શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified રવિવાર, 23 જૂન 2019 (12:44 IST)

અમદાવાદની રથયાત્રા માટે આસામથી હાથીઓ લાવવાનો કેમ વિરોધ થઈ રહ્યો છે?

જય મકવાણા
રથયાત્રા માટે આસામના ચાર હાથીઓને ટ્રેનમાં 3,100 કિલોમિટર દૂર અમદાવાદ મોકલવાના નિર્ણયનો જીવદયાપ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે.
અત્યંત લાંબા અને હાથીઓ માટે જોખમી આ પ્રવાસમાં તેમનું મૃત્યુ પણ થઈ શકે, એવી આશંકા પણ જીવદયાપ્રેમીઓએ વ્યક્ત કરી છે.
આ હાથીઓ ભારતના પૂર્વત્તોરમાં આવેલા આસામમાંથી પશ્ચિમમાં આવેલા ગુજરાત સુધીની ટ્રેનમુસાફરી કરશે.
અહેવાલો જણાવી રહ્યા છે કે આસામમાં રેલવેતંત્રને આ અંગેની વ્યવસ્થા કરવા માટે જણાવાયું છે.
આ હાથીઓને અમદાવાદ ક્યારે મોકલાશે એ અંગેની કોઈ ચોક્કસ તારીખ જાણી શકાઈ નથી પણ 4 જુલાઈએ આ હાથીઓ અમદાવાદ પહોંચે એવું મનાઈ રહ્યું છે.
 
કર્મશીલોનું શું કહેવું છે?
જીવદયા માટે કામ કરતી સંસ્થા PETA (પીપલ ફૉર ધી ઍથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ)એ પણ હાથીઓ આ પ્રવાસની ટીકા કરી છે.
સંસ્થાએ હાથીઓને આ રીતે આસામથી ગુજરાત લાવવાની ઘટનાને સુપ્રીમ કોર્ટનો અનાદર ગણાવી છે.
PETAના સીઈઓ અને પશુચિતિત્સક ડૉ. મણિલાલ વલ્લિયાતેએ બીબીસીને જણાવ્યું, "હાથીઓને હેરાન કરવાથી ક્યારેય આશીર્વાદ નથી મળતા, હેરાન કરનારને શાપ માત્ર મળે છે."
"જાણકારો પહેલાંથી જ આ હાથીઓને આટલાં દૂરના અંતરે મોકલવા, ગરમીમાં તેમના પર કામ કરવાનું દબાણ કરવા કે આ હાથીઓના ગેરકાયદે જગંલીપશુના વેપારમાં જોતરી દેવાના જોખમ અંગે ચેતવણી આપી ચૂક્યા છે."
"પકડાયેલાં હાથીઓનું તેમનાં કુટુંબમાંથી અપહરણ કરવામાં આવ્યું હોવાને કારણે, તેમને ફટકારીને તાલીમબદ્ધ અને નિયંત્રિત કરાયા હોવાને કારણે, સતત સાંકળમાં બાંધી રખાયેલા હોવાને કારણે હતાશામાં માનવીઓને મારી નાખતા હોય છે."
"PETA પહેલાંથી જ સરઘસ કે પ્રસંગોએ હાથીઓને બદલે યાંત્રિક હાથીઓનો ઉપયોગ કરવા કે અન્ય કોઈ ઉમદા અને માનવીય અભિગમ કેળવવાની ભલામણ કરી ચૂક્યું છે."
"આસામના ઍનિમલ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ સમગ્ર મુદ્દાને કોર્ટમાં લઈ જવા માગે છે."
"મે-2016માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં ઠેરવ્યું હતું કે જે વ્યક્તિ પાસે હાથી હોય તે અન્ય કોઈને સોંપશે નહીં કે અન્ય કોઈ રીતે તેનું હસ્તાંતરણ કરશે નહીં."
"આસામના હાથીને બહાર મોકલવાની કવાયત સુપ્રીમ કોર્ટના આ આદેશના અનાદર સમાન છે."
 
