લાઈવ શો માં શોએબ અખ્તરનુ અપમાન, ટીવી એંકરે કહ્યુ - તમે શો છોડીને જતા રહો, ચાલુ શો માં જ આપવુ પડ્યુ રાજીનામુ
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર એ સમયે વિવાદોમાં આવી ગયા જ્યારે તેમને એક ટીવી કાર્યક્રમને વચ્ચેથી જ છોડીને ક્રિકેટ વિશ્લેષક તરીકેના તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ કારણ કે સરકારનિયંત્રિત પીટીવીના હોસ્ટ દ્વારા તેમને બહાર નીકળવાનું કહેવામાં આવ્યુ.
અખ્તરે કહ્યું કે મંગળવારે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટની જીત બાદ ઈવેન્ટના હોસ્ટે તેની સાથે ખરાબ વર્તન કર્યું અને તેનું અપમાન કર્યું.
પાકિસ્તાન માટે 46 ટેસ્ટ અને 163 વનડે રમનાર 46 વર્ષીય અખ્તર ઉઠ્યો, પોતાનો માઈક્રોફોન હટાવીને ચાલ્યો ગયો. શોના હોસ્ટ નૌમાન નિયાઝે તેને પાછા બોલાવવાનો પ્રયાસ કર્યો ન હતો અને કોઈ પ્રતિભાવ દર્શાવ્યો ન હતો અને શો ચાલુ રાખ્યો હતો. પરંતુ કાર્યક્રમના અન્ય મહેમાનો સર વિવિયન રિચર્ડ્સ, ડેવિડ ગોવર, રાશિદ લતીફ, ઉમર ગુલ, આકિબ જાવેદ અને પાકિસ્તાન મહિલા ટીમની કેપ્ટન સના મીર હેરાન હતા.
અખ્તરના કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા બાદ સોશિયલ મીડિયા પર હંગામો થયો હતો અને લોકોએ નિયાઝને માફી માંગવા કહ્યું હતું. અખ્તર અને નિયાઝ વચ્ચેની દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. અખ્તરે બુધવારે ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી. અખ્તરે ટ્વિટ કર્યું, 'સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો આવી રહ્યા છે તેથી મને લાગ્યું કે મારે મારી સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. નોમાને અસભ્યતા બતાવી અને તેણે મને શો છોડવા કહ્યું.
શોએબ અખ્તરે કહ્યું, 'આ ખૂબ જ શરમજનક હતું કારણ કે તમારી સાથે સર વિવિયન રિચર્ડ્સ અને ડેવિડ ગોવર જેવા દિગ્ગજો હતા અને મારા કેટલાક સમકાલીન અને વરિષ્ઠ લોકો પણ સેટ પર બેઠા હતા અને લાખો લોકો કાર્યક્રમને જોઈ રહ્યા હતા.' અખ્તરે કહ્યું, 'મેં એવુ કહીને દરેકને શરમથી બચાવવાનો પ્રયાસ કર્યો કે હું પરસ્પર સમજણથી નૌમાન સાથે મજાક કરી રહ્યો છુ અને નૌમાન પણ નમ્રતાથી માફી માંગશે અને અમે કાર્યક્રમ ચાલુ રાખીશું. તેણે માફી માંગવાની ના પાડી. એ પછી મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે અખ્તરે યજમાનના પ્રશ્નની અવગણના કરી અને ઝડપી બોલર હારિસ રાઉફ વિશે વાત કરી અને પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી લાહોર કલંદર્સ અને તેના કોચ આકિબની પ્રશંસા કરી.