બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (17:18 IST)

વડોદરામાં પાણી ઓસરવાની શરૂઆત, સૌરાષ્ટ્રમાં સતત વરસાદ, 26 લોકોનાં મૃત્યુ

navsari rain
ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈએ જણાવ્યું છે કે આ ત્રણ દિવસમાં ગુજરાતમાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
ગુરુવારે પણ રાજ્યાના ઘણા વિસ્તારોમાં રૅસક્યુ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત માહિતી વિભાગ અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં 24 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
 
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જ્યાં વરસાદનું જોર ઘટી ગયું છે ત્યાં રાહત સામગ્રી પહોંચડાવામાં માટે તેમણે સૂચન કર્યું હતું.
 
પૂર અને ભારે વરસાદની સ્થિતિને જોતાં રાજ્ય સરકારે ભારતીય સેનાની વધુ ત્રણ કૉલમ તથા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ) અને એસડીઆરએફની એક-એક ટીમોની ફાળવણી કરી છે. રાજ્યમાં હાલમાં સેનાની ચાર કૉલમ, એનડીઆરએફની ચાર તથા એસડીઆરએફની (સ્ટૅટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ) પાંચ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં તહેનાત છે.
 
છેલ્લા ત્રણ દિવસથી જળમગ્ન વડોદરા શહેરમાં ગુરુવારે પૂરનાં પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી.
 
શહેરમાં પાણી ઘટતા ઠેર-ઠેર નુકસાનીનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. સમગ્ર શહેરમાં લોકો પોતાના ઘર અને ઑફિસની સફાઈ કરતા નજરે પડ્યા હતા. વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેરમાં કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય તે વિશે રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાએ કોઈ પુષ્ટિ કરી નથી.
 
ગુજરાતના આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લા માટે સુરત, આણંદ, ખેડા, ભરૂચ, છોટાઉદેપુર અને અમદાવાદથી મોટી સંખ્યામાં ફૂડ પૅકેટ તથા પીવાના પાણીના પાઉચ પહોંચાડવામાં આવી રહ્યા છે.
 
મધ્ય ગુજરાતમાં આંશિક રાહત
રવિવાર સાંજથી ભારે વરસાદનો સામનો કરી રહેલા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બુધવાર મોડી સાંજથી વરસાદની તીવ્રતામાં ઘટડો આવ્યો હતો. ગુરુવાર સવારે છ વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં બે મિલીમીટરથી લઈને 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
 
વરસાદનું જોર ઘટતા મધ્ય ગુજરાતમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં આંશિક ઘટાડો થયો છે.
 
જોકે, વડોદરામાં હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઢીંચણસમા પાણી હોવાના કારણે લોકો પોતાના ઘરે જઈ શકવાની સ્થિતિમાં નથી.
 
વરસાદે વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તરમાં ઘટાડો આવ્યો છે. રવિવારે ભારે વરસાદ શરૂ થયા બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 37 ફૂટથી ઊંચું ગયું હતું અને આસપાસના વિસ્તારો જળમગ્ન બન્યા હતા.
 
વડોદરામાં હાજર બીબીસી સંવવાદાતા રૉક્સી ગાગડેકર છારાએ જણાવ્યું, "શહેરમાં હજુ પણ લોકો ભોજન અને પાણી મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. શહેરીજનો વધુ કિંમત ચૂકવીને પાણીની બોટલો ખરીદી રહ્યા છે. દૂધ માટે પણ લોકો વધારે પૈસા ખર્ચી રહ્યા છે કારણ કે શહેરમાં સ્થિતિ પૂર્વવત થવામાં હજી વાર લાગશે. શહેરનીજનો પોતાની રીતે જીવનજરૂરી વસ્તુઓ મેળવી રહ્યા છે."
 
