ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ઑગસ્ટ 2020 (12:21 IST)

મેડિકલના 5 હજાર વિદ્યાર્થીઓએ ઘરે ઘરે જઈ કોરોનાના ટેસ્ટ કરવા પડશે

હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ મેડિકલ અને પેરા મેડિકલના પાંચ હજાર વિદ્યાર્થીઓને કોરોનાની ફિલ્ડ ડ્યૂટી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ વિદ્યાર્થીઓ ઘરે ઘરે જઈને ટેસ્ટ કરશે. તેમને પાંચથી છ દિવસની તાલીમ આપી દૈનિક રૂ. 500 સ્ટાઇપેન્ડ આપવાનો પણ નિર્ણય કરાયો છે. શહેરમાં કોરોનાના કેસોની શરૂઆતમાં મેડિકલના 300 વિદ્યાર્થી જ કોવિડ ડ્યૂટીમાં હતા. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, હવે મેડિકલ, ડેન્ટલ કોલેજ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા ઇન્ટર્નની સેવાઓ કોરોના સામેની લડાઈમાં લેવાશે. તેમાં એમબીબીએસના બીજા, ત્રીજા, ચોથા વર્ષના વિદ્યાર્થીઓ તથા ઇન્ટર્ન, ડેન્ટલના પણ બીજા ત્રીજા, ચોથા વર્ષના વિદ્યાર્થીઓ, નર્સિંગના પણ બીજા, ત્રીજા, ચોથા વર્ષના વિદ્યાર્થીઓને આ કામગીરીમાં જોડાશે. આ વિદ્યાર્થીઓની કોલેજો શરૂ થાય કે નિયમિત વર્ગો શરૂ થાય ત્યાં સુધી સેવાઓ ચાલુ રહેશે. ડાયાબિટિસ, હ્રદયની બીમારીથી ગ્રસ્ત વિદ્યાર્થીને આ ડ્યૂટીમાંથી મુક્તિ અપાશે. વિદ્યાર્થીઓએ હવે આ ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે.ફિલ્ડ સર્વેલન્સ કરવું પડશે,સુપરવિઝન કરવાનું રહેશે, સંક્રમણ અટકાવવા તથા નિયંત્રણમાં લેવા માટે પગલાં, ટેસ્ટિંગ કરવાનું રહેશે, મનોચિકિત્સક અને સામાજિક સંભાળ પ્રકારની કામગીરી, નર્સિંગ આસિ.ની કામગીરી, લક્ષણો ન હોય તેવા અને ક્વોરન્ટાઇન કરાયેલા દર્દીઓની તપાસની કામગીરી, લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓને શોધવાની કામગીરી, હોમ આઇસોલેશનમાં હોય તેવા દર્દીઓની સંભાળ લેવી, શહેરની 26 કોલેજના વિદ્યાર્થીઓ જોડાશે. શહેરમાં મેડિકલની 6 કોલેજો આવેલી છે તેમ જ ડેન્ટલની 3 કોલેજ છે. જ્યારે નર્સિંગની 17 કોલેજ છે. આ કોલેજોમાં મેડિકલમાં 1200 વિદ્યાર્થી, ડેન્ટલમાં 300 વિદ્યાર્થી જ્યારે નર્સિંગમાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં પ્રથમ વર્ષના 500થી વધુ વિદ્યાર્થીઓને બાદ કરતાં બાકીનાં વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ કામમાં જોતરવામાં આવી શકે છે.