શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2023 (11:02 IST)

ગુજરાતનાં 14 જિલ્લાનાં ખેડુતો માટે મોટી જાહેરાત

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા 14 જિલ્લામાં વસવાટ કરતાં આદિજાતિ ખેડૂતોને પ્રથમ વાર ‘કૃષિ વૈવિધ્યકરણ’ યોજના હેઠળ જાડા ધાન્યના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા ગુણવત્તાયુક્ત બિયારણ-ખાતર વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં ચાલુ વર્ષે 2023-24માં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને બાજરી, જુવાર, નાગલી, મગફળી, સોયાબીન, તુવેર, ડાંગર/ રીંગણ, ભિંડા અને અડદનું ગુણવતાયુક્ત બિયારણ તેમજ ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ યોજનાના પ્રારંભ એટલે કે વર્ષ 2012થી અત્યાર સુધીમાં અંદાજે 13 લાખથી વધુ આદિજાતિ ખેડૂતોની આવક વૃદ્ધિ માટે બિયારણ-ખાતરની કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.  
 
આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરના સીધા માર્ગદર્શનમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ચોમાસું ઋતુમાં આદિજાતિ વસ્તી ધરાવતા વિવિધ 14 જિલ્લાના  નિયત માપદંડ ધરાવતા ખેડૂતોને બિયારણ અને ખાતર આપવામાં આવે છે. વિવિધ જિલ્લા માટે પસંદ કરાયેલા પાક અનુસાર સરેરાશ રૂ.4128/- જ્યારે વધુમાં રૂ. 5400/- સુધીની કિંમતની બિયારણ અને ખાતરની કીટ લાભાર્થી દીઠ રૂ. 500/-નો નજીવો લાભાર્થી ફાળો લ‌ઈને આપવામાં આવે છે.
 
આ ઉપરાંત આદિજાતિ ખેડૂતો પરંપરાગત ઢબે ખેતી કરવાને બદલે સાચા અર્થમાં પાક વૈવિધ્યકરણને અપનાવે તે માટે ખેડૂતોને જી.એસ.એફ‌.સી.એગ્રોટેક લિમિટેડના માધ્યમથી તાલીમ આપવામાં આવે છે. સાથેસાથે આદિજાતિ ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે તે હેતુથી માર્કેટ લિંકેજ માટે પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે એક એકર જમીન માટે આ યોજના અંતર્ગત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પસંદગી કરાયેલા આદિજાતિના ખેડૂતદીઠ 20 કિલો મગફળીનું બિયારણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ખેડૂતદીઠ 25 કિલો સોયાબીન, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં ખેડૂતદીઠ ત્રણ કિલો જુવાર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં ખેડૂતદીઠ 4 કિલો તુવેર, સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં ખેડૂતદીઠ 6કિલો ડાંગર તેમજ 20 ગ્રામ રીંગણનું બિયારણ, સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં ખેડૂતદીઠ બે કિલો ભિંડા, તાપી, વલસાડ અને ડાંગના ખેડૂતોને ખેડૂતદીઠ બે કિલો નાગલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ખેડૂતદીઠ 1.5 કિલો બાજરી તેમજ સુરત અને તાપી જિલ્લાના આદિજાતિ ખેડૂતોને 4 કિલો અડદ એમ કુલ 14 જિલ્લાના 70 હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને બિયારણનો લાભ આપવામાં આવ્યો છે. 
 
બિયારણ ઉપરાંત આ 14 જિલ્લાના આદિજાતિ ખેડૂતોને પાકની યોગ્ય માવજત માટે 500 ગ્રામ નેનો યુરિયાની એક બોટલ, 50 કિલો ડી.એ.પી. તેમજ 50 કિલો PROM (Phosphor Rich Organic Manure)ની કીટ પણ આપવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત જિલ્લો જાહેર કર્યો હોવાથી ડાંગ જિલ્લામાં ત્રણ થેલી પ્રોમ ખાતર આપવામાં આવે છે.  
 
યોજનાનો લાભ કેવી રીતે લેવો ? 
કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ લેવા આદિજાતિ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ https://dsagsahay.gujarat.gov.in/ પર અરજી કરવાની હોય છે. લાભાર્થી પસંદગી પ્રક્રિયા વધુ પારદર્શક બને તે હેતુથી ડી-સેગ દ્વારા વર્ષ 2022-2023થી તમામ આદિજાતિ જિલ્લાઓને ઓનલાઈન પોર્ટલથી જોડવામાં આવ્યા છે, ઓનલાઈન પોર્ટલ કાર્યાન્વિત થવાથી આદિજાતિ ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા રૂબરૂ કચેરી સુધી જવાની જરૂર રહેતી નથી પણ અરજદારની અરજી કરવાથી લઈ લાભ મંજૂર કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈનના માધ્યમથી કરવામાં આવે છે.