મંગળવાર, 10 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 જાન્યુઆરી 2021 (16:22 IST)

ભારતીય ક્રિકેટર હાર્દિક-કૃણાલપંડ્યાએ પિતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પિતાને કાંધ આપી

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટરબંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું, જેથી કૃણાલ પંડ્યા હાર્દિક બંને પુત્રો ઘરે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરિવાર, સંબંધીઓ સહિતના હાજર રહ્યા હતા. જ્યારે બંને દીકરાએ પિતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાંધ આપી હતી. બાદમાં વડી વાડી ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યાં હતાં.બરોડા ક્રિકેટ એસોસિએશન મીડિયા કમિટિના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત હતી. આજે સવારે 4 વાગ્યે હાર્ટ એટેક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં જ નિધન થયું હતું. ત્યારબાદ ઘરે લઈ આવ્યા હતા.

વડોદરાના ભાયલી રોડ ખાતે આવેલા ઘરેથી અંતિમયાત્રા કાઢી વડીવાડી સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતાં. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપેર કિરણ મોરે પણ પહોંચ્યા હતા.હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.