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતા લોકોએ બીબીસીને જણાવ્યું કે ત્રણ દિવસ સુધી ઘરમાં કમર સુધી પાણી હતું. ચારેય બાજુ પાણી હોવાના કારણે તેઓ ઘરમાં પૂરાઈ રહેવું પડ્યું હતું. ગુરૂવારે તેઓ જરૂરી સામાન લેવા માટે ઘરમાંથી બહાર નિકળ્યા હતા પરંતુ તેની પ્રાપ્તી માટે મુશ્કેલી નડી રહી છે.
 
લોકોએ વીજળી ન હોવાના કારણે અને પીવાનું પાણી ન હોવાના કારણે તેમને પારાવાર મુશકેલી થઈ રહી હોવાની વાત કરી હતી.
 
વડોદરામાં પાણી ભરાવાને કારણે મોટા ભાગના બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે.
 
સ્થાનિક પત્રકાર રાજીવ પરમારે જણાવ્યું કે "વડોદરા શહેરમાં મોટા ભાગના બ્રિજો વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાઓમાંથી પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર શરૂ થઈ ગયો છે. કેટલાક નીચાણવાળા વિસ્તાર હજુ જળમગ્ન છે પરંતુ એકંદરે શહેરમાં સ્થિતિ કાબૂમાં આવી રહી છે."
 
સૌરાષ્ટ્રમાં કેવી પરિસ્થિતિ છે?
મધ્ય ગુજરાતમાં વરસાદે ભલે વિરામ લીધો હોય પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા જનજીવનને વ્યાપક અસર થઈ છે.
 
સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં થઈ રહ્યો છે. ગુરુવાર સવારે છ વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં કચ્છના માંડવીમાં 110 મિલીમીટર વરસાદ થયો છે અને વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સતત ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા એનડીઆરએફ જણાવ્યું કે તેમની ટીમોએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 95 લોકોને રેસ્ક્યુ કર્યા છે. હજુ પણ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
 
સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદના કારણે ઘણા લો-લેવલ બ્રીજ અને કૉઝવે પાણીમાં ડૂબી જતાં અનેક ગામો સંપર્કવિહોણા બની ગયાં છે. આ ગામમાં રહેતા લોકોને બીજા ગામમાં અથવા નજીકના શહેરમાં જવા માટે લાંબી અને જોખમી મુસાફરી કરવી પડી રહી છે. વરસાદના કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ઘણાં ગામોમાં વીજ સુવિધા નથી, જેના કારણે લોકોની મુશકેલીમાં વધારો થયો છે.
 
વરસાદના કારણે ખેતીને પણ વ્યાપક નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં હજારો વિઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતાં કપાસ, જુવાર, એરંડા, મગફળી જેવા મુખ્ય પાકો તેમજ ગુવાર અને તુવેર જેવાં રોકડિયા પાકોને ભારે નુકસાન થયું છે.
 
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા જામનગર શહેરના પટેલ પાર્કમાં રહેતા સંજનાબા રાઠોડ કહે છે, ''તંત્રે હજી સુધી અહીં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકો બહુ તકલીફમાં છે. અમારા વિસ્તારમાં ત્રીજી વખત પૂરના પાણી આવ્યાં છે, જેના કારણે અનાજ અને ઘરવખરીનો સામાન બગડી ગયો છે. સરકાર કહે છે કે ઉપરવાસમાં વરસાદ થવાના કારણે પાણી ભરાયાં છે ત્યારે વિનંતી છે કે આવી સ્થિતિનું ફરી સર્જન ન થાય તે માટે પગલા લેવા જોઈએ.''
 
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેતીને થયેલાં નુકસાનનો સરવે કરાવવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
 
ગુરુવારે સવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, "સવારે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની વાત થઈ હતી, જેમાં વડા પ્રધાને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી. મોદીએ તેમના પૂર્વ મતક્ષેત્ર વડોદરામાં પૂરના પાણી ઊતર્યે સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો હતો અને જનજીવન ફરી થાળે પડે તે માટે સૂચના આપી હતી."
 
