બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 જાન્યુઆરી 2021 (11:28 IST)

માધવસિંહ સોલંકીના નિધન અંગે સીએમ રૂપાણીએ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ.માધવસિંહ સોલંકીના અંતિમસંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે, સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.રાજ્યપાલે સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, સ્વ.સોલંકીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. તેમની સાહિત્ય પ્રીતિ, વહીવટી કુશળતા અને વિકાસલક્ષી અભિગમ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, સ્વ. સોલંકીના અવસાનથી ગુજરાતે એક કાર્યદક્ષ રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે અને ગુજરાતના જાહેરજીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. રાજ્યપાલે પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.