રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2019 (15:42 IST)

શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ સવર્ણમાંથી OBC બની હતી?

કૉંગ્રેસ ઉપર નિશાન સાધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત ખુદને પછાત જાતિના જણાવ્યા હતા.
મહારાષ્ટ્રના સોલાપુર ખાતે એક રેલી દરમિયાન મોદીએ કહ્યું કે 'પછાત જાતિના હોવાને કારણે તેમને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે.'
કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' અને 'તમામ ચોરોની અટક મોદી છે' જેવા નિવેદન અંગે મોદીએ કહ્યું, "પછાત હોવાને કારણે અમારા જેવાએ અનેક વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક વખત કૉંગ્રેસ અને તેનાં સાથીઓએ મારી ઔકાત બતાવવાવાળી, મારી જાતિ બતાવવાળી વાતો કહી છે."
મોદીએ કહ્યું, "કૉંગ્રેસના નામદારે પહેલાં ચોકીદારોને ચોર કહ્યા, જ્યારે તેનાથી કંઈ ન વળ્યું, એટલે હવે 'જેનું નામ મોદી છે, એ બધાય ચોર છે' એવું કહેવાનું શરૂ કર્યું છે."
મોદીએ કહ્યું, "પરંતુ આ વખતે તો વધુ આગળ વધી ગયા અને આખા ઓબીસી સમાજને જ ચોર કહ્યો છે."
 
2002 પહેલાં મોદી સવર્ણ હતા?
2014માં નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત જાહેરમાં ખુદને પછાતવર્ગના કહ્યા હતા, જેના કારણે ખાસ્સો વિવાદ થયો હતો.
ત્યારે કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે મોદીએ સત્તા ઉપર આવ્યા બાદ, ખુદની જ્ઞાતિને પછાતવર્ગમાં મૂકાવી હતી.
જોકે, ગુજરાત સરકારે સ્પષ્ટતા આપી કે વર્ષ 1994થી ઘાંચી સમાજને ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ)નો દરજ્જો મળેલો છે, મોદી ઘાંચી જ્ઞાતિના છે.
ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મોદી ઉપર આરોપ મૂક્યો હતો કે મોદી પછાત જ્ઞાતિના નથી. પરંતુ રાજકીય લાભ ખાટવા માટે 2001માં મુખ્ય મંત્રી બન્યા પછી મોદીએ 2002માં તેમની જ્ઞાતિને પછાતવર્ગમાં મૂકાવી હતી.
 
ગુજરાત સરકારનો સર્ક્યુલર
ગોહિલે ગુજરાત સરકારના વર્ષ 2002ના એક સર્ક્યુલરનો હવાલો આપી આરોપ મૂક્યો હતો કે મોદીએ મુખ્ય પ્રધાન બન્યા બાદ પોતાની જ્ઞાતિને ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ કરાવવા માટે નિયમો નેવે મૂક્યા હતા.
એ સમયે ગોહિલે બીબીસીને જણાવ્યું હતું કે આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ના આધારે તેમણે પૂછ્યું હતું કે ઘાંચી જ્ઞાતિને ઓબીસીમાં ક્યારે સમાવવામાં આવી?
ગોહિલના મતે, "ગુજરાતમાં મોદીની મોઢ ઘાંચી જ્ઞાતિની ગણતરી ધનિક અને સમૃદ્ધ જ્ઞાતિ તરીકે થાય છે. મોદી મુખ્ય મંત્રી બન્યા, તે પહેલાં આ જ્ઞાતિનો સમાવેશ ઓબીસીમાં થતો ન હતો."
"મોદીએ પોતાની સગવડ માટે ગુજરાત સરકારની વ્યવસ્થા બદલી હતી. મોઢ ઘાંચીને ઓબીસીની યાદીમાં મૂકવા અંગે કોઈ માગ થઈ ન હતી."
"આમ છતાં ખુદને પછાત જ્ઞાતિના જણાવીને વોટબૅન્કનું રાજકારણ રમી શકાય તે માટે તેમણે ખુદને પછાત જણાવ્યા હતા."
પહેલી જાન્યુઆરી, 2002ના દિવસે ગુજરાત ગુજરાત સરકારે મોઢ ઘાંચી જ્ઞાતિને ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ કરવાનો સર્ક્યુલર કાઢ્યો હતો તેની નકલ બીબીસી ગુજરાતી પાસે છે.
જોકે, જે તે સમયે ગુજરાત સરકારના પ્રવક્તા અને હાલના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે "ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે તા. 25મી જુલાઈ 1994ના દિવસે એક જાહેરનામું બહાર પાડીને 36 જ્ઞાતિઓને ઓબીસીની શ્રેણીમાં સામેલ કરી હતી."
"તેની 25-બમાં મોઢ જ્ઞાતિનો ઉલ્લેખ હતો, એ જ્ઞાતિનો ઉલ્લેખ છે, જેને ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી."
 
કોણ છે મોઢ ઘાંચી?
ગુજરાતના ઘાંચી સમાજને અન્ય રાજ્યોમાં 'સાહુ' કે 'તેલી' તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત રીતે તેઓ ખાદ્યતેલનો વેપાર કરે છે. ગુજરાતમાં હિંદુ અને મુસ્લિમ એમ બંને કોમમાં ઘાંચી સમુદાય હોય છે.
ઉત્તર ગુજરાતના મોઢેરાના ઘાંચી મોઢ ઘાંચી તરીકે ઓળખાય છે. ગોધરા હત્યાકાંડના મોટાભાગના આરોપીઓ ઘાંચી મુસલમાન હતા.
વિખ્યાત સમાજશાસ્ત્રી અચ્યુત યાજ્ઞિકે કહ્યું હતું કે 'મોદી બનાવટી ઓબીસી છે, એમ કહેવું ખોટું હશે.'
યાજ્ઞિકે કહ્યું, "કૉંગ્રેસનો આરોપ ખોટો છે ,કારણ કે ઘાંચી ઓબીસીની યાદીમાં જ આવે છે. મોદી જે જ્ઞાતિમાં આવે છે, તે ઘાંચીની ઉપ-જ્ઞાતિ જ છે, એટલે તેઓ ઓબીસીમાં જ ગણાય."
ગુજરાતના રાજકીય ચિંતક ઘનશ્યામ શાહ પણ યાજ્ઞિકની વાત સાથે સહમત જણાયા.