ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 13 એપ્રિલ 2022 (11:00 IST)

10 લાખની ખંડણી માટે ગોળી મારી વૃદ્ધની હત્યા, ખંડણીખોરોના પરિવાર પર ફોન ચાલુ રહેતાં ખૂન થયાનો પર્દાફાશ

10 લાખની ખંડણી વસૂલવાના ઇરાદે ટંકારામાં પ્રૌઢને 6 દિવસ પહેલાં દિન દહાડે માથામાં ફાયરિંગ કરીને પતાવી દેવાયા અને ડોક્ટર કે પોલીસને ખબર જ ન પડી કે પ્રૌઢને ગોળી ધરબીને પતાવી દેવાયા છે, જ્યારે ખંડણીખોરોના ફોન પ્રૌઢનાં પરિવારજનો પર, બાજુની દુકાનના માલિકો પર આવવાના શરૂ થયા ત્યારે આખી આ સનસનીખેજ ઘટનાનો પર્દાફાશ થયો હતો અને પોલીસને ફરિયાદ લેવાની અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની ફરજ પડી હતી.

કોઇપણ થ્રિલર ફિલ્મની સ્ટોરી હોય, તેવી ઘટના ટંકારામાં 6 દિવસ પહેલાં બની અને ભરી બજારમાં પાન બીડીના હોલસેલના ધંધાર્થીનું ખંડણી વસુલવાના ઇરાદે ફાયરિંગ કરી હત્યા કરી દેવાયા બાદ, હત્યારાઓ તો પાતાળમાં પેસી ગયા અને પરિવારજનોએ જે તે સમયે તેમના મોભીનું હાર્ટ એટેકથી કુદરતી મોત થયું હોવાનું સમજી પોલીસ અને તબીબને પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડીને અગ્નદાહ આપી દીધો. બાદમાં ખંડણીખોરોએ ખરું પોત પ્રકાશ્યું હતું અને તેમના પુત્ર પાસે ખંડણી માગવાનું શરૂ કર્યું અને જણાવ્યું કે, જો તારા પિતાને અમે જ ફાયરિંગ કરીને પતાવી દીધા છે, તું પૈસા નહીં આપે તો તારા પણ આવા જ હાલ થશે.  આ ઘટના બાદ ટંકારા પોલીસ વધુ હરકતમાં આવી હતી અને ભોંભીતર થઇ ગયેલા આરોપીઓના સગડ મેળવવાનું શરૂ કરી આ લખાય છે ત્યાં સુધીમાં છ આરોપીને ઉઠાવી લીધા છે અને હથિયાર આપનાર એક આરોપીની ધરપકડ કરવા તજવીજ આરંભી છે.

સનસનીખેજ બનાવની વિગતો એવી છે કે ટંકારા ધ્રોલ હાઇવે પર ધંધો ધરાવતા અરવિંદ કકાસણીયા 6 એપ્રિલે દુકાન ખોલીને બેઠા હતા , અને ત્યારે અચાનક અમુક શખ્સોએ ધસી આવી ફાયરિંગ કરતાં તેઓ ઢળી પડ્યા હતા અને આરોપીઓ તકનો લાભ લઇ નાસી ગયા હતા. આસપાસના લોકોએ પોલીસને અને પરિવારજનોને જાણ કરી હતી અને જે તે સમયે પરિવારજનોને એવું લાગ્યું કે હાર્ટએટેક આવ્યો હશે અને માથામાં ટેબલનો ખુણો લાગ્યાથી ઇજા થઇ હશે.પોલીસે અને તબીબને પણ જાણ ન થઇ કે પ્રૌઢનું મોત ગોળી ધરબી દેવાથી થયું છે. આથી મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દેવાયા, ખરી કહાની હવે જ શરૂ થઇ અને અરવિંદભાઈના પુત્ર હરેશભાઇ પર 10મી એપ્રિલે એવો ફોન આવ્યો કે 10 લાખ ન આપનારા તમારા પિતાને અમે જ ફાયરિંગ કરીને પતાવી દીધા છે, જો તું નહીં આપે તો તારા પણ એવા જ હાલ થશે. આ બાબતને હરેશે પહેલાં તો ગણકારી નહીં, પરંતુ સતત બીજા દિવસે આવો ફોન આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ પણ સતર્ક બની ગઇ હતી.

ખંડણીખોરોને પકડી લેવા પોલીસે ટ્રેપ ગોઠવી અને હરેશે આરોપીઓને ટંકારા સર્કિટ હાઉસ પાછળ રાતે 10 લાખ લેવા બોલાવ્યા અને પોલીસ સાદા વેશમાં ત્યાં ગોઠવાઇ ગઇ, પરંતુ કોઇ પણ રીતે આરોપીઓને જાણ થઇ જતાં આવ્યા ખરા, પછી નાસી ગયા. કહાનીમાં ટ્વીસ્ટ હવે આવ્યો કે ખંડણીખોરોએ 11મીએ અરવિંદભાઈના પુત્રને બદલે મિતાણા ગામના પટેલ અશોકભાઈ મોહનભાઈ મુછાળા પર ખંડણી માટે ફોન કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે ખાનગી શાળામાં ભણતા માસૂમ બાળક સહિત પરિવારના સભ્યોને પતાવી દઇશું.આથી આ વ્યક્તિએ ટંકારા પોલીસનો સંપર્ક કર્યો, જો કે પોલીસ સાબદી તો પહેલેથી જ હતી અને સીસીટીવી ફૂટેજ અને ફોન કરનાર શખ્સની ભાષાની બારીકાઇથી તપાસ કરતાં એક શંકાસ્પદ કચ્છી શખ્સની ઓળખ મળી, જે ઓળખાઇ ગયો અને પોલીસે હર્ષિત ઢેઢીને ઉઠાવી લીધો અને ખુબ લમધાર્યા બાદ હર્ષિતે વટાણા વેરી નાખ્યા હતા. જેણે ફાયરિંગ કરનાર યુવાન સહિત તમામના નામ પોલીસને આપી દેતાં પોલીસે 6 આરોપીને ઉઠાવી લીધા. જો કે આ શખ્સોને હથિયાર આપનાર શખ્સ હજુ પોલીસ પહોંચની બહાર છે. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ આરંભી છે.