વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોથી માર્ચના સોમવારથી દોઢ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આશરે 26 કલાકનાં રોકાણ દરમિયાન અડધો ડઝન જેટલા કાર્યક્રમોમાં હાજર રહી સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જેમાં પીએમ મોદીનો ડ્રીમ પ્રોજ્ક્ટ મેટ્રોનાં એક રૂટનું ઉદ્ધાટન કરશે. આજે વડાપ્રધાન મોદી મેટ્રોનો પ્રથમ 6.5 કિમીનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સુધીના એક સ્ટેશનની મુસાફરી પણ કરશે. નાગરિકો માટે 6 માર્ચથી એક ટ્રેન અને બીજી ટ્રેન 11 માર્ચથી દોડાવાશે. મેટ્રો રેલના એમડી આઈ.પી. ગૌતમે જણાવ્યું છે કે પ્રથમ 8થી 10 દિવસ સુધી લોકો માટે ફ્રી મુસાફરી રાખી છે. હાલ તેનાં ભાડની કોઇ જાહેરાત કરવામાં નથી આવી.મેટ્રોના કુલ બે રૂટ છે જેમાં ઇસ્ટ-વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી, જેનું અંતર 21.16 કિમી, અને 6.53 કિમી ટનલ અને 14.63 કિમીનો એલિવેટેડ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધી 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત બે ડેપો એપરલ પાર્ક અને ગ્યાસપુર ખાતે છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ઇસ્ટ-વેસ્ટ કોરિડોર. એપરલ પાર્કથી શાહપુર ટનલમાંનાં 4 મળી કુલ 17 સ્ટેશન, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી, એપેરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાળુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજ. યુનિ., ગુરુકુળ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ, થલતેજ ગામ સ્ટેશનનો સમાવેશ. જ્યારે નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસી, જીવરાજપાર્ક, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, એઈસી, સાબરમતી, મોટેરા સ્ટેશન. દરેક સ્ટેશન વચ્ચે 800થી 900 મીટરનું અંતર છે. મેટ્રોમાં પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કોઈ પેસેન્જર ટ્રેક પર ન પડે તે માટે દરેક પ્લેટફોર્મ પર ‘પ્લેટફોર્મ સ્ક્રીનગાર્ડ’ લગાવાશે. જે ટ્રેન આવશે ત્યારે જ ખૂલશે અને પેસેન્જર ટ્રેનમાં બેસે ત્યાર બાદ ઓટોમેટિક બંધ થઈ જશે. આ ઉપરાંત મેટલ ડિટેક્ટર, સ્કેનર મશીન પણ લગાવાશે. ટિકિટ લીધા વગર કે ટિકિટમાં દર્શાવેલા સ્ટેશનથી આગળની મુસાફરી નહીં કરી શકાય.