અમદાવાદના જગન્નાથમંદિરનું શું કહેવું છે?
અમદાવાદના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જ્હા કર્મશીલોની આ ચિંતા અંગે અજાણ હોવાનું જણાવે છે.
હાથીઓને ટ્રેનમાં લાવવા દરમિયાન પડનારી કથિત મુશ્કેલીઓ અંગે વાત કરતા જ્હાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ અંગે અમને કોઈ માહિતી નથી અને આમ પણ અમે તેમને પૂજાના ઉદ્દેશથી લાવી રહ્યા છે. ત્યારે એમને કોઈ મુશ્કેલી પડે એ અમને થોડું પોષાય?"
જ્હાના જણાવ્યા અનુસાર આ હાથીઓને સુરક્ષિત અને સાનુકૂળ પરિસ્થિતિમાં અમદાવાદ લાવવા માટે સ્થાનિક ડીઆરએમને પણ અરજી કરાઈ છે.
તેમણે ઉમેર્યું, "મંદિરના ટ્રસ્ટ પાસે ચાર હાથી હતા. જેમાંથી ગત વર્ષે ત્રણ હાથીનાં મૃત્યુ થતાં મંદિરની માલિકીનો હવે માત્ર એક જ હાથી બચ્યો છે."
હાલમાં મંદિરપરિસરમાં કુલ 17 હાથીઓ છે, જેમાંથી 16 હાથી વિવિધ અખાડાની માલિકીના છે.
આસામથી જે હાથી લાવવામાં આવી રહ્યાં છે, તે હાથીઓને પૂજાના ઉદ્દેશથી લાવવામાં આવી રહ્યા છે અને તેમને મંદિરના રથ સાથે નહીં જોડવામાં આવે એવું પણ જ્હા જણાવે છે.
 
લોકસભાનાં સાંસદ ગૌરવ ગોગોઈએ આ મામલે પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી દખલ કરવા જણાવ્યું છે.
તેમણે કેન્દ્ર સરકારને આ પરિવહન અટકાવવા માટે પણ ભલામણ કરી છે.
બીબીસીનાં સંવાદદાતા ગીતા પાંડે સાથેની વાતચીતમાં વાઇલ્ડલાઇફ કન્ઝર્વૅશનિસ્ટ કૌશિક બરૂઆએ જણાવ્યું:
"કાયદા અંતર્ગત હાથીઓની હેરફેર કરી શકાય છે અને આ હાથીઓ પણ આવી રીતે જ અમદાવાદ જશે."
"આ અંગેના તમામ દસ્તાવેજો યોગ્ય છે. તેથી કાયદા અંતર્ગત તેમની હેરફેર કરવી કોઈ સમસ્યા નથી."
તેમના મતે હાથીઓનું પરિવહન કાયદા મુજબ જ થઈ રહ્યું છે પણ પ્રાણીકલ્યાણનું શું?
"વૅગન એ 'ક્લાઇમેટ કન્ટ્રોલ્ડ' નથી. વળી તે કલાકના 100 કિલોમીટરની ઝડપે દોડી રહેલી મુસાફર ટ્રેન સાથે જોડવામાં આવશે એટલે પ્રાણીઓની શી દુર્દશા થશે એનો તમને કોઈ અંદાજો છે?"
"હેરફેરની પ્રક્રિયા સંપૂર્ણપણે અમાનવીય છે. તે પ્રાણીઓ માટે જોખમી છે અને અને 'હિટ સ્ટ્રોક' પણ થઈ શકે છે. તેમને આઘાત લાગી શકે અને તેમનું મૃત્યુ પણ થઈ શકે છે."
તેમણે એવું પણ કહ્યું કે જો પ્રાણીઓનું મોકલવા જ હોય તો કોઈ ઠંડી ઋતુમાં મોકલો.
"વાયવ્ય ભારતનો મોટાભાગનો વિસ્તાર 'હિટ વૅવ' સહન કરી રહ્યો છે. ગરમીને કારણે ટ્રેનના પ્રવાસમાં લોકોએ પોતાનો જીમ ગુમાવ્યો છે."
"હાથીઓને મોકલવાનું કોઈ કારણ નથી. ગુજરાતને હાથીઓની જરૂર નથી. વાઇલ્ડલાઇફનો કાયદો હાથીઓને પ્રદર્શિત કરતા અટકાવે છે."
તેમણે એવું પણ કહ્યું, "સર્કસ કે પ્રાણીસંગ્રહાલયમાં હાથીઓ પાસે ખેલ કરાવવાની કાયદો મંજૂરી આપતો નથી તો પછી કર્મકાંડ સરઘસોમાં હાથીઓના ઉપયોગની મંદિરને મંજૂરી કેમ અપાઈ છે?"
"શું હાથીઓને કોઈ હક નથી?"