શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 31 જાન્યુઆરી 2024 (15:06 IST)

AMCનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: શહેરમા 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે

- ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂ. 2401 કરોડ વધુનું બજેટ રજૂ કરાયું
- ગયા વર્ષે રૂપિયા 8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. 
પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી

 AMCનું વર્ષ 2024-25નું રૂ.10,801 કરોડનું બજેટ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.  ગયા વર્ષે રૂપિયા 8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂ. 2401 કરોડ વધુનું બજેટ રજૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પાંચ મહત્ત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમી, લીવેબલ અને હેપ્પી સિટી બનાવવામાં આવશે.
 
પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી
આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર 31 માર્ચ 2024 સુધીમાં રૂ. 909 કરોડ રૂપિયાનું દેવું થવાનો અંદાજ છે. જેમાં 80.11 કરોડની સરકારી લોન, 200 કરોડના બોન્ડ અને GSFCની 569.86 કરોડની લોન, GRPC લોન રૂ.60 કરોડ અને 200 કરોડના બોન્ડ ચૂકવવાનાં છે. જોકે બજેટમાં નાગરિકોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. આ બજેટમાં સીટી સ્ક્વેર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સિંધુભવન રોડ ઉપર સીટી સ્ક્વેર બનશે. જેમાં 125 મીટર ઊંચાઈનું કોર ટાવર બનાવવામાં આવશે. જેમાં ફૂડ કોર્ટ, એમ્ફી થિયેટર, ફાઉન્ટેન, સેન્ટ્રલ કોર્ટ, પ્લાન્ટેશન અને સ્કાય લાઇટ્સ હશે. સીટી સ્ક્વેર બનાવવા માટે કુલ 125 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
 
40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે
શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. જેમાં ઓટોમેટેડ પાર્કિંગ સ્માર્ટ મોનિટરિંગનું સ્માર્ટ એપ્લિકેશન સાથે લીંક કરવામાં આવશે. પાર્કિંગની જગ્યાએ પહોંચવા મેપ સહિત ડિજિટલ રુપે પેમેન્ટ ચૂકવણી કરી શકાશે. દરેક ઝોન દીઠ પાંચ સ્ટ્રેટેજીક લોકેશન ઉપર પાર્કિંગ બનાવવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટમાં પણ નવું આયોજન કરાયું છે. સાબરમતી નદીના પશ્ચિમ તરફ બાયોડાયવર્સિટી પાર્કમાં મેડીટેશન કમ યોગા સેન્ટર બનાવવામાં આવશે. ટાગોર હોલની પાછળ કલ્ચર, કન્વેશન અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. ગાંધીબ્રિજથી નહેરુબ્રિજની વચ્ચે સ્ટ્રેચ તથા ગુજરી બજાર ખાતે વહિકલ પાર્કિંગ પ્લોટ બનશે.AI સેલની સ્થાપના કરવામાં આવશે જેમાં સીસીટીવી ડ્રોન, મોબાઈલ ફોન, ડેશ કેમેરા જેવા વિવિધ AI કેમેરા દ્વારા શહેરનું મોનિટરિંગ કરવામાં આવશે