બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (17:19 IST)

ઢબુડી માતાની શોધખોળ કરી રહી છે પોલીસ, ફરી આપશે ધનજીને નોટીસ

ધર્મના નામે ધતિંગ કરનાર ‘ઢબુડી મા’ ઉર્ફે ધનજી ઓડ સાથે પેથાપુરમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ ધનજી ઓડ ફરાર થઇ ગયો હતો. જો કે, થોડા દિવસ પહેલા જ ધનજી ઓડ પોલીસ ધરપકડથી બચવા માટે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. ત્યારાબાદ ગાંધીનગર કોર્ટે ધનજી ઓડની આગોતરા જામીન નામંજૂર કરી હતી. જેને લઇને ગાંધીનગર પોલીસ હવે ધનજી ઓડની શોધખોળ સાથે સાથે પોલીસ ફરી એકવાર નોટિસ આપવાની તૈયારી કરી રહી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢડાના ભીખાભાઈ માણીયાએ પોતાના કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. ભીખાભાઈના દીકરાનું 11 માર્ચ, 2016ના રોજ કેન્સરથી મોત થયું હતું. ધનજી ઓડે દાવો કર્યો હતો કે, દવા બંધ કરી દો, તેના આશિર્વાદથી કેન્સર મટી જશે. મૃત્યુના 3 વર્ષ બાદ ફરિયાદ નોંધાવાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
 
ફરિયાદ બાદ પોલીસ હાલ ધનજી ઓડની શોધખોળ શરૂ કરી દીધી હતી. જો કે, પેથાપુર પોલીસની એક ટીમ ધનજી ઓડના ચાંદખેડા ખાતે આવેલા દીપકુંજ નિવાસ્થાને પણ ગઇ હતી જ્યાં ઘરે કોઇ ન મળતાં પોલીસ તેના ઘરની બહાર નોટીસ ચોંટાડી પાછી ફરી હતી. પરંતુ પોલીસ ધરપકડથી બચવા ધનજી ઓડ દ્વારા ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.
 
જો કે ગાંધીનગર કોર્ટમાં કરાયેલા આગોતરા અરજી મામલે ગાંધીનગર કોર્ટમાં 7 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા ધનજી ઓડના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. ધનજી ઓડ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાથી તેને પકડવા માટે હવે પેથાપુર પોલીસની સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ પણ કામે લાગી છે. આ મામલે ગાંધીનગરના ડીવાયએસપી એમ.કે. રાણાનું કહેવું છે કે જે વીડિયો સોશિયલ મીડિયામાં ધનજીએ જે વીડિયો વાયરલ કર્યા છે તેને લઈને પણ સાઇબર ક્રાઇમની મદદ લેવામાં આવી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ધનજી ઓડે એક વીડિયો તૈયાર કરી પોતે નિર્દોષ હોવાની આજીજી કરી છે. ધનજીએ વીડિયોમાં કહ્યું છે કે 'છેલ્લા બે-ત્રણ રવિવારથી ગાદી ભરાઈ નથી. મારા ભક્તો ગાદીના દર્શનની રાહ જોઈ રહ્યા છે. જોકે, હું ભક્તોને કહેવા માંગું છું કે હુ ફરાર થયો નથી. હું નિર્દોષ છું. ભક્તો યોગ્ય સમયની રાહ જોજો, મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ ખોટું કરનારાને મારો રામ સજા આપશે.