લક્ષ્મણે અલવિદા કહીને પસંદગીકારોને આકરો સંદેશ આપ્યો - ગાંગુલી
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે આપેલા યોગદાનને સલામ કરતાં કહ્યું છે કે, લક્ષ્મણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને પસંદગીકર્તાઓને આકરો સંદેશો આપ્યો છે.ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીને લક્ષ્મણની વિદાય સીરિઝ બનાવીને રજૂ કરવામાં આવી હતી. પણ લક્ષ્મણે આકરો નિર્ણય લઇને યોગ્ય નિર્ણય લીધો છે. લક્ષ્મણનો આ નિર્ણય ર૦૦ ટકા સાચો છે. હું તેને સલામ કરું છું.પૂર્વ કેપ્ટને કહ્યું કે, પસંદગીકર્તાઓએ ન્યૂઝીલેન્ડ સામે ટીમ પસંદ કરતાં પહેલાં જ લક્ષ્મણને જણાવી દેવું જોઇતું હતું કે આ તેની વિદાય શ્રેણી હશે. ગાંગુલીએ કહ્યું કે, લક્ષ્મણ જેવા ખેલાડી પાસે એ અપેક્ષા ન રાખી શકાય તે માત્ર બે ટેસ્ટ માટે આકરી મહેનત કરીને પોતાને ફીટ રાખે.ગાંગુલીએ કહ્યું કે, પસંદગીકર્તાઓએ આ મહિને જ આનો ખુલાસો કર્યો, જેનાથી મને ખૂબ આશ્ચર્ય થયું છે. મને લાગે છે કે આનાથી લક્ષ્મણ પણ ખૂબ દુઃખી થયો છે. વિદેશી પ્રવાસોમાં ભારતની હાર માટે માત્ર લક્ષ્મણને જ જવાબદાર ન ગણી શકાય.