બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ઑગસ્ટ 2020 (13:06 IST)

રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટયું : ૬ તાલુકાઓમાં બે ઈંચ થી ત્રણ ઈંચ જેટલો વરસાદ

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૬મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૧ જિલ્લાના ૧૪૫ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણઘટયુ છે ત્યારે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઈંચથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ૭૨ મી.મી. એટલે કે ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 
 
જયારે લખપતમાં ૬૯ મી.મી., વાવમાં ૬૨ મી.મી., ધાનેરામાં ૫૩ મી.મી., દિયોદર-લાખણીમાં ૫૧ મી.મી. એટલે કે બે થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત અમીરગઢમાં ૪૭ મી.મી., સુઈગામમાં ૪૪ મી.મી., અંજાર-થરાદમાં ૪૨ મી.મી., કાંકરેજમાં ૪૦ મી.મી., વિજયનગરમાં ૩૭ મી.મી., ડીસામાં ૩૪ મી.મી. દાતા-દાંતીવાડા અને વડાલીમાં ૨૯ મી.મી., ગાંધીધામમાં ૨૮ મી.મી. અને પાલનપુર તાલુકામાં ૨૭ મી.મી. એટલે કે એક થી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 
 
જયારે ૨૮ તાલુકામાં અડધા થી એક ઈંચ જેટલો તેમજ ૯૮ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો-સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૭.૬૧ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૧૯.૨૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪૧.૫૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૪.૯૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૨.૬૮ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૫૮ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
 
રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૪૧,૬૨૭ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ જળસંગ્રહ શક્તિના ૭૨.૩૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના ૯૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત સરદાર સરોવર સહિત ૭૩ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. ૧૬ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૧૪ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા ૧૦ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.  
 
રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૨૮૮ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૨૪૦ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.