વડોદરા, મોરબી અને પોરબંદરમાં મેડીકલ ટીમો રવાના
રાજ્ય સરકારે ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે 35 મેડિકલ ટીમો મોકલવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મેડિકલ ટીમો આ ત્રણેય જિલ્લાઓમાં જશે અને લોકોની સારવાર કરશે.
 
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડોદરા શહેરમાં 20 અને વડોદરા જિલ્લામાં 10 મેડિકલ ટીમો મોકલવામાં આવી છે. ઉપરાંત મોરબી જિલ્લામાં બે ટીમો અને પોરબંદર જિલ્લામાં ત્રણ ટીમો મોકલવામાં આવી છે.
 
35 ટીમોમાં સુરત, રાજકોટ અને ભાવનગરથી પાંચ-પાંચ મેડિકલ ટીમો જ્યારે ગાંધીનગર અને અમદાવાદથી 10-10 મેડિકલ ટીમો છે. મેડિકલ ટીમને જરૂરી દવા, સંસાધનો અને ઍમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે.
 
સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ
ગુરુવાર સવારની સ્થિતિ પ્રમાણે, ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ (11.6 ઇંચ), કલ્યાણપુર (10.36 ઇંચ), ખંભાળિયા (8.85 ઇંચ) અને દ્વારકામાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
 
કચ્છ જિલ્લાના અબડાસામાં 10.83 ઇંચ, લખપત 8.85 ઇંચ, નખત્રાણા આઠ ઇંચ અને માંડવીમાં 7.17 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
 
જામનગર જિલ્લાના જામજોધપુરમાં (આઠ ઇંચ), કાલાવડ (6.77 ઇંચ), લાલપુર (6.6 ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે.
 
આ સિવાય રાજકોટ જિલ્લાના લોધિકા, ધોરાજી, જામકંડોરણા, રાજકોટ અને જેતપુર તાલુકા ; પોરબંદરના કુતિયાણા, રાણાવ અને પોરબંદર તાલુકા, જૂનાગઢ અને મોરબી જિલ્લાના અમુક તાલુકા વરસાદ નોંધણીની બાબતમાં અગ્રેસર રહ્યા હતા.
 
કચ્છના જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ લોકોને આગામી 24 કલાક ક્રિટિકલ હોય કારણ વગર શુક્રવાર બપોર સુધી ઘરની બહાર નહીં નીકળવા તાકીદ કરી હતી. પ્રવસન સ્થળો કે પાણી જોવા ક્યાંય ન જવા વિનંતી કરી હતી. સ્થાનિકોને કૉઝવે કે પાપડી ઉપરથી વાહનને પસાર ન કરવા તાકીદ કરી હતી.
 
છેલ્લા બે દિવસ દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ઉપરાંત જામનગર જિલ્લામાં અસામાન્ય વરસાદ પડ્યો છે.
 
જામનગર જિલ્લાના કલેક્ટર ભાવિક પંડ્યાએ જણાવ્યું, "જે લોકો પાસે રહેવા માટે સલામત ઘર ન હોય, તેઓ તંત્ર દ્વારા આયોજિત રાહતશિબિરમાં આશરો લે, જ્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. (બુધવારની સ્થિતિ પ્રમાણે) જિલ્લાના 25 ડૅમ ઑવરફ્લૉ થઈ રહ્યા છે."
 
સુરેન્દ્રનગરની મુલાકાતે ગયેલા ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે બુધવારે કહ્યું હતું કે,"અધિકારીઓ સાથેની બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે બે લોકોનાં મૃત્યુ થયાં છે. 13 પશુઓનાં વીજળી પડવાને કારણે મૃત્યુ થયાં છે. 25-26 તારીખે થયેલી અતિવૃષ્ટિમાં 37 જેટલાં કાચાં-પાકાં મકાનોને નુકસાન થયું છે. અને ચોટીલામાં 158 અને વઢવાણમાં 201 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને એમના માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી."
 
સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાંય ગામોમાં વીજપુરવઠાને અસર થઈ છે.