મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2019 (10:54 IST)

ભારતમાં પેટ્રોલના ભાવ અમેરિકા અને ઈરાનની લડાઈના કારણે વધશે?

અમેરિકા અને ઈરાનના વણસતા સંબંધોને કારણે દુનિયાના અનેક દેશોના લોકોનું જીવન મુશ્કેલ બનવાનું છે. એક તરફ જ્યાં અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા પર મજબૂર કરીને ઈરાનની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા માગે છે.
 
બીજી તરફ ઈરાનનું કહેવું છે કે તે ગમે તે પરિસ્થિતિમાં ઝૂકશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી તેલ ખરીદી રહેલા દેશો માટે પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટ ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
 
વ્હાઇટ હાઉસનું કહેવું છે કે ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને તુર્કીને આપેલી છૂટ 2 મેના રોજ ખતમ થઈ જશે. ત્યારબાદ આ દેશો પર પણ અમેરિકાના પ્રતિબંધો લાગુ થઈ જશે. અમેરિકા ઈરાન દ્વારા થતી તેલની નિકાસને શૂન્ય પર લાવવા માગે છે. તેનો ઉદ્દેશ ઈરાનની સરકારની આવકના મુખ્ય સ્રોતને ખતમ કરવાનો છે.
 
એટલું જ નહીં, અમેરિકાએ ઈરાનના ઍલિટ રિવૉલ્યૂશનરી ગાર્ડને 'વિદેશી આતંકવાદી સંગઠન' ગણાવ્યું હતું.
 
 
શું ઇચ્છે છે અમેરિકા?
 
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ સમજૂતીને રદ્દ કરવા પાછળ એ કારણ જણાવવામાં આવી રહ્યું હતું કે તેઓ વર્ષ 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયે ઈરાન સાથે થયેલી સંધિથી નાખુશ હતા. તેની સાથે જ અમેરિકાએ યમન અને સીરિયા યુદ્ધમાં ઈરાનની ભૂમિકાની ટીકા પણ કરી હતી. ટ્રમ્પ પ્રશાસનને આશા છે કે તેઓ ઈરાન સરકારને નવી સમજૂતી કરવા માટે મજબૂર કરી દેશે અને તેની હદમાં માત્ર ઈરાનનો પરમાણુ કાર્યક્રમ જ નહીં પણ બૅલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પણ હશે. અમેરિકાનું એવું પણ કહેવું છે કે તેનાથી મધ્ય પૂર્વમાં ઈરાનનો 'અશિષ્ટ વ્યવહાર' પણ નિયંત્રિત થશે. 
 
ઇરાનનું પણ કડક વલણ
 
અમેરિકા ગત વર્ષે ઈરાન સહિત છ દેશો વચ્ચે થયેલી પરમાણુ સંધિથી બહાર થઈ ગયું હતું. 
 
આ તરફ ઈરાને અમેરિકી પ્રતિબંધોને ગેરકાયદેસર ગણાવ્યા છે. ઈરાની મીડિયાના આધારે અમેરિકાની ઘોષણાના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઝવાદ ઝરીફે કહ્યું છે કે તેમની પાસે અમેરિકાના પ્રતિબંધોને જવાબ આપવા માટે ઘણા વિકલ્પ છે.
 
ઝવાદ ઝરીફે કહ્યું છે કે ઈરાન ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે અને તેમાં પરમાણુ અપ્રસાર સંધિથી અલગ થવું પણ સામેલ છે.
તેમણે કહ્યું છે કે જો ઈરાનને તેમનું તેલ વેચવાથી રોકવામાં આવ્યા તો તેનાં પરિણામ ગંભીર હશે.
 
આ વચ્ચે ઈરાનના મુખ્ય જનરલે ચેતવણી આપી છે કે જો ઈરાને વધારે દ્વેષનો સામનો કરવો પડશે તો તે કૂટનીતિની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોરમુઝ જળસંધિ માર્ગને બંધ કરી શકે છે. તેમણે કહ્યું, "જો અમારાં તેલનાં જહાજ જળસંધિવાળા માર્ગથી નહીં જાય તો નિશ્ચિત રૂપે બાકી દેશોનાં તેલનાં જહાજ પણ આ માર્ગ પાર કરી શકશે નહીં."
 
તેની શું અસર થશે?
 
અમેરિકાના પ્રતિબંધોની ઈરાનની અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર થઈ છે. ઈરાનનું ચલણ આ સમયે રેકર્ડ નિચલા સ્તર પર છે.
વાર્ષિક મોંઘવારી દરમાં પણ ચાર ગણો વધારો થયો છે, વિદેશી રોકાણકારો દેશમાંથી જઈ રહ્યા છે અને પરેશાન લોકોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યાં છે.
 
