અમદાવાદમાં AMCના નિવૃત્ત કર્મચારી સાથે પોસ્ટ એજન્ટે રૂપિયા 27 લાખની છેતરપિંડી કરી
અમદાવાદમાં AMCના નિવૃત્ત કર્મચારી સાથે પોસ્ટ એજન્ટે રૂપિયા 27 લાખની છેતરપિંડી કરી છે. જેમાં લેભાગુ પોસ્ટ એજન્ટ તેજસ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ કરવામાં આવી છે. તેમજ 18 લાખ ટર્મ સ્કીમમાં રોક્યાની પોસ્ટની બોગસ પાસબૂક આપી છેતર્યા હતા.
આરોપીએ ફરિયાદીના સહી કરેલા ચેકોથી નવ લાખ ઉપાડી લીધા હતા.નારણપુરા પોસ્ટ ઓફિસના લેભાગુ પોસ્ટ એજન્ટ તેજસ શાહ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ ક્રાઈમબ્રાંચમાં સોમવારે રાત્રે નોંધાઈ છે. જે મુજબ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના પાવર પ્લાન્ટ વિભાગમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીએ પોસ્ટમાં નાણાં રોકવા માટે તેજસ શાહનો સંપર્ક કર્યો હતો. આરોપીઓ શરૂઆતમાં વિશ્વાસ જીતી ફરિયાદી પાસે રોકાણ કરાવ્યું બાદ પાકતી મુદતે ફરિયાદીએ વિશ્વાસ મુકીને આપેલા સહી કરેલા ચેકોથી નવ લાખ ઉપાડી લીધા હતા.
આ ઉપરાંત ફરિયાદીની પત્ની અને પુત્રના નામે ટર્મ ડિપોઝીટ સ્કીમમાં 18 લાખ રોક્યાની બોગસ પાસબૂક આપી છેતરપિંડી આચરી હતી. ઠગદંપતી નિવૃત્ત વૃદ્ધના રૂ.27 લાખ ચાંઉ કરી ગયું હતું. નવા વાડજમાં ગણેશ કોલેજ પાસે ચંદ્રભાગા રો હાઉસમાં રહેતાં અને એએમસીમાંથી નિવૃત્ત થયેલા અમૃતલાલ મનસુખબાઈ કોષ્ટી (ઉં,70)એ ક્રાઈમબ્રાંચમાં તેજસ જશવંતલાલ શાહ અને તેની પત્ની ગીરાબહેન જશવંતલાલ શાહ રહે, પત્રકાર કોલોની, વિજયનગર, નારણપુરા સામે ફરિયાદ કરી છે. જે મુજબ નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે ઓફિસ ધરાવી પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા તેજસ શાહ અને તેની પત્નીએ ફરિયાદીના નિવૃત્તીના નાણાં રોકવા માટે અલગ અલગ સ્કીમો આપી હતી.