મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 નવેમ્બર 2022 (19:32 IST)

વિજય રૂપાણી, નીતિન પટેલે વિધાનસભા ચૂંટણી લડવાની ના કેમ પાડી?

bjp seat war
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગીને લઈને મહત્ત્વના સમાચાર મળ્યા છે.
 
ભાજપની ઉમેદવારોની સૂચિ જાહેર થાય એ પહેલાં ભાજપના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
 
બે વાર ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂકેલા વિજય રૂપાણી ચૂંટણી નહીં લડે.
 
તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હવે નવા લોકોને તક મળવી જોઈએ અને આથી મેં ચૂંટણી નહીં લડવાની વાત પાર્ટીને કરી છે.
 
તો નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ચૂંટણી નહીં લડવાની વાત કરી છે.
 
તો સ્થાનિક મીડિયાના અહેવાલોમાં અનેક નામો પણ ચર્ચાઈ રહ્યાં છે, જેઓ આ વખતે ચૂંટણી નહીં લડે.
 
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલોક શર્માએ આ મામલે મીડિયા સામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપના મોટા ભાગના ધારાસભ્યો ચૂંટણી હારી રહ્યા છે.
 
તેમણે કહ્યું કે "ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ કોરોના, મોરબી દુર્ઘટના સહિતની અનેક ઘટનાઓ બાદ ઉજાગર થઈ ગયો છે. આથી મોટા મોટા નેતાઓ ચૂંટણીથી ભાગી રહ્યા છે."
 
તેમણે એવો દાવો કર્યો હતો કે મોટા ભાગના ભાજપના ધારાસભ્યો ચૂંટણી હારી રહ્યા છે, આથી ભાજપે તેમને ચૂંટણી નહીં લડાવવાનો નિર્ણય કર્યો છે.
 
વિજય રૂપાણી ચૂંટણી કેમ નહીં લડે?
 
સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ કહ્યું કે "ભાજપના એક વરિષ્ઠ નેતા તરીકે હું ચૂંટણી લડવા માગતો નથી."
 
"મેં પોતે પણ ભાજપના આગેવાનોને અગાઉ જણાવેલું જ છે કે હું ચૂંટણી લડવા માગતો નથી."
 
વિજય રૂપાણીએ કહ્યું કે મેં કોઈ જગ્યાએ દાવેદારી પણ નોંધાવી નથી.
 
"નવા કાર્યકરોને તક મળે એ માટે મેં આ નિર્ણય લીધો છે અને ભાજપને જીતાડવા માટે મહેનત કરીશ."
 
વિજય રૂપાણીએ 1971માં યુવાન તરીકે એબીવીપી, આરએસએસ અને જનસંઘમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
 
2017નાં પરિણામો ચોંકાવનારાં આવ્યાં હતાં અને ભાજપની બેઠકોની સંખ્યા ઘટીને 99 પર આવી ગઈ.
 
પછી ભાજપે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું અને વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યું હતું.
 
વિજય રૂપાણી : ગુજરાતના એ મુખ્ય મંત્રી જેમની સરકાર ભાજપે રાતોરાત હઠાવી હતી
 
નીતિન પટેલે ચૂંટણી નહીં લડવા અંગે પત્ર લખ્યો
 
તો પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ પણ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરાઈ છે.
 
નીતિન પટેલે પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલને એક પત્ર લખીને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન કરવા માટે જણાવ્યું છે.
 
પત્રમાં લખ્યું કે "વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હું મહેસાણા બેઠક પરથી ઉમેદવારી કરવા ઇચ્છતો નથી. તેથી પસંદગીમાં મારું નામ વિચારણામાં ન લેવામાં આવે."
 
નીતિન પટલેને ચાર દાયકાના રાજકારણમાં અનેક મંત્રાલયો મળ્યાં છે. વજુભાઈ વાળા પછી બીજા નંબરે આઠ વખત તેમણે નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું.
 
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચાલતું હતું, પણ આખરે આનંદીબહેનને પસંદ કરાયાં હતાં.
 
એ પછી વિજય રૂપાણી મુખ્ય મંત્રી બન્યા અને હાલમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી છે.
 
  પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી નહીં લડે
 
તો પૂર્વ શિક્ષણમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કહ્યું છે કે તેઓ આ વખતની ચૂંટણી નહીં લડે.
 
એએનઆઈને તેમણે જણાવ્યું કે "મેં અગાઉ જ અમિત શાહને કહી દીધું હતું કે હું 2022ની ચૂંટણી લડવાનો નથી."
 
તેમણે કહ્યું કે પાર્ટી મને જે કોઈ કામ આપશે એ મન દઈને કરીશ.
 
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પાર્ટીએ મને નવ વાર ટિકિટ આપી છે અને હું પાંચ વાર જીત્યો છે. અને પાંચ વાર મને પાર્ટીએ કૅબિનેટમંત્રી બનાવ્યો હતો.
 
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદની લૉઅર કોર્ટમાં વર્ષો સુધી વકીલાત કરી હતી.
 
ભાજપના ચુસ્ત કાર્યકર તરીકે 1980 અને 85ની બે ચૂંટણી લડ્યા હતા, પરંતુ દલિત, મુસ્લિમ અને ક્ષત્રિયોનો પ્રભાવ ધરાવતી આ બેઠક પરથી હાર્યા હતા.
 
ત્યાર બાદ 1990ની ચૂંટણીમાં જીત્યા ત્યારે ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલની સંયુક્ત સરકારમાં પહેલી વાર મંત્રી બન્યા હતા.
 
શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને હજૂરિયા-ખજૂરિયા પ્રકરણ થયું ત્યારે શંકરસિંહ વાઘેલા તેમના રાજકીય ગુરુ હોવા છતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ છોડીને નહોતા ગયા.