શનિવારે સાંજે ભાજપે ગુજરાતની 15 સહિત કુલ 195 લોકસભા બેઠકો માટે પોતાના ચૂંટણી ઉમેદવાર જાહેર કર્યા હતા. આ સમાચાર આવતાં જ રાજ્યની બાકીની 11 લોકસભા બેઠકો માટે પણ ભાજપના ઉમેદવારોનાં નામની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
જોકે, બીજી તરફ ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને ભાજપના સિનિયર નેતા નીતિન પટેલે રવિવારે બપોરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને મહેસાણા બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચી હોવાના સમાચાર આપ્યા હતા.
આ પોસ્ટ મુકાતા નીતિન પટેલના આ નિર્ણય પાછળનાં કારણો અંગે અનુમાનો થવા લાગ્યાં હતાં.
બીબીસી ગુજરાતીએ રાજ્યમાં ભાજપના પીઢ નેતાના આ નિર્ણય પાછળ જવાબદાર પરિબળો અંગે જાણવા માટે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
કેમ નીતિન પટેલે પાછી ખેંચી લીધી દાવેદારી?
ઉત્તર ગુજરાતના રાજકારણને નજીકથી જોનારાં વરિષ્ઠ પત્રકાર કામિની વ્યાસના રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નિર્ણય પાછળનાં કારણો અંગે જણાવતાં કહે છે :
“આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ તો એ જ હોઈ શકે કે તેમને પહેલાંથી જ ટિકિટ મળવાની જ નહોતી. આ વાતનો તેમને ખ્યાલ આવ્યો. તેથી ટિકિટની જાહેરાત થાય એ પહેલાં જ પોતાની દાવેદારી ખેંચી લેવામાં તેમને શાણપણ લાગ્યું હશે.”
તેઓ મહેસાણાની બેઠક અંગે વાત કરતાં કહે છે કે, “મહેસાણા એ ભાજપનો ગઢ છે. આ વાત ભાજપનું મોવડીમંડળ જાણે છે. અહીં ઉમેદવાર નહીં, મોદી જીતે છે. તો આવી સલામત બેઠક પર ભાજપને નીતિન પટેલની કોઈ જરૂર નહોતી.”
કામિની વ્યાસ મહેસાણાના રાજકારણ અંગે વાત કરતાં કહે છે કે ભાજપને હાલ મહેસાણામાં નીતિન પટેલની કોઈ જરૂર નથી.
“આ સિવાય પક્ષના આંતરિક રાજકારણને કારણે પણ નીતિન પટેલને નુકસાન થયું છે.”
ગુજરાતના રાજકારણનાં જાણકાર અને વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદીએ ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની તાજેતરની જાહેરાત પાછળનાં કારણો અંગે વાત કરતાં કહ્યું :
“આ નિર્ણય પાછળનાં ત્રણ કારણો હોઈ શકે અને એ છે ડર, શિસ્ત અને લાલચ.”
તેઓ આ વાત સમજાવતાં આગળ કહે છે કે, “જોકે, આ માત્ર નીતિનભાઈના કિસ્સામાં જ નહીં, પરંતુ રાજકારણમાં ઉપયોગમાં લેવાતી સૌથી કારગત વ્યૂહરચનાઓ છે.”
દીપલ ત્રિવેદી વાતને આગળ વધારતાં કહે છે કે, “ગુજરાતમાં ભાજપ સિવાય કોઈનું ભવિષ્ય દેખાતું નથી અને કોઈના અંગત રાજકીય ભવિષ્યની તો રાજ્યમાં વાત જ નથી.”
“નીતિનભાઈના કિસ્સામાં કદાચ એવું બની શકે કે તેમને પોતાની ઉંમરને કારણે રાજકીય બદલાવ અજમાવવાની બીક લાગતી હોય. આ નિર્ણય પાછળ આ એક કારક હોઈ શકે. હવે સક્રિય રાજકારણમાં નીતિનભાઈનું રાજકીય ભવિષ્ય ઝાઝું ઊજળું હોય એવું લાગતું નથી.”
આ સિવાય શિસ્તની બાબત સમજાવતાં દીપલ ત્રિવેદી કહે છે કે, “તેઓ પાછલા લગભગ ચાર દાયકાથી ભાજપ સાથે જ રહ્યા છે અને ભાજપની શિસ્તને વરેલા છે. હાલની સ્થિતિમાં તો તેમનું બીજે ક્યાંય ભવિષ્ય પણ નથી. તેથી શિસ્તમાં રહ્યા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ પણ નથી.”
વરિષ્ઠ પત્રકાર કામિની વ્યાસ નીતિન પટેલના રાજકીય વિકલ્પો અંગે વાત કરતાં કહે છે કે, “નીતિનભાઈ માટે હવે સક્રિય રાજકારણમાં ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી. હવે માત્ર પક્ષ તેમને રાજ્યપાલ તરીકે કોઈ રાજ્યમાં નિમણૂક આપે તો જ તેઓ કોઈ પદ મેળવી શકશે એવું લાગી રહ્યું છે.”
કામિની વ્યાસ નીતિન પટેલના પ્રજા સાથેના જોડાણ અંગે વાત કરતાં કહે છે કે, “નીતિન પટેલે જ્યારે તેઓ નાયબ મુખ્ય મંત્રી હતા ત્યારે મહેસાણા અને આસપાસના વિસ્તારના લોકો માટે ઘણું કામ કર્યું છે. પરંતુ તેમની આખાબોલા નેતા તરીકેની છબિ તેમના માટે હંમેશાં નકારાત્મક અસર ઉપજાવનારી સાબિત થઈ છે.”
