બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (15:28 IST)

ટીમ ઈંડિયાએ ભગાવ્યુ '36' અને 'ગાભા'નુ ભૂત, તોડ્યો ઓસ્ટ્રેલિયાનો 32 વર્ષની બાદશાહીનો રેકોર્ડ

યુવા સલામી બેટ્સમેન શુભમન ગિલ (91), ટીમ ઈંડિયાની દિવાલ ચેતેશ્વર પૂજારા (56)અને  પ્રતિભાશાળી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (અણનમ 89)ની કરિશ્માઈ બેટિંગથી ભારતે બ્રિસબેનના ગાબા મેદાનમાં ઓસ્ટ્રેલિયાની ચોથા અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના પાંચમા દિવસે મંગળવારે ત્રણ વિકેટથી હરાવીને નવો ઈતિહાસ રચ્યો. ભારતે પહેલીવાર બ્રિસબેનમાં ટેસ્ટ  જીત મેળવી અને ચાર મેચની શ્રેણીને 2-1થી જીતી લીધી. આ મેચમાં જીત નોંધાવતા જ ભારતે એડિલેડ મેદાન પર 36 રન પર ઓલઆઉટ થવાનો ભય અને ગાબા મેદાન પર ઓસ્ટ્રેલિયાની 32 વર્ષની બાદશાહી ખતમ કરી. ઓસ્ટ્રેલિયાએ પોતાની ધરતી પર ગાબામાં અંતિમવાર વર્ષ 1989મા હારનુ મોઢુ જોયુ હતુ. ત્યારબાદથી જ કાંગારૂ ટીમને અહી ક્યારેય કોઈ હરાવી શક્યુ નહોતુ. 
 
ભારતની ગાબા મેદાનમાં સાત  ટેસ્ટ મેચમાં આ પહેલી જીત છે. ભારતે આ મેદાન પર પોતાની અંતિમ છ ટેસ્ટ મેચમાંથી પાંચ હારી હતી અને એક ડ્રો રમી હતી. ગાબા મેદાનમાં ભારતની ઐતિહાસિક જીતના ત્રણ મોટા હીરો રહ્યા. શુભમન, પુજારા અને પંતે મેચના અંતિમ દિવસે એવી બેટિંગ કરી જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. શુભમને 146 બોલમાં આઠ ચોક્કા અને બે છક્કાની મદદથી 91 રનની આક્રમક રમત રમી જેને ભારતને જીતનો આધાર આપ્યો. પુજારાએ દિવાલની જેમ એક છેડો સાચવીને રમતા 211 બોલમાં સાત ચોક્કાની મદદથી 56 રન બનાવ્યા. 
 
પુજારાની આ રમતે પણ ટીમ ઈંડિયાને મજબૂતી આપી અને પંતે 138 બોલમાં નવ ચોક્કા અને એક છક્કાની મદદથી અણનમ 89 રન બનાવીને મુકાબલામાં ભારતની જીતની મોહર લગાવી દીધી. આ ઉપરાંત કપ્તાન અજિક્ય રહાણેએ 24, મયંક અગ્રવાલે નવ રન અને વોશિંગટન સુંદરે 29 બોલમાં બે ચોક્કા અને એક છક્કાના સહારે 22 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા પોતાની સમગ્ર તાકત સાથે બોલિંગ કરવા છતા ટીમ ઈંડિયાનો ઉત્સાહ ડગમગાયો નહી અને ભારતે 2-1ની જીત સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સમાપ્ત કર્યો. ભારતે આ પ્રવાસમાં વનડે શ્રેણી 1-2 થી ગુમાવી પણ કમબેક કરતા ટી-20 થી અને ટેસ્ટ શ્રેણી 2-1થી જેતી લીધી. 
 
ભારતે આ હરીફાઈને જીતવા માટે 328 રનનો લક્ષ્ય મેળવ્યો હતો. ભારતે સવારે જ્યારે કોઈ વિકેટ ગુમાવ્યા વગર ચાર રનથી પોતાની રમત આગળ વધારી તો કોઈને આશા નહોતી કે ભારત ચોથા દાવમાં આટલુ મુશ્કેલ લક્ષ્ય મેળવી લેશે. ભારતીય બેટ્સમેનોએ છેવટે કમાલ કરી બતાવી જેનો કરોડો દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા. ભારતે 97 ઓવરમાં સાત વિકેટ પર 329 રન બનાવીને ઐતિહાસિક જીત નોંધાવી.