શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:48 IST)

હવે ગાંધીનગરમાં પણ 'સિંહ દર્શન', જૂનાગઢથી બે સિંહોને ઇન્દ્રોડા પાર્કમાં લવાશે

તમારે હવે સિંહ જોવા માટે છેક ગીર સુધી લાંબુ નહીં થવું પડે.  જૂનાગઢથી સિંહોને ગાંધીનગર ખાતે લાવવામાં આવશે. હકીકતમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગાંધીનગર ખાતે આવેલા ઇન્દ્રોડા પાર્કમાં સિંહોને રાખવાની મંજૂરી મળી આપી દીધી છે. મંજૂરી બાદ હવે બે-ત્રણ દિવસમાં સિંહની એક જોડીને જૂનાગઢના સક્કરબાગ ખાતેથી ગાંધીનગરમાં લાવવમાં આવશે.
સક્કરબાગ ઝૂમાંથી લાવવામાં આવનાર બંને સિંહોને 21 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ દરમિયાન તબીબો અને વન વિભાગના અધિકારીઓ બંને સિંહોની ગતિવિધિથી લઈને તમામ બાબતો અંગે નિરીક્ષણ કરશે. જે બાદમાં લોકો સિંહના દર્શન કરી શકશે. એટલે કે બધુ બરાબર રહ્યું તો મહિના પછી ગાંધીગરમાં પણ સિંહ દર્શન કરી શકાશે.16મી ઓક્ટોબરથી ગીરના જંગલમાં રહેતા સિંહોનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે. આ વર્ષે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને સરકારે પરમિટમાં પણ વધારો કર્યો છે. બીજી તરફ તાજેતરમાં જ દલખાણીયા રેન્જમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ તેમજ અન્ય કારણોને લીધે 23 સિંહોનાં મોત થયા હોવા છતાં સરકાર લોકોને સિંહ દર્શન કરાવવા માટે ઉતાવળી બની હોવાથી સિંહ પ્રેમીઓ નારાજ થયા છે.
ગીર સેન્ચુરીના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. મોહન રામે લીલીઝંડી આપીને સાસણ ગીરમાં સફારીની શરૂઆત કરાવી હતી. દર વર્ષે ગીરનું જંગલ 15મી જૂનથી 16મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેતું હોય છે. આ સમયગાળો સિંહોનો મેટિંગ પિરિયડ હોવાથી તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે સફારી બંધ કરવામાં આવે છે. પ્રવાસીઓએ સિંહ દર્શન માટે આશરે રૂ. 2700નો ખર્ચ કરવો પડશે. આ માટે પરમિટનો ભાવ રૂ. 700 છે, જ્યારે જિપ્સીનું ભાડું રૂ. 1500 અને ગાઇડના રૂ. 400 મળીને કુલ રૂ. 2700નો ખર્ચ કરવો પડશે.