ગુજરાતમાં ભાજપ હારશે તો તેનું કારણ મોંઘવારી અને બેરોજગારી: ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી મુલાકાતો પર સવાલ ઉઠાવ્યા છે અને કટાક્ષ કર્યો છે. સીએમ ગેહલોતે કહ્યું કે, પીએમ મોદીને વારંવાર ગુજરાતની મુલાકાત લેવાની શી જરૂર છે? ગેહલોતે કહ્યું કે, ભાજપ ડરી ગઈ છે. જ્યારે ભાજપ પોતાને એટલું શક્તિશાળી માને છે તો પીએમ મોદીને વારંવાર ગુજરાતમાં કેમ જવું પડે છે?' તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ હારશે તો તેનું કારણ મોંઘવારી અને બેરોજગારી હશે. ગેહલોતનું આ નિવેદન પીએમ મોદીની ગુજરાતમાં ત્રણ રેલીના એક દિવસ પહેલા આવ્યું છે.
સીએમ ગેહલોતે એવા સમયે પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે જ્યારે તેઓ રાજસ્થાનમાં કોંગ્રેસની કથિત આંતરિક લડાઈ સામે લડી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગેહલોત અને પાયલોટ જૂથો વચ્ચેનો સંઘર્ષ અટકવાનો નથી. ગેહલોત અને પાયલોટ એકબીજા પર ટિપ્પણી કરતા જોવા મળે છે. તાજેતરની ટિપ્પણીમાં મુખ્યમંત્રીએ પાયલોટને ગદ્દાર પણ કહ્યા હતા.
મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીના કારણે સ્થિતિ વણસી છે. ગુજરાતમાં આ વખતે સરકાર બદલાશે તો સમગ્ર દેશને ફાયદો થશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત હાર્યા પછી પીએમ મોદી સમજી જશે કે તેઓ મોંઘવારીથી હારી ગયા. ત્યારબાદ તેઓ મોંઘવારી નિયંત્રિત કરવા માટે કેટલાક પગલાં લેશે. તેમણે કટાક્ષ કર્યો હતો કે, ભાજપ માટે પીએમ મોદીનું નામ જ પૂરતું છે તો વડાપ્રધાનને વારંવાર ગુજરાતમાં કેમ જવું પડે છે.સીએમ ગેહલોતે કહ્યું કે જ્યારથી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે ત્યારથી પીએમ મોદી અને અમિત શાહ નિયમિતપણે ગુજરાત આવી રહ્યા છે. મતલબ કે, તેમને લાગે છે કે ગુજરાતમાં ભાજપનો સફાયો થઈ જશે. જો તેઓ દર અઠવાડિયે અહીં આવે તો તેનો અર્થ શું છે? આ તેમની નબળી સ્થિતિ દર્શાવે છે.ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ફરી એકવાર પીએમ મોદી રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે ખૂબ પરસેવો પાડી રહ્યા છે. અગાઉ મોડાસામાં એક ચૂંટણી રેલીમાં, PM એ લોકોને મફત યોજનાઓનું વચન આપનારાઓથી સાવધ રહેવા જણાવ્યું હતું.