આ સિવાય ઈરાન અને અમેરિકામાં વધતા તણાવને કારણે દુનિયાના ઘણા ભાગમાં તેલની આપૂર્તિ અટકી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, અમેરિકા વૈશ્વિક બજાર અને ગ્રાહકોને એ આશ્વાસન આપવા પ્રયાસ કરી રહ્યું છે કે દુનિયામાં આટલી જલદી તેલની સપ્લાય પર અસર નહીં પડે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે તેના બે સહયોગી દેશ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પાસેથી તેલનું ઉત્પાદન વધારીને ઈરાનની જગ્યા ભરવામાં આવશે.
 
   દેશોનાં નામ                             દેશ પાસે કાચું તેલ (બૅરલમાં)
1- વેનેઝુએલા                                   302,300,000,000
2- સાઉદી અરેબિયા                            266,200,000,000
3- કેનેડા                                            170,500,000,000
4- ઈરાન                                           157,200,000,000
5- ઇરાક                                             148,800,000,000
6- કુવૈત                                             101,500,000,000
7-સંયુક્ત અરબ અમીરાત                       97,800,000,000
8- રશિયા                                              80,000,000,000
14- બ્રાઝીલ                                           12,630,000,000
23- ભારત                                               4,495,000,000
 
 
જોકે, આ વચ્ચે બે પ્રમુખ તેલ ઉત્પાદક દેશોની સ્થિતિ પહેલાંથી ખરાબ છે. વેનેઝુએલા પર પણ અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા છે અને લીબિયામાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી હિંસક માહોલ ઊભો થયો છે.  આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર એલેક્ઝાન્ડર બૂથનું માનવું છે કે સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત મળીને પણ ઈરાનનું સ્થાન લઈ શકશે નહીં. એલેક્ઝેન્ડર કહે છે કે પરિસ્થિતિ સંભાળવા માટે રશિયાએ પણ પોતાનું ઉત્પાદન વધારવું પડશે. આ સિવાય વધુ એક ખતરો છે. જો તેલ ઉત્પાદક બીજા કોઈ દેશ (ઉદાહરણ તરીકે નાઇજીરિયા)માં હિંસા કે સંકટની સ્થિતિ ઉત્પન્ન થાય તો તેલ કંપનીઓ માટે કપરી પરિસ્થિતિ ઊભી થશે.
 
તેનો મતલબ સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં તમામ દેશોમાં પણ પરિસ્થિતિ અઘરી બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત વધશે અને તેના પરિણામ સ્વરૂપે મોંઘવારી પણ વધશે. આખરે તેની અસર ક્યાંક ને ક્યાંક ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર પણ પડશે.
 
ભારત પર શું અસર થશે?
 
ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેવામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ રહેલાં પરિવર્તનોને મહત્ત્વનાં માનવામાં આવી રહ્યાં છે. ઈરાન પાસેથી સૌથી વધારે તેલ ખરીદતા દેશોમાં ચીન બાદ ભારત બીજા નંબર પર છે. અમેરિકાના આ પ્રતિબંધની ભારતની બજાર પર શું અસર થશે, તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે, "સરકારે અમેરિકાની સરકારના આ નિર્ણયને જોયો છે. અમે આ નિર્ણયની અસરનો સામનો કરવા માટે તૈયાર છીએ."
 
"પેટ્રોલિયમ મંત્રાલય આ અંગે પહેલેથી જ એક નિવેદન જાહેર કરી ચૂક્યું છે. સરકાર પોતાનાં ઊર્જા અને આર્થિક સુરક્ષા સાથે જોડાયેલાં હિતોની રક્ષા માટે અમેરિકા સહિત પોતાના સહયોગી દેશો સાથે કામ કરતી રહેશે."
 
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ટ્વિટર પર લખ્યું છે કે સરકાર ભારતીય રિફાઇનરીઝમાં કાચા તેલની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે પોતાની યોજના સાથે તૈયાર રહે. સાથે જ બીજા તેલ ઉત્પાદક દેશો પાસેથી પણ મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવશે કે જેથી પેટ્રોલિયમ પદાર્થોની માગને પૂરી કરી શકાય. અમેરિકાના વિદેશ મંત્રાલયનાં બીબીસી સંવાદદાતા બારબરા પ્લેટ યૂશર સાથે વાતચીતના આધારે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં જાપાન અને દક્ષિણ કોરિયાએ ઈરાન પાસેથી તેલની આયાત રોકી દીધી છે અથવા તો ઓછી કરી દીધી છે.
 
અમેરિકાની સરકારના હાલના નિર્ણયની અસર દેશોના સંબંધો પર પડી શકે છે. બારબરાના જણાવ્યા અનુસાર, "ભારત માટે તો આ વધારે મોટી સમસ્યા છે કેમ કે અમેરિકા તેના પર વેનેઝુએલાથી જ તેલની આયાત ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે."
 
"ભારતના ઈરાન સાથે ગાઢ સાંસ્કૃતિક અને રાજકીય સંબંધ છે એટલે તેના માટે ઈરાનને ઘેરવાની અમેરિકાની વ્યૂહરચનામાં સામેલ થવું મુશ્કેલ બનશે."