રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (14:16 IST)

સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાશે

રાજ્યમાં કોરોના વાઇરસની સુવિધાઓમાં વધારો કરવા ઉપરાંત તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં કોવિડ-19ની સારવાર માટે 9500થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે જેમાં હવે ખાનગી હોસ્પિટલોનો પણ ઉમેરો કરાશે. કલેક્ટર કોરોનાની વિના મૂલ્યે સારવાર માટે ખાનગી હોસ્પિટલોને ડેઝિગનેટ કરશે આવી હોસ્પિટલો સાથે 2 મહિનાનો કરાર કરાશે અને 15 લાખ રૂપિયા એડવાન્સ ચૂકવાશે. ઓપીડી કન્સલ્ટેશન અને દવાઓ તેમજ એક્સ રે, લોહીની તપાસ માટે 200 રૂપિયા દર્દી દીઠ ચૂકવવામાં આવશે. ઓપીડી એમડી દ્વારા ચલાવવાની રહેશે. દવાઓ પણ દર્દીઓને વિનામૂલ્યે આપવાની રહેશે. જ્યારે ઇનડોર માટે આઇસોલેશન બેડના 1800 રૂપિયા પ્રતિદિનથી લઇને આઇસીયુ અને વેન્ટીલેટર જેવી સુવિધાઓ માટે 4500 રૂપિયા પ્રતિદિનનો ખર્ચ હોસ્પિટલને ચૂકવાશે. ખાલી રહેલી પથારી માટે પણ પ્રતિદિન રૂ. 720થી 1800 ચૂકવવામાં આવશે. આ દરોમાં બેડ ચાર્જ, ડોક્ટર વિઝીટ ફી, નર્સીંગ ચાર્જ, દવાઓ, લેબોરેટરી તેમજ રેડિયોલોજી તપાસ, દર્દીના ચા-નાસ્તો, ભોજન, રજા આપ્યા બાદ પાંચ દિવસ સુધીની દવા સહિતના ખર્ચનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલોને સરકાર દ્વારા દરરોજ ટ્રીપલ લેયર માસ્ક, એન-95 માસ્ક, પીપીઇ કીટ અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન ગોળીઓ પણ પૂરી પાડવામાં આવશે.