“આ બધી બાબતો છતાં તેમનું લોકો સાથે ભાવનાત્મક જોડાણ હતું અને ઉત્તર ગુજરાતના લોકો માટે તેમણે ઘણું કામ કર્યું છે. જોકે, અહીં આ ભાવનાત્મક જોડાણ તેમને ટિકિટ અપાવી શકે એમ નહોતું.”
નીતિન પટેલ ત્રણ વખત મુખ્ય મંત્રી બનતા રહી ગયા..
ભૂતકાળમાં ત્રણત્રણ વાર નીતિન પટેલનું મુખ્ય મંત્રી બનવાનું નક્કી લાગતું હતું, પણ ત્રણેય વાર સત્તા વેંત છેટી રહી ગઈ.
તક ગુમાવ્યા પછી જાહેર ભાષણોમાં તેમણે પોતાના ચિરપરિચિત અંદાજમાં કહ્યું હતું, "હું એકલો બસ નથી ચૂકી ગયો, મારા જેવા બીજા કેટલાય છે. હું લોકોના દિલમાં રહું છું ને મને ત્યાંથી કોઈ નહીં કાઢી શકે".
વિજય રૂપાણીને 2017ની ચૂંટણી પછી પણ યથાવત્ રખાયા તે પછી નીતિનભાઈની નારાજી ચાલતી રહી હતી.
તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે દિલ્હી ગયા તે પછી કોણ અનુગામી બનશે તેની ભારે ઉત્સુકતા હતી. તે વખેત પણ નીતિન પટેલનું નામ ચાલતું હતું, પણ આખરે આનંદીબહેનને પસંદ કરાયાં હતાં.
આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે આ વખતે તો પાક્કું એવું હતું, ફરી નીતિન પટેલને તક ન મળી.
નીતિન પટેલના ટેકેદારોએ ઉજવણી માટેની મીઠાઈ મગાવી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું નામ જાહેર થયું. તે વખતે નીતિન પટેલને નાયબ મુખ્ય મંત્રી અને નાણાખાતું આપીને મનાવી લેવાયા હતા.
ત્રીજી વખતે પણ નીતિન પટેલને લાગ્યું હતું કે કમસે કમ હવે એક તક મોવડીમંડળ આપશે.
તો સપ્ટેમ્બર, 2021માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું, ત્યારે પણ મુખ્ય મંત્રીની રેસમાં નીતિન પટેલનું નામ ચર્ચાતું હતું.
જોકે ભાજપે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.
આઠ વખત રજૂ કર્યાં બજેટ
નીતિન પટેલને ચાર દાયકાના રાજકારણમાં તેમને અનેક ખાતાં મળ્યાં છે. વજુભાઈ વાળા પછી બીજા નંબરે આઠ વખત તેમણે નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું છે. આરોગ્ય, માર્ગ અને મકાન, કલ્પસર તથા નર્મદાયોજના જેવાં અગત્યનાં ખાતાં તેમણે સંભાળ્યાં છે.
વીસનગરમાં 22 જૂન 1956માં જન્મેલા નીતિન પટેલના દાદા ગર્ભશ્રીમંત હતા અને તેમનો તેલ-કાપડનો બહોળો વેપાર હતો. નીતિન પટેલ કૌટુંબિક વેપારમાં આગળ વધી શક્યા હોત પણ તેમને યુવાન વયે જ રાજકારણમાં રસ પડ્યો હતો. બી.કોમ.નો અભ્યાસ અધૂરો છોડીને તેઓ રાજકારણમાં આવ્યા.
તેમની રાજકીય કારકિર્દીના કેન્દ્રમાં કડીનગર રહ્યું છે. 1977માં કડી નગરપાલિકામાં તેઓ પ્રમુખ બન્યા હતા.
1974માં કડી તાલુકા નવનિર્માણસમિતિના મહામંત્રી તરીકે તેઓ જાહેરજીવનમાં સક્રિય થયા હતા. 1988 સુધી એક દાયકો કડી પાલિકામાં રહ્યા. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કમાં પણ આઠ વર્ષ ડિરેક્ટર અને કડી એપીએમસીમાં પણ ડિરેક્ટર રહ્યા.
1997-98 દરમિયાન તેઓ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા. આગળ જતાં ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં અને રાષ્ટ્રીય કારોબારીમાં પણ સભ્ય બન્યા.
1990માં કડી બેઠક પરથી જ પ્રથમ વાર ધારાસભ્યા બન્યા. 1995માં ભાજપની સરકાર બની ત્યારે આરોગ્યમંત્રી બન્યા હતા. 2001માં મોદીનું આગમન થયું અને વજુભાઈ વાળાએ તેમના માટે પોતાની બેઠક ખાલી કરી ત્યારે નીતિન પટેલને નાણા ખાતું મળ્યું હતું.
આ રીતે ભાજપ સાથે તેમનો પણ સતત ઉદય થઈ રહ્યો હતો, પરંતુ 2002ની ચૂંટણીમાં તેઓ હારી ગયા અને પ્રથમ બ્રેક લાગી. 2007માં ફરીથી કડીમાં જ બળદેવજી ઠાકોરની સામે ઊભા રહ્યા અને આ વખતે માત્ર 1327 મતે જીતી શક્યા અને ફરીથી સરકારમાં પાછા ફર્યા.
તેઓ આકરું બોલે છે. તેમનાં કેટલાંક નિવેદનો વિવાદાસ્પદ પણ બનતાં રહ્યાં છે.