મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 17 નવેમ્બર 2017 (10:19 IST)

હાર્દિક લાજવાને બદલે વધુ ગાજી રહ્યો છે - નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાર્દિકની કથિત સેક્સ સીડીને ગુજરાતના જાહેર જીવનમાં કલંક સમાન ઘટના ગણાવી છે.  નીતિન પટેલે કહ્યું હતું કે, પોતાની સેક્સ સીડી બહાર આવ્યા બાદ તે લાજવાને બદલે વધુ ગાજી રહ્યો છે. નીતિન પટેલે દાવો કર્યો હતો કે, કોંગ્રેસે પાટીદાર આંદોલન ભડકાવવા માટે જે મસમોટી રકમ આપી હતી, તેની વહેંચણીમાં વિવાદ થતાં આ સીડી બહાર આવી છે.

સીડી બનાવનારા તેમજ બહાર પાડનારા તેમના જ લોકો છે. નીતિન પટેલે કહ્યું હતું કે આ બધાથી ભાજપ કે તેના નેતાઓને કોઈ લેવા-દેવા નથી. તેમણે જણાવ્યું હતું કે, પાસ દ્વારા સીએમ રુપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર જે આરોપ લગાવાયા છે, તેના પર અમે કાયદાકીય માર્ગદર્શન મેળવી રહ્યા છીએ, અને તેના પર ચોક્કસ કાર્યવાહી પણ કરીશું. નીતિન પટેલે આ શરમજનક પ્રકરણમાં સંડોવાયેલા લોકોએ જાહેરજીવન છોડી દેવું જોઈએ તેમ કહેતા જણાવ્યું હતું કે, આવા લોકોએ માફી માગવી જોઈએ કે પછી કોર્ટ કે પોલીસ સમક્ષ ફરિયાદ કરવી જોઈએ. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અનામત મામલે સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસના સીનિયર નેતાઓની અડધી રાતે સલાહ લેનારા લોકો હવે કેમ આ સીડી અંગે તેમની પાસેથી માર્ગદર્શન નથી મેળવતા? આટલા મોટા આક્ષેપ લાગ્યા હોય તેવી વ્યક્તિ કેમ ફરિયાદ દાખલ નથી કરતી તેવો સવાલ પણ નીતિન પટેલે હાર્દિક પર ઉઠાવ્યો હતો.