IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત; રોહિત શર્મા બન્યા કેપ્ટન,વિરાટ કોહલીને મળ્યો આરામ
ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ટાઈટલ જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવતી આ ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ હારીને બહાર થઈ ગઈ હતી. જો કે, હવે તે કડવી યાદોને ભૂલી જવાનો અને ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટી20 શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, ચેતન શર્માની આગેવાનીમાં સિલેક્શન કમિટિએ ભારતીય ટીમની જાહેરાત કરી. રોહિત શર્માને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર અવેશ ખાન અને હર્ષલ પટેલની ટી-20 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને પણ ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આ ત્રણેય ખેલાડીઓએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનુ ઈનામ તેમને પસંદગીકારોએ આપુ છે. વેંકટેશ અય્યરની ટીમમાં પસંદગી ખરેખર મોટા સમાચાર છે કારણ કે આ ખેલાડી IPL 2021માં જ પ્રથમ વખત મોટા મંચ પર જોવા મળ્યો હતો. વેંકટેશ અય્યરે બહુ ઓછા સમયમાં પસંદગીકારોને પ્રભાવિત કરીને ટીમમાં સ્થાન બનાવ્યુ. તેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
ભારતીય T20 ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર , દીપક ચાહર , હર્ષલ પટેલ , મોહમ્મદ સિરાજ.
8 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો
ટી20 વર્લ્ડ કપ 2021માં રમી રહેલા 8 ખેલાડીઓને ન્યુઝીલેન્ડ ટી20 સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજાના નામ સામેલ છે. આ સિવાય શાર્દુલ ઠાકુર, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તીને પણ T20 ટીમમાં સ્થાન મળ્યું નથી.