ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું વડોદરામાં નિધન
Former Indian team captain Dattajirao Gaikwad passed away in Vadodara
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે (13 ફેબ્રુઆરી) વડોદરામાં તેમના નિવાસસ્થાને 95 વર્ષની વયે અવસાન થયું છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પોતાના એક્સ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી. ગાયકવાડ બોમ્બે યુનિવર્સિટી અને બરોડાની મહારાજા સયાજી યુનિવર્સિટી માટે પ્રારંભિક ક્રિકેટ રમ્યા હતા. તેણે લીડ્ઝ ખાતે 1952ના ઈંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ ટેસ્ટમાં તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
તેમના પરિવારના એક સૂત્રએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના ICUમાં દાખલ હતા. પરંતુ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, દત્તાજીરાવ ગાયકવાડ પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડના પિતા પણ હતા.ગાયકવાડે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 18.42ની એવરેજથી 350 રન બનાવ્યા હતા. 1952માં ડેબ્યૂ કરનાર ગાયકવાડે 1959માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. જો કે તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ તમામ 5 મેચ હારી ગઈ હતી.
દત્તાજીરાવ ગાયકવાડ 2016માં ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા. તેમના પહેલા દીપક શોધન ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. ભૂતપૂર્વ બેટ્સમેન શોધનનું 87 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું છે.દત્તાજીરાવ ગાયકવાડનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર વેસ્ટ ઈન્ડિઝ સામે 1959માં નવી દિલ્હી ખાતે 52 રનનો હતો. સ્થાનિક સર્કિટમાં ગાયકવાડ રણજી ટ્રોફીમાં બરોડા માટે સ્ટાર ખેલાડી હતો. જ્યાં તે 1947 થી 1961 સુધી રમ્યો હતો. તેણે 14 સદીના આધારે કુલ 3139 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર મહારાષ્ટ્ર સામે અણનમ 249 રન હતો.