મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (09:32 IST)

અમદાવાદમાં જીવતાનું ડેથ સર્ટિફિકેટ આપી વીમાના 32 લાખ હડપનારા ચાર ઝડપાયા, યુવકે પોલિસી ચેક કરી ત્યારે ભાંડો ફૂટ્યો

અમદાવાદમાં ઘાટલોડિયા સીપી નગરમાં રહેતા યુવકનું બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને વીમા કંપનીમાંથી ડેથ કલેમ પાસ કરાવીને પોલિસીના રૂ.32.50 લાખ ઉપાડી લેનારા ચાર ગઠિયાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

સીપી કોલોની વિભાગ 2 માં રહેતા અને બરફનો વેપાર કરતા નીશીત પટેલે આદિત્ય બીરલા સન લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં તેમના પિતા સુમનભાઈના નામે ડ્રીમ પ્લાન હેઠળ બે પોલિસી લીધી હતી. બાદમાં નિશિતભાઈએ બીજી બે પોલિસી ફોરેસાઈટ પ્લાન હેઠળ તેમના પોતાના નામે લીધી હતી જેનું વાર્ષિક પ્રીમિયમ રૂ.1 લાખ ભરતા હતા. જો કે છેલ્લે ફેબ્રુઆરી 2020માં પોલિસીનું સ્ટેટસ જોયું હતું. બાદમાં 21 જાન્યુઆરીએ તેમની પોલિસીનું સ્ટેટસ જાણવા માટે આંબાવાડી પાસે આવેલ પંચરત્ન કોમપ્લેક્ષમાં ગયા હતા અને મેનેજર પ્રતિકભાઈને મળ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, તેમની બંન્ને પોલિસીમાં ડેથ ક્લેમ પાસ કરી દેવામાં આવે છે. જો કે નીશીતભાઈએ કહ્યું કે હું જીવિત હોવા છતાં તમે કંઈ રીતે ડેથ કલેમ પાસ કર્યો છે. જો કે મેનેજરે આ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશિતભાઈની પોલિસી પાસ કરાવવા માટે નિશિતભાઈનું ખોટું ડેથ સર્ટિફિકેટ સહિતના અન્ય ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપનીમાં રજૂ કરી 32.50 લાખનો ડેથ કલેમ પાસ કરાવી લીધો હતો.આ અંગે નિશિતભાઈએ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી ફારુકહુસેન મીરઝા (40), સંજયસિંહ સોલંકી (40), રોહિત સોલંકી ( 35) અને રાજેશભાઈ વ્રજલાલ રાઠોડની ધરપકડ કરી તેમણે કેવી રીતે આ ક્લેમ પાસ કરાવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.