ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (15:08 IST)

ટ્રાફિકના નિયમો નેતાઓ અને મંત્રીઓ પર કેમ લાગુ નથી થતા?

જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370ને નિષ્પ્રભાવક બનાવવા માટે 'એક દેશ એક કાયદો'નો નારો બુલંદ કરવામાં આવ્યો છે.
નવા મોટર વાહન કાયદાના કડક દંડને યોગ્ય ઠેરવવા માટે નીતિન ગડકરીએ સામાન્ય લોકોને કાયદાના પાલનની સંસ્કૃતિ બનાવવા માટે કહ્યું છે.
ટ્રાફિક પોલીસની સીટી પર રોકાઈને, ગાડીની કિંમતથી વધુ દંડને રાષ્ટ્રીય કર્તવ્ય દર્શાવવામાં આવી રહ્યું છે.
બંધારણની કલમ 21 અંતર્ગત રોડ અકસ્માતમાં થઈ રહેલાં મૃત્યુથી લોકોને બચાવવા એ ચોક્કસ રીતે સરકારની જવાબદારી છે.
પરંતુ કલમ 14 અંતર્ગત કાયદાને સમાન રીતે લાગુ કરવાથી સરકાર કેવી રીતે ઇન્કાર કરી શકે?
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં ગાડીઓ પરથી લાલ-નીલી બત્તી દૂર કરીને વીઆઈપી સંસ્કૃતિને ઓછી કરવાની કોશિશ થઈ હતી.
નવા મોટર વાહન કાયદાનો સામાન્ય લોકો પર એકતરફી અમલ થયો છે. તેનાથી એ સ્પષ્ટ છે કે દેશમાં શાસકવર્ગ એટલે કે નેતાઓ માટે હજુ પણ વિશેષ વ્યવસ્થાનો દોર જારી છે.
પોલીસ અધિકારી જો કાયદો તોડે તો બમણા દંડની જોગવાઈ છે. તો કાયદો બનાવનારા માનનીય નેતાઓ જો કાયદો તોડે તો તેમના માટે પાંચ ગણા દંડની જોગવાઈ કેમ ન હોવી જોઈએ?
 
નેતાઓના ગેરકાયદે રોડ શો
સોશિયલ મીડિયાના ડિજિટલ દોરમાં હવે ચૂંટણી રેલી માટે વાસ્તવિક ભીડ એકઠી કરવી રાજકીય નેતાઓ માટે મોટો પડકાર બની ગયો છે.
એટલે હવે રોડ પરની ભીડમાં જ નેતાઓ રેલીઓ કરી રહ્યા છે, જેને સાદી ભાષામાં રોડ શો કહેવાય છે.
રોડ શોમાં સ્ટારપ્રચારક અને વાહનોના કાફલાનું ટીવીમાં સીધું પ્રસારણ થવાથી દેશભરમાં ચૂંટણીનો માહોલ બની જાય છે.
પરંતુ જો તેને કાયદાકીય રીતે જોવા જઈએ તો રોડ શોમાં ભાગ લેનારાં બધાં વાહનો અને ચાલકોનું સ્થાનિક પ્રશાસન સાથે રજિસ્ટ્રેશન કરાવવાના નિયમની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન પણ અનિવાર્ય છે.
ચૂંટણીપંચના નિયમ પ્રમાણે રોડ શો વૅકેશન કે લોકોને અગવડ ન પડે એવા સમયે આયોજિત થવા જોઈએ.
નિયમ અનુસાર સ્કૂલ, હૉસ્પિટલ, બ્લડબૅન્ક અને અન્ય જરૂરી સુવિધાવાળા વિસ્તારમાં રોડ શોનું આયોજન કરી શકાતું નથી.
રોડ શોના કાફલામાં દસથી વધુ ગાડીઓ ન હોવી જોઈએ. ચૂંટણીપંચ અને સ્થાનિક તંત્રની પરવાનગી વિના આયોજિત થતા આ રોડ શોમાં મોટર વાહન કાયદાની સાથેસાથે આઈપીસી અને અનેક ચૂંટણીના કાયદાઓનું ઉલ્લંઘન થાય છે.
 
આ અરાજકતા રોકવા માટે સામાન્ય ચૂંટણી અગાઉ સીએએસસી સંસ્થાના માધ્યમથી રાજ્યોના ચીફ સેક્રેટરી અને પોલીસ મહાનિદેશકોને રિપોર્ટ મોકલાયા હતા, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ.
હવે હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થનાર છે.
નવા ટ્રાફિક નિયમો અનુસાર રોડ શો દરમિયાન ઍમ્બ્યુલન્સ કે કટોકટી સેવામાં અવરોધ કરતાં વાહનચાલકને 10 હજારથી લઈને પાંચ ગણો દંડ કરવો જોઈએ.
સગીરના ગુના માટે વાલીઓ જવાબદાર હોય તો સમર્થકો કાયદો તોડે તો ઉમેદવારની જવાબદારી કેમ ન હોવી જોઈએ?
ખતરનાક ડ્રાઇવિંગ, હેલ્મેટ ન પહેરવો અને દારૂ પીને રોડ શોમાં ગાડી હંકારનાર સમર્થકો જો કાયદો તોડે તો ઉમેદવારને પણ દંડ ભરવો પડે તો ખરા અર્થમાં દેશમાં કાયદાનું રાજ આવશે.
 
ગેરકાયદે ચૂંટણીરથ
રથયાત્રાના ટ્રૅન્ડની શરૂઆત આંધ્રપ્રદેશમાં એનટી રામારાવે વર્ષ 1982-83માં કરી, જેને અડવાણીએ રાષ્ટ્રવ્યાપી વિસ્તાર કર્યો.
લોકતંત્રમાં પોતાને સેવક કહેનાર દરેક પક્ષના નેતા ભવ્ય સુવિધાજનક આ રથો પર બેસીને લોકોને મળવાનો ઢોંગ કરે છે.
આ રથો પર મોટા પાયે ખોટો ખર્ચ થાય છે, જેનાથી આરટીઓમાં રજિસ્ટ્રેશનમાં કોઈ તકલીફ નથી થતી.
પરંતુ સાચું તો એ છે કે રાજમહેલની ભવ્યતાવાળા ચૂંટણી રથોને મોટર વાહન કાયદા અંતર્ગત માન્યતા નથી.
સામાન્ય લોકો ગાડીમાં નાનો એવો ફેરફાર કરે કે સામાન રાખવા માટે પોતાની ગાડીમાં કોઈ કૅરિયર લગાડે તો શહેરમાં ચલણ ભરવું પડે છે.
ભારે વ્યાવસાયિક વાહનોથી બનેલા ચૂંટણી રથમાં ઊભેલા નેતાઓનું અભિવાદન અને રોડ પર કાર્યકરોની ભીડ ગેરકાયદે છે.
ચૂંટણી રથ અને તેમાં સવાર નેતાઓ સીટ બેલ્ટ નથી પહેરતા, અને વાહનોમાં ઓવરલોડિંગ પર જો દંડ લાગે તો સામાન્ય લોકો પર નિયમો લાદવાનું કદાચ સરળ થઈ જાય!