રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 માર્ચ 2024 (13:47 IST)

ઇલેક્ટોરલ બૉન્ડ મામલે સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી, 12 માર્ચે જ નામ જાહેર કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બૅન્ચ ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત માહિતી જાહેર કરવાની સમયમર્યાદા વધારવા માટે SBIની અરજી પર સુનાવણી કરી રહી હતી.
 
આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એસબીઆઈને આદેશ આપ્યો છે કે 12 માર્ચ સુધીમાં જ એ નામ જાહેર કરે અને 15 માર્ચ સુધીમાં વેબસાઇટ પર નામ મૂકે.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલે તે વધુ સમય નહીં આપે.
 
આ બૅન્ચનું નેતૃત્વ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ કરી રહ્યા હતા. તેમની સાથે આ બૅન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.
 
સુપ્રીમ કોર્ટે આ પહેલા એસબીઆઈને નામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ એસબીઆઈએ વધુ સમય માગ્યો હતો. એસબીઆઈએ તેની અરજીમાં કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમય માગ્યો હતો.
 
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે જો એસબીઆઈ આપેલા સમયગાળામાં માહિતી જાહેર નહીં કરે તો તેના પર કોર્ટની અવમાનનાનો કેસ થશે.
 
 
સુપ્રીમ કોર્ટે શું-શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, "અમે એસબીઆઈને નામોની યાદી અને રાજકીય પક્ષોનાx નામની યાદીની મેળવણી કરવાનું કહ્યું નથી. માત્ર અમે સાદી નામોની યાદી જાહેર કરવા કહ્યું હતું."
 
આ અંગે એસબીઆઈએ કહ્યું હતું કે જો ઇલેક્ટોરલ બૉન્ડના ખરીદદારો સાથે પાર્ટીનું નામ જોડવાની જરૂર ન હોય તો તે આવનારા ત્રણ અઠવાડિયાંમાં નામ જાહેર કરી શકે છે.
 
પરંતુ જસ્ટિસ ગવઈએ તેના પર કડકાઈથી પૂછ્યું હતું કે તમારે ત્રણ અઠવાડિયાની મુદ્દત શેના માટે જોઈએ છે?
 
તેમણે કહ્યું કે, "રાજકીય પક્ષોએ એનકેશમેન્ટ અંગે પહેલેથી જ માહિતી આપી દીધી છે. ખરીદદારો વિશેની માહિતી પણ પહેલેથી જ ઉપલબ્ધ છે."
 
આવા સંજોગોમાં તમને કોઈ વધુ સમયની જરૂર નથી. એટલા માટે જ નામની યાદી 12મી માર્ચે કામકાજના કલાકો પૂરા થાય એ પહેલાં જ જાહેર કરી દેવામાં આવે.
 
લાઇવ લૉ વેબસાઇટ અનુસાર એસબીઆઈ તરફથી દલીલ કરી રહેલા સિનિયર વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં કહ્યું હતું કે, "અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ માહિતી ગુપ્ત રાખવાની છે. એટલે અમે એ પ્રમાણે અમારું મિકેનિઝમ બનાવ્યું હતું. અમારી કોઈ ભૂલને કારણે વાત બગડે એવું અમે ઇચ્છતા નથી."
 
પણ તેનો જવાબ આપતા જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, "આમાં ભૂલનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. તમારી પાસે કેવાઈસી જાણકારી છે અને તમે દેશની નંબર વન બૅન્ક છો. અમે આશા રાખીએ છીએ કે તમે સારી રીતે તેને હૅન્ડલ કરશો.