ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2017 (12:59 IST)

મુસ્લિમ બિરાદર હાર્દિક પટેલની માનતા પૂરી કરવાં પગપાળા અજમેર જશે

ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ યુવાનોએ પ્રવેશ કર્યો છે તેનાથી આજની યુવાપેઢીમાં એક નવી આશા પેદા થઇ છે. ઘણાં વર્ષોથી ભાજપની સરકાર દ્વારા જે અન્યાયી, લોકશાહી વિરોધી જે શાસન ચાલતું હતું તેને પડકારીને આ યુવાનોએ જે હિંમત બતાવી છે તે ખરેખર કાબિલેદાદ છે. આ ત્રણ યુવાનો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીનાં કારણે ગુજરાતનો યુવાન સત્ય સમજતો થયો છે, હવે તે શોષણખોરીથી ભરપુર ફિક્સ પગારની સરકારી નોકરી કરવાં નથી માંગતો,

મોંઘી ફી ભરીને બેરોજગાર નથી રહેવાં માંગતો. જો કે આ વાત ભાજપને હજમ ના થઇ હોય તેમ કુપ્રચાર શરુ કરી દીધો કે આ ત્રણેય યુવા નેતાઓ સમાજને તોડવાનું કામ કરે છે, જાતિવાદ ફેલાવે છે. હવે આ ભાજપ જે ચુંટણી જીતવા હિંદુ મુસ્લિમ વચ્ચે ઝગડા કરાવતી હતી તેના મોંઢે આ વાત શોભે તેવું લાગતું નથી. પોતાના સમાજ અને સમગ્ર ગુજરાતના હક માટે લડવું તે જાતિવાદ નથી. ભાજપના આ આક્ષેપોનો જવાબ આપતાં સુરતના મહમદભાઈ ડ્રાઈવરે એક અનોખી કોમી એકતાની મિસાલ પેશ કરી હતી. મહમદભાઈએ હાર્દિક પટેલ માટે સુરતથી અજમેર માથું ટેકવાની માનતા માની હતી એટલે હવે તેઓ પોતાની માનતા પૂરી કરવાં માટે પગપાળા નીકળ્યાં છે. એક મહિનાની રજા લઈને નીકળેલા મોહમ્મદભાઈ આશરે 20થી 22 દિવસ પગપાળા ચાલીને અજમેર શરીફ પહોંચશે. તેઓએ હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જેલમાં હતાં ત્યારે આ માનતા રાખી હતી હવે તેઓ ૭૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી પૂરી કરશે. આમ ગુજરાતમાં આવી કોમી એખલાસ અને યુવાનેતાઓ પ્રત્યેની લાગણી લોકોમાં જોવાં મળી રહ્યો છે તે આ ગુજરાતના ત્રણ યુવાન દીકરાઓને આભારી છે. ગુજરાત હજુ સુધી ગાઢ ઊંઘમાં હતું પણ હવે એ લોકો જાગી ગયાં છે યુવાનોએ નાત જાત અને ધર્મના બંધનો ફગાવીને માનવતાંની એક અનેરી મહેક પ્રસરાવી છે.