શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 30 જાન્યુઆરી 2023 (17:39 IST)

પેપર લીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલ બોલ્યા, આવા બનાવો રોકાવા જોઈએ

hardik patel
ગુજરાતમાં થયેલ પેપરલીક મામલે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ઘટનાનો અમારી વિદ્યાર્થી પાંખ એબીવીપી વિરોધ કરી જ રહી છે. કોઈપણ સંજોગોમાં પેપરલીકના બનાવો રોકાવા જોઈએ. તેના માટે કડક કાયદો લાવવો પડે તો તે પણ લાવવો જોઈએ. વર્ષ 2017માં જામનગરના ધુતારપર ગામમાં મંજૂરી વગર જાહેરસભા સંબોધવા માટે હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો.

આજે આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં હાર્દિક પટેલે જામનગર કોર્ટમાં હાજરી આપી હતી.પેપર લીકકાંડમાં રાજ્યમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓએ આ મુદ્દે અકળ મૌન ધારણ કર્યુ છે. કોઈપણ ઘટના મુદ્દે ટ્વિટ પર ટ્વિટ કરતાં ભાજપના નેતાઓએ આ મુદ્દે હજુ સુધી એક પણ ટ્વિટ કર્યુ નથી. ત્યારે રાજ્યભરમાં એનએસયુઆઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.આ વચ્ચે આંદોલનકારી નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મૌન તોડ્યું છે. આ તેમણે કહ્યું કે, આરોપીને પકડવામાં આવ્યાં છે ત્યારે કાયદાકીય પગલાં લેવાશે અને સરકાર આ મામલે ખૂબ કડક છે.જામનગર તાલુકાના ધુતારપર ધુળસીયા ગામમાં ૨૦૧૭ ની સાલમાં મંજૂરી વિના રાજકીય સભા યોજવા મામલે ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં આજે તારીખ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ અદાલત સમક્ષ હાજર થયા હતા

.૨૦૧૭ ની સાલમાં ધુતારપર-ધુળસીયા ગામમાં એક શાળામાં શૈક્ષણિક સભાની મંજૂરી લેવામાં આવી હતી. જે સભામાં હાર્દિક પટેલે પાટીદાર નેતા તરીકે હાજર રહ્યા પછી રાજકીય સભા અને સંબોધી હતી. જે મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને અદાલતમાં ચાર્જસીટ કરાયું હતું. દરમિયાન આજે અદાલતની તારીખ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ જામનગરની કોર્ટ સમક્ષ હાજર થયા હતા. આ વેળાએ તેઓ સાથે એડવોકેટ દિનેશ વિરાણી પણ જોડાયા હતા.