સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:51 IST)

ટિકિટ ફાળવણીમાં ભાજપમાં ભડકો, અંતિમ ફેંસલો પીએમ મોદી પર છોડાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીના મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થતાં ઉમેદવારોની પસંદગીનો મુદ્દો અટવાતા  ઉમેદવારોની પસંદગીનો આખરી નિર્ણય વડાપ્રધાન નેરન્દ્ર મોદી પર છોડવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ભાજપના નેતાઓ ઉમેદવારોના મુદ્દે અનેક બેઠકો અને એનાલિસીસ કરી રહ્યાં છે, પરંતુ આ ચૂંટણીમાં આનંદીબેન અને અમિત શાહ વચ્ચેની જૂથબંધીથી વિવાદની શક્યતા હોવાથી મામલો ગૂંચવાયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત તરફની વધુ નજર અને વારંવારની ગુજરાત મુલાકાતોથી ભાજપના કાર્યકરો અને ટિકિટવાંછુઓ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. બીજી બાજુ, આનંદીબેન પટેલ જૂથ પણ બેન ટિકિટ અપાવશે તેની રાહ જોઇને બેઠા છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, 182 બેઠકોમાંથી આનંદીબેને 52 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખવાની માંગણી સીધા જ વડાપ્રધાન સમક્ષ કરી હતી. ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ આનંદીબેનના સમર્થક 52 ઉમેદવારોને ટિકિટ આપવા મામલે ચર્ચા થઇ હતી. જેમાં 45 નામો પર સહમતિ સધાઇ હતી. પરંતુ 7 નામો પર હજુ સુધી કોઇ નિર્ણય ન થતાં મામલો ગૂંચવાયો છે. પાર્લામેન્ટરી બોર્ડમાં આનંદીબેન પટેલને આમંત્રણ હોવા છતાં તેઓ દિલ્હી ગયા ન હતા.