શપથ સમારોહમાં એક સાથે આવ્યાં ગુજરાતના ચાર પૂર્વ મુખ્યપ્રધાનો
વિજય રૂપાણી સરકારના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ગુજરાતના ચાર પુર્વ મુખ્યપ્રધાનો એક સાથે મંચ ઉપર ઉપસ્થિત હોય તેવો સંયોગ રચાયો હતો. સમારંભની શરૂઆત પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી મહાનુભાવોનું અભિવાદન જીલતા આગળ વધ્યા ત્યારે એક સ્થળે તેમનો ચહેરો એકદમ પ્રફુલીત થઈ ગયો હતો. તેની પાછળનું કારણ એવુ હતું કે નરેન્દ્ર મોદીની નજર એક જ હરોળમાં એક સાથે બેઠેલા પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાધેલા ઉપર પડી હતી.
નરેન્દ્ર મોદી તેમની નજીક પહોંચ્યા ત્યારે ત્રણે પુર્વ મુખ્યમંત્રીઓ પોતાના સ્થાને ઊભા થઈ ગયા હતા, બાપુ અને કેશુભાઈ પટેલ બંન્ને નેતાઓને મોદીએ એક સાથે પકડી થોડીક ક્ષણે ગુફતેગુ કરી હતી. આ વખતે સમારંભમાં હાજર તમામનું ધ્યાન આ ચારે પુર્વ મુખ્યમંત્રીઓ તરફ હતું. ગુજરાતમાં ભાજપનો પાયો નાખવામાં આ ચારે પુર્વ મુખ્યમંત્રીઓનું યોગદાન મહત્વનું રહ્યુ હતું, પણ 1995માં ભાજપ સાથે છેડો ફાડી બાપુએ કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો હતો, બાપુ 2017 સુધી કોંગ્રેસમાં રહ્યા હતા, વિધાનસભાની ચૂંટણીમાં જનવિકલ્પનો જુદો ચોકો રચ્યા પછી પણ તેમની નોંધ પણ લઈ શકાય તેવું કઈ થયું નહીં પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં બાપુ ભાજપ સાથે રહ્યા હોવાને કારણે આ સમારંભમાં માટે બાપુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ હતું, જેના કારણે તેઓ આ સમારંભમાં આવ્યા હતા.