારાયણ સાંઈને સજા થઈ શકી."